દંડકારણ્યમાંથી માતા શબરીનાં વંશજો અયોધ્યા જઈ બોર અને ધનુષ બાણ ભેટ ધરશે.

દંડકારણ્યમાંથી માતા શબરીનાં વંશજો અયોધ્યા જઈ બોર અને ધનુષ બાણ ભેટ ધરશે.
ડાંગ.જિલ્લાનાં શબરી ધામ સૂબિર ખાતેથી માતા શબરીનાં વંશજો અયોધ્યા ખાતે જઈ પ્રભુ શ્રીરામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં યજ્ઞમાં ભાગ લઈ શબરી અને રામ મિલનનો ભારતવર્ષને ભક્તિમય સંદેશો પાઠવશે..પ્રાપ્ત વિગતો અનુસાર ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રીરામ,ભ્રાતા લક્ષ્મણનાં માતા શબરી સાથેના મિલનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. ત્રેતા યુગનાં રામાયણ કાળમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રીરામ, અને ભ્રાતા લક્ષ્મણે માતા શબરીને ડાંગ જિલ્લાનાં સુબિર પાસેનાં શબરીધામનાં ચમક ડુંગર નામક સ્થળે રૂબરૂમાં દર્શન આપ્યા હતા.
શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નિચ્ચનો ભેદ દૂર કર્યોની લોકવાયકા સાંભળવા મળે છે.ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડતા શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.જેના પગલે સને 2006 દરમિયાન અહીં રામ કથાકાર મોરારી બાપુના સુચનથી ભવ્ય ‘શબરી કુંભ મેળા’ નું આયોજન કરાયુ હતુ.જે ભક્તિમય મેળાનો લાભ લાખો ભાવિક ભક્તોએ લીધો હતો.અને પવિત્ર પંપા સરોવરમાં સ્નાન કરી આસ્થા વ્યક્ત કરી હતી.કાળક્રમે શબરીધામ ખાતેનાં ચમક ડુંગરનો વિકાસ થતા આજે ભગવાન પ્રભુ શ્રીરામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ, અને માતા શબરીની નયનરમ્ય પ્રતિમા સાથે વિશાળ મંદિર ઊભુ થવા પામ્યું છે.
જ્યા સ્થાનિક આદિવાસી ભાવિક ભક્તો સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે.હાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ સાથે પ્રભુ અને શબરી માતાના મિલનનાં દિવસે, એટલે કે તા.14 જાન્યુઆરી (પોષ સુદ ત્રીજ ને મકરસંક્રાંતિ) એ વહેલી સવારે પંપા સરોવરથી શબરીધામ સુધી સાત કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં પ્રભુ શ્રીરામ, ભ્રાતાશ્રી લક્ષ્મણ, અને ભીલડી માતા શબરીની વેશભૂષા સાથે ભજન, કીર્તન, લોકનૃત્ય, રામધૂન સાથે વિશાળ સરઘસ નીકળશે. જેમા અખિલ ભારતીય સંત સમિતિના કોશાધ્યક્ષ મહા મંડલેશ્વર સ્વામી જનાર્દન મહારાજ, દેવગીરી પ્રાંતના ધર્મ જાગરણ સહ સાંસ્કૃતિક પ્રમુખ યોગી દત્તનાથ, શબરી ધામના સ્વામી અસીમાનંદજી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, ભાવિક ભક્તો, માં શબરીના વંશજો મોટી સંખ્યામાં જોડાશે.
તે પૂર્વે તા.13 જાન્યુઆરીએ રાત્રી દરમિયાન પમ્પા સરોવર ખાતે ભજન, કીર્તન, રામધૂન સહિત મહાપ્રસાદીનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં પણ મહાનુભાવો જોડાશે.શ્રી શબરી માતા સેવા સમિતિના અધ્યક્ષ ડો.ચીંતુભાઈ ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે આ કાર્યક્રમ સહિત સતત તા.22 જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમોના સથવારે, પ્રભુ શ્રીરામ લલ્લા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ઉજવવામાં આવશેનું જણાવ્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના દિવ દાદરા નગર હવેલી અને દમણનાં પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે ત્રેતા યુગમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ડાંગ,ડાંગ જિલ્લાની સૂબિરનાં ચમક ડુંગર પર સાક્ષાત માતા શબરી બેઠા હતા.
રોજેરોજ ભગવાન રામની પ્રતીક્ષામાં માર્ગની સાફ સફાઈ અને બોર તોડી મુકતા હતા.તેવામાં 14મી જાન્યુઆરીનાં રોજ પ્રભુ શ્રીરામે માતા શબરીને સાક્ષાત દર્શન આપી એઠા બોર આરોગ્યા હતા.માતા શબરીનો ભગવાન રામ સાથે નાતો જોડાયેલ છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે શબરીનાં વંશજોને કેમ કેમ ભુલાઈ, માતા શબરીના વંશજો રામ લલાનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લે તે માટે આ કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે.અહી ડાંગ જિલ્લામાંથી શબરીધામ સૂબિર ખાતેથી અયોધ્યા જઈ રહેલ શબરીમાતાનાં વંશજોમાં 9 જેટલા જોડાને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિત ભક્તો દ્વારા સ્વાગત કરી તેઓને શ્રીફળ તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સફળ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગ જિલ્લામાંથી માતા શબરીનાં વંશજો અયોધ્યા જઈ પ.પૂ.ભદ્રાચાર્યજી મહારાજનાં 75માં જન્મદિવસ નિમિત્તે શબરીનાં સ્થાનકનાં બોર તથા ધનુષ બાણ ભેટ ધરી યજ્ઞ તથા પૂજામાં ભાગ લઈ ભારતવર્ષનું દાયિત્વ નિભાવશે.અત્રે નોંધનીય છે કે દંડકારણ્ય ડાંગમાં ત્રેતા યુગમાં વર્ષોથી પ્રતીક્ષા કરતી ભીલડી માતાને સૂબિરનાં ચમક ડુંગર ખાતે પ્રભુ શ્રીરામે રૂબરૂમાં દર્શન આપ્યા હતા.ત્યારે હાલમાં 22મી જાન્યુઆરીનાં રોજ રામ લલાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાન થવા જઈ રહ્યો છે ત્યારે માતા શબરીનાં વંશજો પ્રભુ શ્રીરામનાં દર્શન કરી દાયિત્વ અદા કરશે.આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી,ડાંગ ભાજપાનાં પૂર્વ પ્રમુખ દશરથ પવાર,શબરી ધામના પ.પૂ.અસીમાનંદજી, કિશોરભાઈ ગાવીત, સંજયભાઈ પાટીલ, પ્રવીણભાઈ આહિરે, રમેશભાઈ ગાંગુડે, બુધુભાઈ કામડી, સહિત ભક્તો અને શબરી માતાનાં વંશજો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300