તલગાજરડા ખાતે રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને મોરારીબાપુ દ્વારા આજે ચિત્રકૂટ એવોર્ડ થી નવાજવામાં આવશે

તલગાજરડા ખાતે રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને મોરારીબાપુ દ્વારા આજે ચિત્રકૂટ એવોર્ડ થી નવાજવામાં આવશે
મહુવા તાલુકાના તલગાજરડાના તીર્થ સ્થળ ચિત્રકૂટ ધામ ખાતે તા. 31/1 ને બુધવારના રોજ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિકથી નવાજવામાં આવશે.
પૂ.મોરારીબાપુ દ્વારા દર વર્ષે આ તિથિ ના રોજ રાજ્યના બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો માંથી પસંદ થયેલા 35 શિક્ષક ભાઈ/બહેનોને શિક્ષકોમાં ગૌરવવંતો, મહિમાવંત તથા પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ રૂ. 25000 ની રાશિ, સન્માનપત્ર,શાલ, સૂત્રમાલા સાથે એનાયત કરવામાં આવે છે.
શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીનું કાર્ય રાજ્યના શિક્ષક સંઘ દ્વારા થાય છે. જેમાં 33 જિલ્લા મુજબ દરેક જિલ્લામાંથી એક એમ 33 શિક્ષકોની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા જ્યારે બે શિક્ષકોની પસંદગી નગરપાલિકા શિક્ષક સંઘ દ્વારા થાય છે.
તલગાજરડા ની પ્રાથમિક શાળા ખાતે સવારે 10 કલાકે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂ.મોરારીબાપુ આ એવોર્ડ ફાળવશે. અહીં યોજાયેલા મહુવા તાલુકાના શૈક્ષણિક સંમેલન સાથે મહુવા તાલુકાના નિવૃત્ત થતા શિક્ષક ભાઈ બહેનોને વિદાય સન્માન પણ આપવામાં આવશે. તેમાં અધેવાડા આશ્રમના સંત પૂ.સીતારામબાપુ, રાજ્ય સંઘના હોદ્દેદારો, જિલ્લા પ્રા. શિક્ષણધિકારી સહિતના ઉપસ્થિત રહેશે.
આ પહેલા અહીં 9 કલાકે તલગાજરડામાં નવનિર્મિત કન્યા શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થશે.જેમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસુરીયા ખાસ ઉપસ્થિત રહેશે. ગામમાં 80 વર્ષ જૂની શાળાના બે વર્ગખંડોને જાળવી રાખવામાં આવનાર છે.
કાર્યક્રમની સફળતા માટે મહુવા સંઘના મનુભાઈ શિયાળ, મંત્રી જગદીશભાઈ કાતરીયા, જયદેવભાઈ માંકડ, રસિકભાઈ અમીન, ગજુભા વાળા,ગણપતભાઈ પરમાર, ભરતભાઈ પંડ્યા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300