બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના

બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના
દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ
દેવી પ્રસિદતૂ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા..
વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી આવે છે.નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. આવો..માતા બ્રહ્મચારિણીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.
વ્યવહારમાં કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે.
ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું છે.અહી બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે.બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી,તપનું આચરણ કરનારી.કહ્યું છે કે વેદસ્તત્વમ્ તપો બ્રહ્મ. વેદ-તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોર્તિમય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા તથા ડાબા હાથમાં કમંડલ હોય છે.
પોતાના પૂર્વજન્મમાં જ્યારે તે હિમાલય અને મેનાના ઘેર પૂત્રીરૂપે ઉત્પન્ન થયાં ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા અત્યંત કઠીન તપસ્યા કરી હતી.આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમને ફક્ત કંદમૂળ ખાઇને વ્યતીત કર્યા હતા.સો વર્ષ સુધી ફક્ત શાક ઉપર નિર્વાહ કર્યો હતો.કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ રાખીને ખુલ્લા આકાશની નીચે ફક્ત જમીન ઉપર પડેલા બિલિપત્રો ખાઇને અહર્નિશ ભગવાન શિવની આરાધના કરી હતી.ત્યારબાદ હજારો વર્ષો સુધી નિર્જલ અને નિરાહાર તપસ્યા કરી હતી.એક સમયે બિલિના પાન(પર્ણ) પણ ખાવાના બંધ કર્યા હોવાથી તેમનું એક નામ અર્પણા છે.
હજારો વર્ષની આવી કઠિન તપસ્યાના કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું શરીર એકદમ ક્ષીણ અને કૃશકાય થઇ ગયું હતું.તેમની આવી દશા જોઇને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થાય છે.તેમની માતા મેનાએ તેમને તપસ્યા પૂર્ણ કરવા બૂમ મારી કે ઉ..મા..ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું એક નામ ઉમા પડ્યું છે.
તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો.દેવતા,ઋષિ,સિદ્ધગણ,મુનિ તમામ બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવીને તેમની પ્રસંશા કરવા લાગ્યા.છેલ્લે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણીના દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરમાં કહ્યું કે હે દેવી ! આજદિન સુધી કોઇએ આવી કઠોર તપસ્યા કરી નથી.તમારી આ અલૌકિક કૃત્યની ચતુર્દિક પ્રસંશા થઇ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે.ભગવાન ચંદ્રમૌલિ શિવ તમોને પતિરૂપમાં પ્રાપ્ત થશે.હવે તમે તપસ્યા પૂર્ણ કરી પિતૃગૃહે જાઓ.
ર્માં દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનાર છે.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.જીવનના કઠીન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય-પથ ઉપરથી વિચલિત થતું નથી. ર્માં બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજ્યની પ્રાપ્તિ થાય છે.દુર્ગાપૂજાના બીજા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળો યોગી તેમની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.
આલેખન : વિનોદભાઈ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300