બોધકથા..નિંદા કરવાથી પા૫ની પ્રાપ્તિ થાય છે.

બોધકથા..નિંદા કરવાથી પા૫ની પ્રાપ્તિ થાય છે.
Spread the love

બોધકથા..નિંદા કરવાથી પા૫ની પ્રાપ્તિ થાય છે.

બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ “નિંદા” કહેવાય.કોઇને બોજારૂ૫ બનવું,અન્યની નિંદા કરવી એ જ સૌથી મોટું પા૫ છે.બીજાઓની નિંદા કરવાની પ્રવૃત્તિથી અન્યની હાનીની સાથે સાથે પોતાનું પણ નુકશાન થાય છે,આ જો અમે સમજી જઇશું તો નિંદા કરવાનું છોડી દઇશું.બ્રહ્મજ્ઞાની સંત ક્યારેય બીજા કોઇની નિંદા કરતા નથી,તે જે કંઇ કહે છે તે પ્રભુ પરમાત્માનું જ કથન હોય છે.

જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી,તેનો બંન્નેમાં સમભાવ રહે છે.ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી.જો કે માનવના જીવનમાં પ્રાથમિક અવસ્થામાં નિંદા-સ્તુતિની આવશ્યકતા છે.આ વિશે એક બોધકથા જોઇએ..

એક નગરના રાજાએ એકવાર અગિયાર બ્રાહ્મણોને ખીર-પુરી તથા અનેક મિષ્ઠાન જમાડવા બોલાવે છે.ભોજન ખુલ્લામાં તૈયાર થઇ રહ્યું હતું તે સમયે એક સમડી પોતાના પંજામાં સાપને પકડીને જઇ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા માટે સમડીને ડંખ માર્યો.તેનું થોડું ઝેર દૂધમાં પડતાં ખીર ઝેરી બને છે અને તેના ખાવાથી અગિયાર બ્રાહ્મણોનું મૃત્યુ થાય છે.રાજાને ચિંતા થાય છે કે આ બ્રાહ્મણોની હત્યાનું પાપ મને લાગશે.બીજુ તરફ યમરાજાના માટે પણ પ્રશ્ન ઉભો થયો કે આ અગિયાર બ્રાહ્મણોની હત્યાનું પાપ કોના ખાતામાં નાખવું?

રાજાને ખબર નથી કે ભોજનમાં ઝેર છે,રસોઇઆ જાણતા નથી કે રસોઇ ઝેરી બની છે,સમડી જે ઝેરી સાપને લઇને રાજાના મહેલ ઉપરથી પસાર થઇ તેને ખબર નથી કે સાપના મુખમાંથી ઝેર રસોઇમાં પડ્યું છે,સાપે તો પોતાની જીવનરક્ષા માટે સમડીને ઝેરી ડંખ માર્યો છે.

ઘણા સમય સુધી યમના દરબારમાં આ પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો.એકવાર કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા માટે આવે છે.નગરમાં પ્રવેશતાં જ ચોરા ઉપર બેઠેલા કેટલાક નવરા લોકોને તે રાજમહેલ જવાનો રસ્તો પુછે છે ત્યારે તેઓ રસ્તો તો બતાવે છે સાથે સાથે સલાહ આપે છે કે અમારા નગરનો રાજા આવનાર આગંતુકના ભોજનમાં ઝેર નાખીને જમાડીને મારી નાખે છે એટલે તમે લોકો રાજાને ત્યાં ભોજન ના લેશો. યમરાજાને પ્રશ્નનો ઉકેલ મળી ગયો અને તેમને અગિયાર બ્રાહ્મણોની હત્યાનું પાપ આ લોકોના ખાતામાં ઉધારી દીધું.

આ સમયે યમદૂતો યમરાજાને પ્રશ્ન પુછે છે કે બ્રાહ્મણો મરી ગયા તેમાં નગરના ચોરા ઉપર નવરા બેઠેલા લોકોનો તો કોઇ દોષ નથી તો તેમના ખાતે બ્રહ્મહત્યાનો દોષ કેમ? ત્યારે યમરાજા કહે છે કે આ કેસમાં રાજા-સમડી,સાપ કે રસોઇઆનો દોષ હતો જ નહી પરંતુ આ લોકોએ સત્ય જાણ્યા વિના રાજાની નિંદા કરી છે એટલે અગિયાર બ્રાહ્મણોની હત્યાનું ફળ તેમના ખાતે ઉધારવામાં આવે છે.ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં તો ક્યારેય પાપ કર્યું નથી તો પછી મને કેમ સજા મળી? વાસ્તવમાં જાણે-અજાણ્યે બીજાઓની નિંદા-કુથલી કરવાના કારણે પાપનું ફળ આપણને ભોગવવું પડતું હોય છે એટલે સાવધાન ! કોઇની નિંદા-કુથલી ક્યારેય ન કરવી,તેમ કરવાથી નિંદક બીજાના પાપ પોતાના માથે લઇ લેતો હોય છે.જો કરેગા સો ભરેગા તૂં ક્યો ભયો ઉદાસ !

આ વિશે અન્ય એક બોધકથા જોઇએ..એક વિદેશીને અપરાધી સમજીને રાજાએ ફાંસીનો હુકમ કર્યો. વિદેશી રાજાને અપશબ્દો કહીને રાજાના વિનાશની કામના કરી.રાજાને પરદેશીની ભાષાનું જ્ઞાન ન હતું એટલે પોતાના મંત્રીને પુછ્યું કે આ શું બોલી રહ્યો છે? મંત્રીએ વિદેશીની ગાળો સાંભળી હતી તેમછતાં તેને કહ્યું કે મહારાજ..! તે આપશ્રીને આર્શિવાદ આપતાં કહેતો હતો કે આપ હજાર વર્ષ જીવો.આ સાંભળીને રાજા ખુશ થાય છે પરંતુ એક અન્ય મંત્રી જે પહેલા મંત્રીની ઇર્ષા કરતો હતો તે કહે છે કે મહારાજ તે આપશ્રીને આર્શિવાદ નહી ગાળો બોલતો હતો.

આ મંત્રી પણ બહુભાષી હતો.તેને પહેલા મંત્રીની નિંદા કરતાં કહ્યું કે આ મંત્રી જેને આપ વિશ્વાસપાત્ર સમજો છે તે અસત્ય બોલે છે.રાજાએ મંત્રી સાથે વાત કરી સત્ય જાણવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ સત્ય એ છે કે આ અપરાધી આપને ગાળો જ બોલતો હતો તેમછતાં મેં આપને અસત્ય કહ્યું કે તે આપના વખાણ કરે છે,આર્શિવાદ આપે છે.

રાજાએ કહ્યું કે તમે તેને બચાવવાની ભાવનાથી રાજા સાથે જૂઠુ બોલ્યા.માનવધર્મને સર્વોપરી માનીને તમે રાજધર્મને પાછળ રાખ્યો.હું તમારાથી ખુશ છું.ત્યારબાદ રાજાએ વિદેશી અને બીજા મંત્રીની તરફ જોઇને કહ્યું કે હું તમોને મુક્ત કરૂં છું.આપ નિર્દોષ હોવાના લીધે ક્રોધમાં આવીને તમે રાજાને ગાળો બોલી છે અને મંત્રી મહોદય તમે સત્ય એટલા માટે કહ્યું કેમ કે તમે પહેલા મંત્રીથી ઇર્ષા કરો છો.તમારા જેવા લોકોનું મારા રાજ્યમાં કોઇ કામ નથી એટલે તમે મારા રાજ્યને છોડીને ચાલ્યા જાઓ.

બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિજ ૫છી ૫ણ વેર નફરત નિંદા ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે.આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્કાભમભાવથી ભક્તિ કરો,સ્વાર્થ રહિત સુમિરણ કરો,યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.

અન્યની નિંદા કરવી એ જ સૌથી મોટું પા૫ છે.આપણને દુઃખ આપનારા અને નિંદા કરનારાઓને ૫ણ દુઃખ ના આપવું તથા તેમની નિંદા ન કરવી. અમોને જે દુઃખ આપી રહ્યા છે તે ૫હેલાંથી જ અમારાથી વધુ દુઃખી છે, જો અમે તેમને વધુ દુઃખ આપીશું તો અમારામાં બદલાની ભાવના આવી જશે એટલે જે અમોને દુઃખ આપે છે તેમને ક્યારેય દુઃખ ના આપવું અને જો અમારી નિંદા થાય તો તેના અનુસાર અમારામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો પરંતુ ક્યારેય અમારી નિંદા કરનારની નિંદા ન કરવી પરંતુ તેમનો આભાર માનવો તેનાથી અમારી ઉન્નત્તિ થશે તેમાં શંકા નથી.

માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે. જીભ નિંદા કરે છે, જીભ પોતાના વિષે વ્યર્થ ભાષણ કરે છે એટલે જીભથી પરમાત્માના નામનો જપ થતો નથી.પાપ જીભને પકડી રાખે છે.ક્ષણે ક્ષણે ભગવાનનું નામ લેવું સુલભ છે પણ માનવથી આ થતું નથી.નામમાં દ્રઢ નિષ્ઠા રાખો.નામ નિષ્ઠા થાય તો મરણ સુધરે છે.બ્રહમનિષ્ઠા અંત સુધી ટકવી મુશ્કેલ છે.આશાથી જેમ દુઃખની,નિંદાથી પા૫ની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.

નિંદા કરવાનું, ટીકા-ટીપ્પણી કરવાનું અને બીજાઓના વિશે ખોટી નકારાત્મક ધારણાઓ બાંધવાનું બંધ કરી દઇએ.આવો પોતે પોતાનાથી શરૂઆત કરીએ.આધ્યાત્મિક સ્તર ઉપર આ વાતોને આપણે અપનાવીએ.

ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટય ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્યવ દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્તૃ કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.

યુવાનીમાં ભક્તિનો રંગ લાગવો જોઈએ.ઘડપણમાં ભક્તિનો રંગ લાગે તેને યુવાનીમાં ભોગવેલા કામસુખો યાદ આવે છે.ઘડપણમાં અંદરથી ભક્તિનો રંગ ન લાગે તો બીજાઓની નિંદા કરવાની ઈચ્છા થાય છે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!