સંમેલન રાજસ્થાનમાં ને ગરમાવો ગુજરાતમાં…

હવે અલગ ભીલ પ્રદેશ બનાવવા અંગે માંગ બુલંદ સ્વરુપ પકડી રહી છે. ગુજરાત સહિત આસપાસના તમામ પાડોશી રાજ્યોમાંથી કેટલાક જિલ્લાઓ લઈ અલગ પ્રદેશ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં રાજસ્થાનના બાંસવાડામાં આવેલા આદિવાસીઓના આસ્થાના ધામ માનગઢમાં 20 દિવસ પહેલાં એક સંમેલન મળ્યું. જેમાં અલગ ભીલ પ્રદેશ બનાવવાની ફરીથી માગ થઇ હતી. સંમેલનમાં એકઠા થયેલા આદિવાસીઓએ કહ્યું કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા 49 જિલ્લાઓને એકસાથે જોડીને અલગ ભીલ પ્રદેશ બનાવો.
આદિવાસીઓની અલગ ભીલ પ્રદેશની માગ વર્ષો જૂની છે. ગુજરાતના વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, વર્તમાન કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર, ગુજરાત સરકાર, મધ્યપ્રદેશ સરકાર, મહારાષ્ટ્ર સરકાર વગેરે દ્વારા આ અંગે શું પ્રતિક્રિયા આપવામાં આવે છે. પરંતુ હાલ તો આ પ્રશ્ને ગુજરાતમાં ગરમાવો ફેલાઈ જવા પામ્યો છે.