બાબા રામદેવપીરનો અંતિમ ઉપદેશ અને જીવન-દર્શન

બાબા રામદેવપીરનો અંતિમ ઉપદેશ અને જીવન-દર્શન
Spread the love

બાબા રામદેવપીરનો અંતિમ ઉપદેશ અને જીવન-દર્શન

વિક્રમ સંવત ૧૫૧૫ ભાદરવા સુદ-૧૧ને ગુરૂવારના રોજ ભગવાન શ્રીરામદેવજી મહારાજે રામ સરોવરની પાળે રણુંજા ખાતે મહા સમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે પોતાના ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો,આ ચોવીસ ફરમાનોને જીવનમાં કર્મરૂપમાં વણી સેવા એજ બાબા રામદેવજી મહારાજની સાચી ભક્તિ છે.આવો આ ચોવીસ ફરમાન જોઇએ..

કહે રામદેવ સુણો ગતગંગા..(૧) પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન,જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન. (૨) ગુરૂચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર,જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર. (૩) વાદ-વિવાદ કે નિંદા-ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને, આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને. (૪) ગુરૂપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાનસારને ધાર,ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. (૫) તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ,તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ. (૬)સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર,જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.

(૭) વચન વિવેકી જે હોય નરનારી નેકી-ટેકીને વળી વ્રતધારી,તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી. (૮) માતા-પિતા અને ગુરૂ સેવા કરવી,કરવો અતિથી સત્કાર,સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર. (૯) પ્રથમ પરોઢીયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ,એકમના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ. (૧૦) એક આસને અજપા-જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ,દશેય ઈન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. (૧૧) દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહ-માન અભિમાન,મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન. (૧૨) સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ,મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.

(૧૩) સદવર્તનને શુભ-આચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર,સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર. (૧૪) દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય,નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય. (૧૫) નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ,એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ. (૧૬) જનસેવામાં જીવન ગાળે તે નર સેવાધર્મી કહેવાય,ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય. (૧૭) ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ,અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે,પામે પૂર્ણ વિશ્વાસ. (૧૮) કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર,પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર અને નાર.

(૧૯) ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી,તે જન નહિ સેવક અમારા નહિ પાઠ-પૂજાના તે અધિકારી. (૨૦) ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ,નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ. (૨૧) સભામહિ સાંભળવું સૌનું,રહેવું મુજ આજ્ઞા પ્રમાણ,મુજ પદનો તે છે જીવ અધિકારી,પામે પદ નિરવાણ. (૨૨) નવને વંદન,નવને બંધન વળી જે હોય નવઅંકા,નવધા ભક્તિ તે નરને વરે,વરે મુક્તિને કોઈ નરબંકા. (૨૩) દાન આપે છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ,આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ. (૨૪) હું છું સૌનો અંતરયામી નિજ ભક્તોનો રક્ષણહાર,ધર્મ કારણ ધરતો હું વિધ-વિધ રૂપે અવતાર..રામદાસજી મહારાજ કહે છે કે સાંભળો સંતો..લીલુડો ઘોડો અને ભંમર ભાલો આ પરમ પદની ઓળખાણ પીરે આપી છે,સમાધિના સમયે બોધ રૂપે ચોવીસ ફરમાનના રૂપમાં જે આજ્ઞાઓ આપી છે તે તમામ ભક્તોએ જીવનમાં અપનાવી જીવન ખુશહાલ બનાવીએ.

રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૭૧ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો.તેમની માતા જેસલમેરના રાજાની પૂત્રી મિનળદેવી અને પિતાનું નામ અજમલરાય હતું.ચૌદમી સદીમાં રામદેવપીરના પિતા અજમલરાય પોખરણ ના રાજા હતાં.આ કાશ્મીર ગામ હાલમાં રામદેવરા(રણુંજા) તરીકે પણ ઓળખાય છે.

રામદેવપીરને ભગવાન દ્વારકાધીશ(કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે.ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે.ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે.પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા.

એકવાર મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા માટે આવ્યા હતા.તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’ નુ નવું નામ આપ્યુ.ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે. બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી.બાબા રામદેવ પીર દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો,ધનવાન હોય કે ગરીબ,ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપ્યો હતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૫૧૫માં સમાધી લીધી હતી,તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી.બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યુ હતું.બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચુરમુ ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે.તેમની સમાધિ રાજ્સ્થાનના રામદેવરામાં આવેલી છે.

અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા.તેમને કોઈ સંતાન ન હોઈ તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા.જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો.અજમલરાય પત્ની મિનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા હતા.દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી.સમુદ્રની અંદર રહેલી પ્રાચિન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા હતા.અજમલજીએ દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું હતું.વિરમદેવ બાદ બાબા રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું.

પ્રાચિન માન્યતા અનુસાર રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે મહેલમાં કંકુના પગલા પડ્યા હતા.એવું પણ કહેવામાં આવે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવીપીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ બાબા રામદેવજીને ભમ્મર ભાલો, ગૂગળનો ધૂપ, ભસ્મ,ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની ઝોળી ભેટ આપી હતી.જેમ જેમ રામદેવજી મોટા થતાં ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા.એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરૂઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી હતી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું.બાબા રામદેવપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો હતો.બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બારબીજના ધણીનું નામ આપ્યુ હતું.દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શન અને ભજનોનું વિશેષ મહત્વ છે.

હરજી ભાટી રામદેવપીર મહારાજના ભક્ત હતા,એમનો જન્મ પંડિતજીકી ઢાણી ગામ કે જે જોધપુરથી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે,ત્યાં રાજપુત કુટુંબમાં વિ.સં.૧૭૫૭ના વર્ષમાં થયો હતો.તેમના પિતાના અવસાન સમયે તેમની ઉંમર ચૌદ વર્ષ હતી,એમની ભક્તિ અને શ્રદ્ધાને કારણે રામદેવપીરે એમને સાક્ષાત દર્શન આપ્યાં હતાં તેવી લોકવાયકા છે.વિ.સં.૧૮૩૮ના વર્ષમાં એંસી વર્ષની વયે એમણે સમાધિ લીધી હતી.તેઓ રાજસ્થાનમાં પગપાળા ગામે ગામ ફર્યા હતા.તેમનો મુખ્ય હેતુ ધર્મ સંબંધિત રામદેવપીરના વિચારો લોકોમાં પહોંચાડી જાગૃતિ લાવવાનો હતો.
રામદેવપીર અને હરજીભાટીનો સમયગાળો ઘણો લાબો છે કેમકે રામદેવપીરનો જન્મ ૧૪૦૯માં થયો હતો જયારે હરજીભાટીનો જન્મ ૧૭૫૭મા જેસલમેરના રાજા ઊગમસિંહ ભાટીને ઘેર થયો હતો,આમ રામદેવપીર અને હરજીભાટી વચ્ચે ત્રણસો કરતાં વધુ વરસનો સમયગાળો છે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!