રમા એકાદશીની વ્રત કથા..

રમા એકાદશીની વ્રત કથા..
ભાવ-વિહ્વળ થઇને અર્જુને કહ્યું કે હે શ્રીકૃષ્ણ ! આપ મને આસો વદ એકાદશીની કથા સંભળાવો.આ એકાદશીનું નામ શું છે અને આ દિવસે કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? અને આ એકાદશીનું વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? તે મને વિગતવાર સમજાવો.ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે અર્જુન ! આસો વદની એકાદશીનું નામ રમા એકાદશી છે.આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.તેની કથા ધ્યાનપૂર્વક સાંભળો.
પુરાતન સમયમાં મુચકુંદ નામના રાજા રાજ્ય કરતા હતા.ઇન્દ્ર વરૂણ કુબેર વિભિષણ વગેરે તેમના મિત્ર હતા.તે ઘણા જ સત્યવાદી તથા વિષ્ણુભક્ત હતા.તેમનું રાજ્ય બિલ્કુલ નિષ્કંટક હતું.તેમને ચંદ્રભાગા નામની એક કન્યા હતી જેનું લગ્ન રાજા ચંદ્રસેનના પૂત્ર શોભન સાથે કરવામાં આવ્યું હતું.તે રાજા રમા એકાદશીનું વ્રત ઘણા જ નિયમપૂર્વક કરતા હતા અને તેમના રાજ્યમાં તમામ નિયમોનું કઠોરતાપૂર્વક પાલન કરવામાં આવતું હતું.એકવાર શોભન પોતાની સાસરીમાં ગયો હતો તે સમયે મહાપુણ્યદાયિની રમા એકાદશી હતી.ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિનું હ્રદય ઘણું નબળું છે તેથી જો તેઓ એકાદશીનું વ્રત કરશે તો તેમને ઘણો ફાયદો થશે તેમ વિચારી તેણે એકાદશી વ્રત કરવા આગ્રહ કર્યો તો શોભન કહે છે કે હું ઉપવાસ કરી શકતો નથી અને જો હું ઉપવાસ કરીશ તો અવશ્ય મરી જઇશ.આમ હોવા છતાં શોભન એકાદશીનું વ્રત કરે છે.
તમામ નગરજનોની સાથે શોભને પણ એકાદશીનું વ્રત વિવશ બનીને શ્રદ્ધારહિત કર્યું જેનાથી તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઇ જાય છે.સૂર્યાસ્ત થયો અને જાગરણ શરૂ થયું.તે રાત્રીએ શોભનને ઘણું જ અસહનીય દુઃખ થયું અને સવાર પડતાં જ શોભનનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું.રાજાએ શોભનના મૃત શરીરને પાણીમાં વહેવડાવી દીધું અને પોતાની પૂત્રીને કહ્યું કે તારે સતી થવાનું નથી અને ભગવાન વિષ્ણુની કૃપા ઉપર ભરોસો રાખવાનો છે.ચંદ્રભાગા પોતાના પિતાની આજ્ઞાનુસાર સતી ના થઇ અને પિતાના ઘેર રહીને જ એકાદશીનું વ્રત કરવા લાગી.બીજી તરફ રમા એકાદશીના પ્રભાવથી શોભનને પાણીમાં કાઢવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેને મંદરાચલ પર્વત ઉપર ધન-ધાન્યથી પરીપૂર્ણ તથા શત્રુ રહિત દેવપુર નામના ઉત્તમ નગરનું રાજ્ય પ્રાપ્ત થાય છે.તેના રાજમહેલમાં રત્નજડીત સોનાના થાંભલા લગાવેલ હતા.રાજા શોભન સુર્વણ તથા રત્નજડીત સિંહાસન ઉપર સુંદર વસ્ત્રો તથા આભૂષણો ધારણ કરીને બેઠા છે.ગંધર્વ તથા અપ્સરાઓ નૃત્ય કરીને તેમની સ્તુતિ કરે છે.તે સમયે રાજા શોભન ઇન્દ્ર જેવા લાગે છે.
તે દિવસોમાં મુચકુંદનગરમાં રહેતો સોમશર્મા નામનો એક બ્રાહ્મણ તીર્થયાત્રા કરવા નીકળ્યો હોય છે તે ફરતો ફરતો શોભનના દેવપુર નગરમાં આવે છે.તેને જોયું કે આ તો રાજા મુચકુંદના જમાઇ શોભન છે. બ્રાહ્મણને આવેલો જોઇને રાજા શોભન આસન ઉપરથી ઉભા થઇને પોતાના સસરા તથા પોતાની રાણી ચંદ્રભાગાના કુશળક્ષેમ પુછે છે.શોભનની વાત સાંભળીને સોમશર્માએ કહ્યું કે હે રાજન ! અમારા રાજા મુચકુંદ તથા આપની રાણી ચંદ્રભાગા કુશળ છે.હવે આપ આપનું વૃતાંત કહો.આપે રમા એકાદશીના દિવસે અન્ન-જળ ન લેવાથી પ્રાણ ત્યાગી દીધા હતા.મને નવાઇ લાગે છે કે આવું વિચિત્ર અને સુંદર નગર આપને કેવી રીતે પ્રાપ્ત થયું છે?
શોભન કહે છે કે હે બ્રહ્મદેવ ! આ બધું રમા એકાદશી વ્રત કરવાનું ફળ છે જેના ફળસ્વરૂપે મને આ અનુપમ નગર મને પ્રાપ્ત થયું છે પરંતુ આ અસ્થિર છે.શોભનની વાત સાંભળીને બ્રાહ્મણ કહે છે કે હે રાજન ! આને અસ્થિર કેમ કહો છો અને તેને સ્થિર કેવી રીતે કરી શકાય? ત્યારે રાજા શોભન કહે છે કે મેં રમા એકાદશીનું વ્રત વિવશ બનીને શ્રદ્ધારહિત કર્યું હતું આમ હોવા છતાં તેના પ્રભાવથી મને આ અસ્થિર નગર પ્રાપ્ત થયું છે પરંતુ જો આ હકીકત તમે રાજા મુચકુંદની પૂત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આ નગરને સ્થિર બનાવી શકશે.રાજા શોભનની વાત સાંભળીને બ્રાહ્મણ પોતાના નગરમાં આવીને ચંદ્રભાગાને તમામ હકીકત સંભળાવે છે ત્યારે ચંદ્રભાગા કહે છે કે હે બ્રાહ્મણ દેવ ! તમે જે વર્ણન કરો છો તે તમે નજરે જોયું છે કે સ્વપ્ન છે?
ચંદ્રભાગાની વાત સાંભળીને બ્રાહ્મણ કહે છે કે હે રાજકન્યા ! મેં આપના પતિ શોભન તથા તેમના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અસ્થિર છે.તમે કોઇ ઉપાય કરીને તેને સ્થિર કરો.બ્રાહ્મણની વાત સાંભળીને ચંદ્રભાગા કહે છે કે આપ મને તે નગરમાં લઇ જાઓ.હું મારા પતિને જોવા માંગું છું.હું મારા વ્રતના પ્રભાવથી તે નગરને સ્થિર બનાવી દઇશ.બ્રાહ્મણ ચંદ્રભાગાને મંદરાચલ પર્વત પાસેના વામદેવના આશ્રમમાં લઇ ગયા.વામદેવે તમામ કથા સાંભળીને ચંદ્રભાગાનો મંત્રોથી અભિષેક કર્યો.ચંદ્રભાગા મંત્રો તથા વ્રતના પ્રભાવથી દિવ્ય દેહ ધારણ કરીને પતિની પાસે પહોંચી ગઇ.શોભને પોતાની પત્ની ચંદ્રભાગાને જોઇને પ્રસન્નતાપૂર્વક પોતાની પાસે આસન ઉપર બેસાડી.
ચંદ્રભાગાએ કહ્યું કે હે સ્વામી ! હવે તમે મારા પુણ્યને સાંભળો.જ્યારે હું મારા પિતાના ઘેર આઠ વર્ષની હતી ત્યારથી વિધિસર રમા એકાદશીનું વ્રત કરૂં છું.આ વ્રતના પ્રભાવથી આપનું આ નગર સ્થિર થઇ જશે અને તમામ કર્મોથી પરીપૂર્ણ થઇને પ્રલય સુધી તે સ્થિર રહેશે.ચંદ્રભાગા દિવ્યરૂપ ધારણ કરીને તથા દિવ્ય વસ્ત્ર-અલંકારોથી સજીને પોતાના પતિ સાથે સુખપૂર્વક રહેવા લાગી.હે અર્જુન ! મેં તને રમા એકાદશી વ્રતનું માહાત્મય કહ્યું છે.જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના તમામ પાપો નષ્ટ થશે.જે મનુષ્ય રમા એકાદશીનું માહાત્મય સાંભળશે તે મૃત્યુ પછી વિષ્ણુલોકમાં જશે.
ભગવાન શ્રીહરિ ઘણા દયાળુ તથા ક્ષમાવાન છે.શ્રદ્ધાપૂર્વક કે વિવશ થઇને પણ જો કોઇ આ રમા એકાદશીનું વ્રત કરે છે તેને ઉત્તમ ફળ પ્રદાન કરે છે.મનુષ્યોએ ભગવાનનું પૂજન પુરી શ્રદ્ધાથી કરવું જોઇએ.શોભન અને તેની પત્ની ચંદ્રભાગાએ શ્રદ્ધાપૂર્વક રમા એકાદશીનું વ્રત કરવાના કારણે પોતાના રાજ્યને સ્થિર કરી શક્યો.આવી સુકર્મા પત્ની ભગવાન શ્રીહરિની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
*હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ ૨૦૨૪માં ૨૭મી ઓક્ટોબરે રમા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પંચાંગ ભેદના કારણે ૨૮મી ઓક્ટોબરે પણ રમા એકાદશી ઉજવાશે.* આ વ્રત કરતી વખતે લક્ષ્મી નારાયણની મૂર્તિ રાખી પૂજા કરીને રાત્રિ જાગરણ કરવામાં આવે છે.બીજા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી ભોજન કરી વ્રતનું પારણું કરાય છે.આ દિવસે સાત્વિક ભોજન કરવાનું હોય છે.આ અગિયારસના દિવસે ફળ આહાર કરી શકાય છે તથા ચોખા વિનાનો આહાર લેવામાં આવે છે.જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો એ માટે રમા એકાદશીનો દિવસ ઉત્તમ છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300