ગિરનારની તપોભૂમિમાં ચારેકોર ગૂંજી રહી છે “કૈલાશ કે નિવાસી…….” સ્તુતિ

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫
ગિરનારની તપોભૂમિમાં ચારેકોર ગૂંજી રહી છે “કૈલાશ કે નિવાસી…….” સ્તુતિ
પદ્મ શ્રી કવિ દાદ બાપુએ ૯૦ના દાયકામાં ગિરનારની ગોદમાં શિવરાત્રીએ “કૈલાશ કે નિવાસી…….” સ્તુતિની અમર રચના કરી હતી
સ્વ. દાદુદાન પ્રતાપદાન ગઢવી એટલે કે, કવિ દાદ બાપુએ લોકસાહિત્યની અનેક રચનાઓ લોક-સમાજને અર્પણ કરી છે
સૌરાષ્ટ્રની લોકકવિતાનો ઘૂઘવતો સાગર હતા કવિ શ્રી સ્વ.દાદ બાપુ
લોકકવિતા સર્જનમાં તેમનું બેજોડ યોગદાન રહ્યું
પદ્મશ્રી દાદ બાપુના પુત્ર જીતુભાઈ દાદએ પિતાના સમર્થ લોક સાહિત્ય,કવિતા સર્જનના સંસ્મરણો વાગોળ્યા
જૂનાગઢ : ભવનાથ તીર્થક્ષેત્રમાં, મહાશિવરાત્રી મેળામાં સંત મહંતો, દિગંબર સંન્યાસીઓ અને ભાવિક ભક્તો શિવમય બન્યા છે. ભક્તજનો ભવ તારનાર ભવેશ્વરની ભક્તિ તન મન અને ધનથી કરી રહ્યા છે. ભવનાથ તીર્થમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. ગિરનારની તપોભૂમિમાં ચારેકોર “કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું…….” સ્તુતિ ગૂંજી રહી છે.
પદ્મ શ્રી કવિ રતન સ્વ. દાદ બાપુ એટલે શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી. તેમણે ગુજરાતના લોકસમાજને સમર્થ સાહિત્ય સર્જન ભેટમાં આપ્યું છે. તેમણે અનેક અમર કવિતાઓ, ગીત, સ્તુતી ભજનની રચનાઓ કરી હતી. જે આજે પણ ડાયરાઓમાં જીવંત રહી છે.
સ્વ. કવિ દાદબાપુના પુત્ર લોકગાયક, યુવા કલાકાર શ્રી જીતુભાઇ દાદે પોતાના પિતાશ્રીએ કરેલ લોકસાહિત્ય સર્જન, કવિતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
તેમણે જણાવ્યુ કે, મારા પિતાજી અહીં ગિરનારમાં ૯૦ના દાયકામાં શિવરાત્રી મેળામાં આવ્યા હતા. મેળાનું વાતાવરણ ભક્તિમય હતું. તેમને એકાએક પ્રેરણા મળી અને ગિરનારની ગોદમાં શિવરાત્રીએ જ “કૈલાશ કે નિવાસી…….” અમર સ્તુતિની રચના કરીને તેમણે ભગવાન ભવનાથના શ્રી ચરણમાં અર્પણ કરી હતી. જાણીતા સમર્થ ભજનીક શ્રી નારાયણ સ્વામીએ એ સમયે કંઠ આપીને આ રચનાને અમર કરી હતી.આજે પણ આ સ્તુતિનું લોકકંઠે અને ડાયરાઓમાં લોકો ભાવથી ભજન કરે છે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, દર વર્ષે ભગવાન ભવનાથના સાનિધ્યમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવે છે. વિવિધ પ્રકારની વિશેષ તકેદારીઓ અને સુરક્ષા બંદોબસ્ત સાથે આ મેળો યોજાઇ છે. સ્વચ્છતાલક્ષી, પ્લાસ્ટિક પ્રતિબંધ અને પર્યાવરણલક્ષી બાબતોની કાળજી રાખવામાં આવે છે. ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ વહીવટી તંત્ર સતત કાર્યરત છે.
કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત અને સર્જન “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો….” અને “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું….” સહિતની સુપ્રસિદ્ધ રચનાઓ સ્વ.કવિ દાદબાપુએ સમાજને અર્પણ કરી છે. જે આજે પણ વિસરાઇ નથી. કવિ દાદબાપુનો ચાહકવર્ગ ખૂબ મોટો છે. તેમણે ગુજરાતી ફિલ્મો માટે પણ ગીતો લખ્યા હતાં. એક સમય તો એવો હતો કે, સૌરાષ્ટ્રમાં પૂ. નારાયણ સ્વામીનો ડાયરો હોય અને “કૈલાશ કે નિવાસી…….” સ્તુતિનું સંગીત સાથે ગાયન ન થાય તેવું બને નહીં. તેમણે ભજનોની પણ રચના કરી હતી. આજે તો કોલેજમાં અભ્યાસ કરતાં નવયુવાઓ તેમના લોક સાહિત્ય સર્જનને લઈને પી.એચ.ડી પણ કરી રહ્યા છે. કવિ દાદ બાપુ પ્રત્યે જૂનાગઢને પણ ગૌરવ છે.
લોક સાહિત્ય સર્જન માટે સ્વ.કવિ દાદબાપુને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મ શ્રી સન્માન અર્પણ કરીને ભારત સરકારે તેમનું બહુમાન કર્યું હતુ. કવિ દાદબાપુ સમૃદ્ધ લોક સાહિત્ય, કવિતા સહિતની રચનાઓ થકી અમર બની ગયા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300