“જે કહેવું તે કરવું”નું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

“જે કહેવું તે કરવું”નું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના આ વર્ષના બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપી
વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે પંચ બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણો સરકારમાં રજૂ કરશે
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી સહિત પાંચ વરિષ્ઠ સચિવોની પંચના સભ્ય તરીકે નિયુક્તિ
વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ સભ્ય સચિવ રહેશે
સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ સ્પીપા ખાતે પંચની મુખ્ય કચેરી કાર્યરત થશે
વહીવટી સુધારણા પંચ આ બાબતો ઉપર વિચારણા કરીને ભલામણો કરશે
* એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર
* રેશનલાઈઝેશન ઓફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ
* ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન
* ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ
* ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ
* મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન સ્ટ્રક્ચર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી “જે કહેવું તે કરવું”ની કાર્ય સંસ્કૃતિનું વધુ એક દ્રષ્ટાંત ચરિતાર્થ કર્યું છે.
આ વર્ષે ૨૦૨૫-૨૬ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં વહીવટી સુધારણા પંચની રચના કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ જાહેરાતનો બજેટ રજૂ થયાના ગણતરીના દિવસોમાં જ અમલ કરવાનું ઉદાહરણ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરીથી ઉજાગર કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
આ સંજોગોમાં ગુજરાત સરકારના કેટલાક વિભાગોની કામગીરી ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે તે જોતા રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિઓમાં અને પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવા માટે વિચારણા કરવાના એડમીનીસ્ટ્રેટીવ રિફોર્મ્સના અભિગમથી આ પંચ કાર્યરત કરવામાં આવ્યુ છે.
ગુજરાતે આ લક્ષ્યને હાંસલ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીવિંગ વેલ અને અર્નિગ વેલના આધારે વિકસિત ગુજરાત @2047નો રોડ મેપ ઘડ્યો છે.
આ રોડમેપના આધારે વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવામાં ગુજરાત વહિવટી સુધારણા પંચ પાયાની ભૂમિકા નિભાવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે.
તેમાં અન્ય સભ્ય તરીકે મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી(કર્મચારીગણ પ્રભાગ) GAD, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી નાણાં વિભાગ તથા સભ્ય સચિવ તરીકે અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી (વહીવટી સુધારણા, તાલિમ પ્રભાગ અને એન.આર.આઈ.)ની નિયુક્તી કરવામાં આવી છે.
આ ગુજરાત વહીવટી સુધારણા પંચનું મુખ્ય કાર્યાલય સેન્ટર ફોર ગુડગવર્નન્સ સ્પીપા રહેશે. એટલું જ નહીં, આ વહીવટી સુધારણા પંચ બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી પોતાની ભલામણો સમયાંતરે રાજ્ય સરકારને રજૂ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગુજરાત વહીવટી સુધારણા પંચની વિધિવત રચનાને મંજૂરી આપવા માટે તેના ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નિયત કર્યા છે.
તદ્દ અનુસાર વિવિધ છ જેટલી બાબતોમાં આ પંચ કાર્ય કરવા સાથે રાજ્ય સરકારનું જરૂરી માર્ગદર્શન પણ કરશે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
* એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર:
• રાજ્ય સરકાર અને તેના વિભાગોના સંગઠનાત્મક માળખાની સમીક્ષા, ઓવરલેપિંગ કાર્યો, ક્ષમતાઓને ઓળખવી.
• શ્રેષ્ઠ કામગીરી માટે સરકારી વિભાગો અને એજન્સીઓના પુર્નગઠન માટેની ભલામણ,
• આંતર-વિભાગીય સંકલન અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટે પગલાં સૂચવવા.
• જિલ્લા અને તાલુકા વહીવટની ભૂમિકાની તપાસ કરવી અને તેમને વધુ પ્રતિભાવશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે સુધારા પ્રસ્તાવિત કરવાનો આવરી લેવાશે.
* રેશનલાઈઝેશન ઓફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ:
• બધા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં સંવર્ગોના સ્તર, કૌશલ્યની જરૂરિયાત અને કાર્યભાર વિતરણનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક માનવશક્તિ અંગે સમીક્ષા,
• કાર્યક્ષમતા અને કૌશલ્ય સ્તર વધારવા માટે સરકારી કર્મચારીઓની સમયાંતરે તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે એક કાર્યપ્રણાલી,
• જાહેર સેવાઓમાં જવાબદારી અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે કામગીરી મૂલ્યાંકન, બઢતી અને પ્રોત્સાહનો માટે માર્ગદર્શિકા વિકસાવવી જેવી બાબતોનો સમાવેશ છે.
* ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન:
• બજેટ પ્રક્રિયાની સમીક્ષા કરવી અને તેને વધુ પરિણામલક્ષી અને પારદર્શક બનાવવા માટે સુધારાઓ સૂચવવા, ઉત્તમ રીતે સંસાધનની ફાળવણી સૂચવવી અને બગાડ ખર્ચ ઘટાડવા માટે પગલાંની ભલામણ,
• રાજ્યમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ની કાર્યક્ષમતા અને જવાબદારી સુધારવા માટે સુધારા સૂચવવો નવીન નાણાકીય પદ્ધતિઓ દ્વારા વધારાના સંસાધનો એકત્રિત કરવા માટે વ્યૂહરચના વિકસાવવી વગેરેને આવરી લેવાશે.
* ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ:
• પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવી અને તેમને મજબૂત બનાવવા માટે પગલાંની ભલામણ,
• શાસનને વધુ વિકેન્દ્રિત અને પ્રતિભાવશીલ બનાવવા માટે સ્થાનિક સંસ્થાઓને સત્તાઓ, કાર્યો અને નાણાંકીય સંસાધનોના પ્રદાન માટેના યોગ્ય સૂચનો કરવા,
• ક્ષમતા નિર્માણ અને પાયાના સ્તરે જવાબદારી સુધારવા માટે પદ્ધતિઓની ભલામણ કરશે.
ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ:
• વધુ સારા શાસન માટે ઉભરતી ટેક્નોલોજી એવા AI, બ્લોકચેઇન, Big Dataનો અને ડેટા-આધારિત નિર્ણય લેવા અને સેવા વિતરણમાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સુધારા પ્રસ્તાવિત કરવામાં આવશે.
* મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન સ્ટ્રક્ચર:
• ભલામણ કરાયેલ સુધારાઓના અમલીકરણનું મોનિટરિંગ અને ઈવેલ્યુએશન માટે પદ્ધતિઓ વિકસાવવી અને પ્રગતિની નિરંતર સમીક્ષા માટે કામગીરીના માપદંડો અને જવાબદારી સંબંધિત પદ્ધતિઓ પણ પંચ સૂચવશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ ગુજરાત વહીવટી સુધારણા પંચ જરૂરિયાત મુજબ અન્ય વિષય નિષ્ણાંતોની સેવાઓ લેવા સાથે ખાસ વિષયની કામગીરી માટે તેના વિષય નિષ્ણાંતોની પેટા સમિતિની પણ નિમણૂક કરી શકશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300