સાબરકાંઠા : આમોદરા ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

સાબરકાંઠા : આમોદરા ખાતે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો
Spread the love

સાબરકાંઠાના આમોદરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

સાંસદ સમૂહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલાં પાડનારા 122 નવ દંપતીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા તેમજ દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા આયોજિત 122 વ્હાલી દિકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રભુતા માં પગલાં પાડનારા નવ યુગલોને આશીર્વાદ આપતા કહ્યું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની એક પ્રશંસનીય પહેલ છે.

એટલુંજ નહિ એકતા અને સંગઠન શકિત નું પ્રતિક પણ છે.
તેમણે ઉમેર્યું કે સમૂહ લગ્નો સમાજને એક બીજાની નિકટ લાવવાનું કાર્ય કરે છે.
આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપીને ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવોની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઇ રહી છે તેવો મત દર્શાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સરકારની નેમ સર્વ સમાવેશી વિકાસની છે. સામાન્ય વર્ગના પરિવારોના લગ્ન જેવા મંગલ અવસરને માનભેર ઉજવવા માટે આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરે છે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર લગ્ન જેવા પ્રસંગે જરૂરત મંદ પરિવારોની પડખે ઊભી રહે છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ અનેક જરૂરત મંદ દીકરીઓએ મેળવ્યો છે.

આ કાર્યક્રમમા દિવ-દમણ- દાદરાનગર હવેલી અને લક્ષદ્વિપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સાંસદ સમૂહ લગ્નઉત્સવએ સમાજની એકતા, સંવેદનશીલતા તથા સહકારીતાનું ઉત્તમ ઉદાહરણ છે. જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. લગ્નજીવનની શરૂઆત કરનારના નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમના આયોજક સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો છે.
આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના છે. સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો, બેટી પઢાવો જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ સાંસદે કરી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, આમંત્રિત ધારાસભ્યો, સાબરડેરીના ચેરમેન સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નિલેશ પટેલ અરવલ્લી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!