બોધકથા : કર્મોનું ફળ દરેકે ભોગવવું જ પડે છે.

બોધકથા : કર્મોનું ફળ દરેકે ભોગવવું જ પડે છે.
કોઇને બોજારૂ૫ બનવું..અન્યની નિંદા કરવી એ જ સૌથી મોટું પા૫ છે.બીજાના મનમાંથી અમુક માણસ ઉતરી જાય એવો પ્રયત્ન કરવો એ “નિંદા” કહેવાય. આપણને દુઃખ આપનારા અને નિન્દા કરનારાઓને ૫ણ દુઃખ ન આપવું તથા નિંદા ન કરવી.સંતોના વચનોને જીવનમાં કર્મરૂ૫માં અપનાવનાર સુખી જીવન જીવે છે.તે તમામનું ભલું ઇચ્છે છે.ઇર્ષા-નિંદા-ચુગલીથી દૂર રહે છે,હ્રદયમાં બદલાની ભાવના રાખતા નથી,તેથી તે હંમેશાં પ્રસન્ન રહે છે.જો અમારી નિંદા થાય તો તેના અનુસાર અમારામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો પરંતુ ક્યારેય અમારી નિંદા કરનારની નિંદા ન કરવી પરંતુ તેમનો આભાર માનવો,તેનાથી અમારી ઉન્નત્તિ થશે તેમાં શંકા નથી.પારકી નિંદા કરનારો અને પાપી જીવતા હોવા છતાં ૫ણ શબ સમાન છે.
કર્મોનું ફળ આપણે દરેકે ભોગવવું જ પડે છે.હવે તે હસતાં હસતાં ભોગવવું કે રડતાં રડતાં ભોગવવું તે આપણા હાથમાં છે.અમે જાણે-અણજાણ્યે અમારી આસપાસના વ્યક્તિઓની નિંદા કરીએ છીએ પણ અમોને તેમની વાસ્તવિક પરિસ્થિતિની ખબર હોતી જ નથી.નિંદા-રસનો સ્વાદ અમોને ઘણો જ રૂચિકર લાગે છે તેથી દરેક વ્યક્તિ આ સ્વાદ લેવા માટે આતુર હોય છે.વાસ્તવમાં નિંદા એક એવો માનવીય ગુણ છે જે દરેક વ્યક્તિમાં ઓછા-વત્તા અંશે હોય છે જ.જો અમોને જ્ઞાન થઇ જાય કે નિંદાનું પરીણામ કેટલું ભયાનક હોય છે તો અમે તેનાથી બચી જઇએ છીએ.
સંતો આપણને એક વાર્તાના માધ્યમથી સમજાવે છે કે રાજા પૃથુ એક દિવસ સવાર સવારમાં ઘોડાના તબેલામાં જાય છે તે જ સમયે એક સાધુ ભિક્ષા માંગવા માટે આવે છે.સવાર-સવારમાં સાધુને ભિક્ષા માંગવા આવેલા જોઇને રાજા પૃથુને ક્રોધ આવે છે.ક્રોધના આવેશમાં તે સાધુની નિંદા કરે છે અને કોઇપણ જાતનો વિચાર કર્યા વિના તે ઘોડાની લાદ ઉઠાવીને સાધુના પાત્રમાં નાખી દે છે.
સાધુ શાંત સ્વભાવના હતા એટલે ભિક્ષામાં જે કંઇ મળે છે તે લઇને ચાલ્યા જાય છે અને મળેલ ઘોડાની લાદ તેમની ઝુંપડીની બહાર એક ખૂણામાં મુકી દે છે.કેટલાક સમય બાદ રાજા પૃથુ શિકાર કરવા જંગલમાં જાય છે.રાજાએ જોયું તો સાધુની ઝુંપડીની બહાર ઘોડાની લાદનો બહુ મોટો ઢગલો જુવે છે.રાજા વિચાર કરે છે કે અહીયાં કોઇ ઘોડો નથી કે કોઇ તબેલો નથી તો આટલી બધી ઘોડાની લાદ ક્યાંથી આવી?
રાજા પૃથુને નવાઇ લાગે છે અને સાધુને કહે છે કે મહારાજ ! આપ મને એ બતાવો કે અહીં કોઇ ઘોડો નથી કે કોઇ તબેલો નથી તો આટલી બધી ઘોડાની લાદ ક્યાંથી આવી? ત્યારે સાધુ કહે છે કે રાજન ! આ લાદ મને એક રાજાએ ભિક્ષામાં આપી હતી.હવે સમય આવ્યે આ ઘોડાની લાદ તે રાજાએ ખાવી પડશે. આ સાંભળીને રાજાને સમગ્ર ઘટના યાદ આવે છે.રાજા સાધુના પગમાં પડીને ક્ષમા માંગે છે અને સાધુને પુછે છે કે મેં તો તમોને થોડીક જ ઘોડાની લાદ આપી હતી તો આટલી બધી કેવી રીતે થઇ ગઇ..? ત્યારે સાધુ કહે છે કે “અમે બીજા કોઇને જે કંઇ આપીએ છીએ તે દિન-પ્રતિદિન વધતી જાય છે અને સમય આવ્યે તે પાછી અમારી પાસે આવે છે.”
આવું સાંભળીને રાજા પૃથુની આંખમાં આંસુ આવી જાય છે અને સાધુને વિનંતી કરે છે કે મહારાજ ! મને માફ કરી દો,હવેથી હું ક્યારેય આવી ભૂલ નહી કરૂં..કૃપા કરીને મને એવો ઉપાય બતાવો કે હું મારાથી થયેલ દુષ્ટ કર્મોનું પ્રાયશ્ચિત કરી શકું.
રાજા પૃથુની આવી દુઃખમયી હાલત જોઇને સાધુ કહે છે કે રાજન ! એક ઉપાય છે.આપશ્રીએ કોઇ એવું કામ કરવું પડશે જે બહારથી જોવામાં આવે તો ખરાબ હોય પણ વાસ્તવમાં તે ખરાબ ના હોય.જ્યારે લોકો તમારા આ કર્મને ખરાબ નજરથી જોશે તો તમારી નિંદા કરશે અને તમારી જેટલી વધુ નિંદા થશે એટલું તમારૂં પાપ ઓછું થશે અને આપનું પાપ નિંદા કરનારના ખાતામાં જમા થશે.આવું સાંભળીને રાજા પૃથુ પોતાના મહેલમાં જઇને ઘણો વિચાર કર્યા બાદ બીજા દિવસે સવારે શરાબની દુકાનેથી શરાબની બોટલ લઇને નગરના ચાર રસ્તા ઉપર જાહેરમાં બેસીને દારૂડીયાનો અભિનય કરે છે.
સવાર સવારમાં રાજાને આવી હાલતમાં બેઠેલા જોઇને તમામ લોકો અંદરોઅંદર રાજાની નિંદા કરવા લાગ્યા કે આ રાજા જાહેરમાં કેટલું નિંદનીય કર્મ કરી રહ્યા છે જે એક રાજાને માટે શોભાસ્પદ નથી. નિંદાની પરવાહ કર્યા વિના રાજા આખો દિવસ દારૂડીયા જેવો અભિનય કરે છે.સાંજે રાજા પૃથુ સાધુ પાસે જઇને જુવે છે તો ઘોડાની લાદના ઢગલાની જગ્યાએ ફક્ત એક મુઠ્ઠી લાદ જોઇને નવાઇ સાથે સાધુને પુછે છે કે મહારાજ ! આ કેવી રીતે બન્યું? આટલો મોટો લાદનો ઢગલો ક્યાં ગાયબ થઇ ગયો? ત્યારે સાધુ કહે છે કે રાજન ! આ આપની અનુચિત નિંદાના કારણે બન્યું છે.જે લોકોએ આપની અનુચિત નિંદા કરી તે તમામની વચ્ચે તમારૂં કરેલ પાપ વહેંચાઇ ગયું છે.
જ્યારે અમે કોઇની કારણ વિના નિંદા કરીએ છીએ તો અમોને તેમના પાપનો બોઝ પણ ઉઠાવવો પડે છે તથા અમારા દ્વારા કરવામાં આવેલ નિંદિત કર્મોનું ફળ પણ ભોગવવું પડે છે.હવે આ કર્મો હસતાં હસતાં ભોગવીએ કે રડતાં ભોગવીએ..અમે બીજાને જેવું આપીશું તેવું જ પાછું વળીને અમારી પાસે આવવાનું છે.હવે નિર્ણય આપણા હાથમાં છે.
ભક્તિની શરૂઆત ભગવાનને જાણ્યા ૫છી જ થાય છે.જે સત્યનો મારગ અપનાવે છે,જગત તેની સાથે વેર કરે છે.હરિના સંતો કષ્ટ ઉઠાવીને હંમેશાં અવેર રહે છે.સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થના કારણે સંતની સાથે વાદ-વિવાદ કરે છે..માર્ગ ભૂલેલા અજ્ઞાનીઓ સંતની નિંદા કરે છે,પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે તેનો કોઇ વાળ વાંકો કરી શકતો નથી.દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્ય દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ૫છી ૫ણ વેર..નફરત..નિંદા..ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે. ૫રમાત્મા અંગસંગ છે, આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્કામભાવથી ભક્તિ કરો,સ્વાર્થ રહિત સુમિરણ કરો, યશ-અપયશ, માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
જે માણસ નિંદા-સ્તુતિથી ૫ર થયો હોય તેની જવાબદારી ભગવાન ઉપાડે છે.ભગવાનના ભક્તનો પોતાના નામ અને શરીરમાં સહેજ૫ણ અભિમાન કે મમત્વ હોતું નથી તેથી તેને સ્તુતિથી હર્ષ કે નિંદાથી કોઇ૫ણ પ્રકારનો શોક થતો નથી,તેનો બંન્નેમાં સમભાવ રહે છે.ભક્ત દ્વારા અશુભ કર્મો તો થઇ શકતાં જ નથી અને શુભ કર્મો થવામાં તે ફક્ત ભગવાનને કારણ માને છે.છતાં ૫ણ તેની કોઇ નિંદા કે સ્તુતિ કરે તો તેના ચિત્તમાં વિકાર પેદા થતા નથી.
આલેખન:વિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300