આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ

આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી કડક ચેતવણી “સુધરી જાવ કે જેલમાં જાવ”
રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કર્યા, આ હજુ એક શરૂઆત: આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરાશે
વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત દર મહિને એક વાર પોલીસ કમિશનરશ્રી / પોલીસ અધિક્ષકશ્રી અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિશ્રીઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ રહી છે, તેમાં સુરત ખાતે આર.ટી.આઇ કાયદાનો દુરૂપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. ત્યાર બાદ આર.ટી.આઇ કાયદાનો દુરૂપયોગ કરનાર ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ કે, લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આર.ટી.આઈનો પવિત્ર કાયદો અમલમાં છે, ત્યારે આ કાયદાનો દુરૂપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે, જે એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો દુરૂપયોગ બિલકૂલ ચલાવી લેવાશે નહિ. “સુધરી જાવ કે જેલમાં જાવ”ની કડક ચેતવણી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી છે.
મંત્રીશ્રીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે ઉમેર્યુ કે, સુરત શહેરમાં અમુક લેભાગુ તત્વો દ્વારા RTI એક્ટીવિસ્ટ તથા યુ-ટ્યુબર તરીકે RTI એક્ટ હેઠળ ખોટી-ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીપુર્વક પૈસા પડાવતા હોવા અંગેની રજુઆત પોલીસ કમિશ્નરશ્રીને સંકલન બેઠકમાં મળી હતી. જે અંતર્ગત એસ.ઓ.જી.ને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી આવી રીતે હેરાન પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરીયાદ આપવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આર.ટી.આઇ.ની આડ નાણાં પડાવવા અંગેના કુલ-૨૪ ગુનાઓ તેમજ ન્યુઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ દબાણ આપી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ–૧૭ ગુનાઓ એમ ૫૦ આરોપીઓ સામે કુલ-૪૧ ગુનાઓ દાખલ થયા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300