ગુજરાતનું સહકારી મોડલ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ: સહકાર રાજ્ય મંત્રી શ્રી

ગુજરાતનું સહકારી મોડલ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
“કો-ઓપરેશન એમોન્ગ ધી કો-ઓપરેટીવ મૂવમેન્ટ”ના પરિણામે રાજ્યની સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂ. ૬,૫૦૦ કરોડનો વધારો
:: સહકાર રાજ્ય મંત્રીશ્રી ::
• યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ વર્ષ ૨૦૨૫ને “આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ” જાહેર કર્યું
• ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાત રાજ્યનો દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
• સહકારી મંડળીના સભ્યોને હવે ૨૦ ટકા ડિવિડન્ડ મળતા કરોડો સભાસદોને મળ્યો સીધો લાભ
• ગુજરાતની બજાર સમિતિઓનું ટર્નઓવર રૂ. ૮,૦૦૦ કરોડથી વધીને રૂ. ૫૦,૭૬૧ કરોડ થયું
• દૂધ ઉત્પાદન ક્ષેત્રે સહકારિતાને વેગ મળતા ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને દૂધસંઘોનું ગ્રુપ ટર્નઓવર રૂ. ૮૦,૦૦૦ કરોડને પાર
સહકાર વિભાગની રૂ. ૧,૫૪૨.૦૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમારી સરકારે સહકારિતા આંદોલનને જનઆંદોલન બનાવ્યું છે. સહકારી ક્ષેત્રના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારે આદરેલી હકારાત્મક નીતિઓના પરિણામે આજે ગુજરાતનું સહકારી મોડલ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે.
સહકાર મંત્રી શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ ૨૦૨૫ને “આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે. આ વર્ષે ગુજરાતમાં સહકારિતા જનઆંદોલનને વધુ વેગવાન બનાવવામાં આવશે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, ગુજરાતના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના આહ્વાનથી રાજ્યમાં “કો-ઓપરેશન એમોન્ગ ધી કો-ઓપરેટીવ મૂવમેન્ટ” શરુ થઈ છે. જેની ફલશ્રુતિ રૂપે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા સભાસદોના ૨૩ લાખથી વધુ નવા ખાતા રાજ્યની ૧૮ જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ખોલાવવામાં આવ્યા છે. પરિણામે સહકારી બેંકોની ડિપોઝીટમાં પણ રૂ. ૬,૫૦૦ કરોડ જેટલો વધારો થયો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બિલેશ્વર સુગર અને તલાલા સુગર છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હતી. આ બંન્ને મીલ અને વલસાડ સુગર – ઈન્ડીયન પોટાશ લીમીટેડ (IPL)ને ૩૦ વર્ષ માટે ભાડેપટ્ટે આપવામાં આવશે, જે રૂ. ૬૦૦ કરોડનું રોકાણ કરશે. આ મીલો ફરી કાર્યરત થતા ત્યાંની ખાંડ સહકારી મંડળીઓ પુન: કાર્યરત થશે અને તેનાથી શેરડી પકવતા ૧૦,૦૦૦ ખેડૂતોને ફાયદો થશે.
મંત્રીશ્રીએ ગુજરાતના સહકારી ક્ષેત્ર અંગે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કાર્યરત ૮૯,૦૦૦થી વધુ કો-ઓપરેટીવ સોસાયટીઝમાં લગભગ ૧.૭૧ કરોડથી વધુ સભ્યો જોડાયા છે. એટલે કે, ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાત રાજ્યનો દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે.
સહકારી ક્ષેત્રના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયોના પરિણામે સહકારી મંડળીઓના સભ્યોને હવે ૨૦ ટકા સુધી ડિવિડન્ડ મળતા કરોડો સભાસદોને તેનો સીધો લાભ મળી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ૩૦,૦૦૦થી વધુ હાઉસીંગ સોસાયટીઓ કાર્યરત છે. રાજ્યની આ હાઉસિંગ સોસાયટીઓમાં લેવામાં આવતી ટ્રાન્સફર ફી માટે અમારી સરકારે નવો નિયમ બનાવ્યો છે. જે મુજબ હવે કોઈપણ સોસાયટીમાં મકાન ખરીદ-વેચાણ સમયે અવેજ રકમના ૦.૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧ લાખની રકમ કરતાં વધુ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહી.
આ ઉપરાંત સહકારી સંસ્થાઓના વહીવટમાં પારદર્શકતા લાવવા માટે રાજ્ય સરકારે સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી રૂ. ૫ લાખથી વધુની ખરીદી ફક્ત ઈ-ટેન્ડરીંગ મારફત જ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં વિકસી રહેલા સહકાર ક્ષેત્ર અંગે માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની બજાર સમિતિઓનું ટર્નઓવર રૂ. ૮,૦૦૦ કરોડથી વધીને રૂ. ૫૦,૭૬૧ કરોડ થયું છે. બજાર સમિતિના ગોડાઉનોની સંગ્રહ ક્ષમતા પણ ૪.૩૩ લાખ મેટ્રીક ટનથી વધીને ૧૩.૪૬ લાખ મેટ્રીક ટન થઇ છે. તેવી જ રીતે, બજાર સમિતિની આવક પણ રૂ. ૭૨.૮૦ કરોડથી વધીને રૂ.૪૭૦ કરોડ જેટલી થઈ છે.
આ ઉપરાંત ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા ૧૦,૬૩૬ થી વધીને ૧૬,૪૦૬ અને દૂધ સંઘોની સંખ્યા ૧૨ થી વધીને ૨૩ થઈ છે. પરિણામે રાજ્યનું દૈનિક દૂધ કલેક્શન પણ ૬૨ લાખ લીટરથી વધીને ૩૧૫ લાખ લીટર થયું છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે સહકારિતાને વેગ મળતા આજે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્ન ઓવર રૂ. ૫૯,૨૫૯ કરોડ તેમજ દૂધસંઘો સાથેનું ગ્રુપ ટર્નઓવર રૂ. ૮૦,૦૦૦ કરોડને પાર પહોંચ્યું છે.
સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫માં ખેડૂતોને પાક ધિરાણ વ્યાજ સહાય યોજના અંતર્ગત રૂ.૧૨૫ કરોડ ખર્ચ કરવામાં આવતો હતો. તેની સામે ખેડૂતોને ધિરાણ પણ વ્યાજ સહાય ચૂકવવા માટે ૧૦૦૦ ટકાના વધારા સાથે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧,૩૮૨ કરોડ જેટલો ખર્ચ કર્યો છે.
મલ્ટી પર્પઝ પેક્સના વિચાર અંગે મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે, ખેડૂતોની સહકારી મંડળી એટલે, પેક્સને અદ્યતન તથા સુદ્રઢ બનાવવા ભારત સરકારે ૫૪ જેટલી નવી પહેલ કરી છે. જેનાથી હવે ગુજરાતના પેક્સ કોમ્પ્યુટરાઈઝ થશે, જન ઔષધિ કેન્દ્ર, ખાતર વિતરણ તથા પેટ્રોલ પંપ શરૂ કરી શકશે. ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવી, ગોડાઉનો બનાવવા, એલ.પી.જી. વિતરણ, પાણી સમિતિ તરીકે કામગીરી અને ટેકાના ભાવે ખરીદીના કેન્દ્ર તરીકેની કામગીરી પણ પેક્સ કરી શકશે.
સહકાર મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતની સહકારી મંડળીઓના સભ્યોને તાલિબદ્ધ કરવા, આદિજાતિ વિસ્તારની સહકારી દૂધ મંડળીઓ પર સોલાર પેનલ લગાવવા, શ્રેષ્ઠ કામગીરી કરતા પેક્સને પ્રોત્સાહિત કરવા, ખેડૂતોને ધિરાણ પર વ્યાજ રાહત આપવા માટે આ વર્ષના બજેટમાં રૂ. ૫૦ કરોડથી વધુની જોગવાઈ કરી છે.
વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની રૂ. ૧,૫૪૨.૦૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300