હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક
ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને 180 એકરમાં વિસ્તરેલા ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
બેઠકમાં શિક્ષણ અને સંશોધનને વધુ વેગ મળે એ માટે મહત્વના નિર્ણયો લેવાયા :
* સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100 તેજસ્વી વિદ્યાર્થીઓને ‘કુલાધિપતિ શિષ્યવૃત્તિ’ અપાશે
* પીએચ.ડી.ના પ્રતિવર્ષ પાંચ વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 25,000 ફેલોશિપ અપાશે
* તા. છઠ્ઠી ડિસેમ્બરે સ્નાતક સંઘનું શતાબ્દી મહાસંમેલન : 10,000 પૂર્વ સ્નાતકોને આમંત્રણ અપાશે
* વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક તેમના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓએ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગુરુકુલની વિવિધ વિદ્યાશાખાઓ અને પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુકુલ કુરુક્ષેત્ર અને 180 એકરમાં વિસ્તરેલા ગુરુકુળ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળના સૌ સભ્યો અત્યંત પ્રભાવિત થયા હતા.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2024-25 ની ચતુર્થ બેઠક કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી અને ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનિટી ઇનિસેટિવ્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ અને ટ્રસ્ટી પદ્મભૂષણ રાજશ્રી બિરલા, ટ્રસ્ટી શ્રીકૃષ્ણ કુલકર્ણી, શ્રી આયેશાબેન પટેલ, શ્રી દિલીપ ઠાકર, શ્રી સુરેશભાઈ રામાનુજ, શ્રી ચંદ્રવદનભાઈ શાહ અને શ્રી વિશાલ ભાદાણીએ ભાગ લીધો હતો.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળની ગુરુકુલ કુરુક્ષેત્રમાં મળેલી આ બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એ દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100 તેજસ્વી વિદ્યાર્થીઓને ‘કુલાધિપતિ શિષ્યવૃત્તિ’ આપવામાં આવશે. આ માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. વિદ્યાપીઠના પીએચ.ડી. ના વિદ્યાર્થીઓને ‘ગાંધી વિચાર વિસ્તારક’ યોજના અંતર્ગત ફેલોશિપ અપાશે. પ્રતિવર્ષ પાંચ વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 25,000 ફેલોશિપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકોના સંશોધન કાર્ય માટે પ્રતિવર્ષ રૂપિયા દસ લાખ લેખે રૂપિયા 50 લાખની વિશેષ ફાળવણી કરવામાં આવી છે.
આગામી તારીખ છઠ્ઠી ડિસેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘનું શતાબ્દી મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલનમાં વિદ્યાપીઠના 10,000 જેટલા પૂર્વ સ્નાતકોને આમંત્રણ પાઠવવાનું આયોજન છે. આ મહાસંમેલન માટે રૂપિયા 50 લાખની વિશેષ ફાળવણીને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠ મંડળની આ બેઠકમાં વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણની 2025ના શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ માર્ગદર્શિકાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં કોશ કાર્યાલય શરૂ કરીને કોશના સંપાદક તરીકે શ્રી અરવિંદભાઈ ભંડારીની નિયુક્તિ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મંડળના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ પરસદરાય દીનમણિશંકર શાસ્ત્રીને આ બેઠકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓ ગુરુકુલ, કુરુક્ષેત્ર પધાર્યા ત્યારે કુલાધિપતિ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ દ્વારા તેમનું ઉષ્સ્વામાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ તમામ મહેમાનોને ગુરુકુલની અતિઆધુનિક ગૌશાળા અને અન્ય પ્રકલ્પોની મુલાકાત કરાવી હતી. ગૌશાળા વિષે માહિતી આપતાં આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, અહીં દેશી ગાયોની ઉન્નત બ્રીડ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુરુકુલ ગૌશાળાની દેશી ગાય દરરોજ 24 લીટર દુધ આપે છે. ગૌશાળાના ગૌમૂત્ર અને ગોબરનો પૂરેપૂરો ઉપયોગ પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં થાય છે. દરેક ગાયનો સંપૂર્ણ રેકોર્ડ કમ્પ્યુટરાઇઝ્ડ છે અને દૂધ કાઢવા માટે સ્પેશિયલ મિલ્ક-પાર્લર બનાવાયું છે. આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, ગુરુકુલની ગૌશાળા દરરોજ આશરે 19 ક્વિંટલ દૂધનું ઉત્પાદન કરે છે, જે ગુરુકુલના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગૌશાળામાં ઉત્તમ જાતિના ઘોડા-ઘોડીનું પણ નિરીક્ષણ કર્યું હતું. ગુરુકુલના વિદ્યાર્થીઓને ઘોડેસવારીની તાલીમ પણ આપવામાં આવે છે.
એન.ડી.એ. વિંગની મુલાકાત દરમિયાન શ્રી આચાર્ય દેવવ્રતજીએ ટ્રસ્ટીઓને જણાવ્યું કે. ગુરુકુલ કુરુક્ષેત્ર છેલ્લા 10 વર્ષોમાં ભારતીય સેનાઓ માટે 71 ઉચ્ચ અધિકારીઓ આપી ચૂક્યું છે. ગયા વર્ષે 17 વિદ્યાર્થીઓ એસ.એસ.બી. પાસ કરી લેફ્ટિનેન્ટ અને ફ્લાઈંગ ઓફિસરના પદ માટે પસંદ થયા છે. એન.ડી.એ. વિંગના ક્લાસરૂમ અને મોટિવેશન હૉલ જોઇને ભૂતપૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અત્આયંત પ્રભાવિત થયા હતા, કારણ કે ગુરુકુલમાં એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે એન.ડી.એ. જેવી મુશ્કેલ પરીક્ષા વિદ્યાર્થીઓ સરળતાથી પાસ કરી શકે. એન.ડી.એ.ની સાથે તેમણે દેવયાન શાળા ભવન અને આર્ષ મહાવિદ્યાલયની મુલાકાત પણ લીધી હતી.
ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી, જ્યાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઘઉં, ચણા, સરસવ, મેથી, ધાણાં અને કોબી સાથે મિશ્ર પાકના ઉદાહરણો બતાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ પદ્ધતિ દ્વારા ખેડૂત પોતાની આવક વધારી શકે છે. સાથે જ તેમણે જણાવ્યું કે ખજૂર, સફરજન, કમલમ્, સ્ટ્રોબેરી અને ચણા, જે સામાન્ય રીતે હરિયાણામાં ઉગતા નથી, તે હવે ગુરુકુલના ફાર્મ પર પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવી રહ્યા છે. ગુરુકુલના કૃષિ પ્રયોગ જોઈને બધા મહાનુભાવો અત્યંત પ્રભાવિત થયા હતા.
કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળના તમામ ટ્રસ્ટીઓનું સન્માન કર્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300