કનૈયાની પ્રેમકથા

કનૈયાની પ્રેમકથા
Spread the love

કનૈયાની પ્રેમકથા

એક ગામમાં એક નિર્ધન કપડાં વણનાર ઘણા જ પરીશ્રમી સુંદર અને લીલા નામના દંપતિ રહેતા હતા.આખો દિવસ પરીશ્રમ કરીને સુંદર સુંદર કપડાં બનાવતાં તેમછતાં તેમના દ્વારા બનાવવામાં આવતાં કપડાંની યોગ્ય કિંમત મળતી ન હતી.આ દંપત્તિ અત્યંત સંતોષી સ્વભાવના જે મળે તેનાથી સંતુષ્ટ થઇને એક તૂટી ફુટી ઝુંપડીમાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરતાં હતાં.

આ બંને પતિ-પત્ની ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા.સમગ્ર દિવસ દરમ્યાન સખત પરીશ્રમ પછી જે સમય મળતો ત્યારે બંન્ને ભગવાનનું ભજન કિર્તનમાં પસાર કરતાં હતાં.સુંદર રામતાલ અને લીલા કરતાલ વગાડતાં વગાડતાં એવાં તલ્લીન બની જતાં હતાં કે ભૂખ તરસનું ભાન રહેતું ન હતું.સંતોષી સ્વભાવના કારણે દીન-હીન અવસ્થામાં પણ ક્યારેય ભગવાનને કોઇ ફરીયાદ કર્યા વિના પ્રસન્ન રહેતાં હતાં.

ફક્ત એક દુઃખ હતું કે તેમને કોઇ સંતાન ન હતું તેથી ચિતિંત રહેતા અને આને પણ ભગવાનની લીલા સમજી ભગવાનમાં મગ્ન રહી નિષ્કામરૂપથી શ્રીકૃષ્ણ પ્રેમમાં ડૂબેલાં રહેતાં હતાં.જ્યારે તેમની ઉંમર વયોવૃદ્ધ થઇ ત્યારે એક દિવસ લીલાએ સુંદરને કહ્યું કે અમારે કોઇ સંતાન નથી અને કહે છે કે સંતાન ના હોય તો મુક્તિ પ્રાપ્ત થતી નથી.હવે અમારી ઉંમર મોટી થઇ ગઇ છે,કોન જાણે ક્યારે યમનું તેડું આવે ત્યારે અમારી ચિત્તાને અગ્નિ કોન આપશે? અમારા માટે તર્પણ વગેરે કર્મ કોન કરશે અમારી મુક્તિ કેવી રીતે થશે?

સુંદર કહે છે કે તૂં ચિંતા કેમ કરે છે? ઠાકોરજી તમામ કાર્ય સંપન્ન કરશે.સુંદર આવું બોલીને પોતે પણ ચિંતામાં ડૂબી ગયો.તે સમયે તેના મનમાં એક વિચાર આવ્યો અને તે નગરમાં જઇને શ્રીકૃષ્ણના બાલગોપાલ સ્વરૂપની એક પ્રતિમા લઇ આવે છે અને પત્નીને કહે છે કે લીલા..હવે તારે ચિંતા કરવાની જરૂર નથી હું આ બાલગોપાલને લાવ્યો છું.

અમારે કોઇ સંતાન નથી તે ભગવાનની જ લીલા છે.અમે બાલગોપાલને જ પૂત્રની જેમ પ્રેમ કરીશું અને તે જ અમારા પૂત્રનું કર્તવ્ય પૂર્ણ કરશે,અમોને મુક્તિ અપાવશે.સુંદરની વાત સાંભળીને લીલા પ્રસન્ન થાય છે,લીલા બાલગોપાલને હ્રદયે લગાવી બોલી કે આજથી આ જ મારો લાલો છે.બંન્નેએ ઘરનો એક ખૂણો સાફ કરી સ્ટેજ બનાવી બાલગોપાલની સ્થાપના કરે છે.

દરરોજ તેઓ બાલગોપાલને પોતાના સંતાનની જેમ લાડ લડાવતાં,સ્નાન કરાવી ધોયેલાં વસ્ત્ર પહેરાવતાં અને સામે બેસીને ભજન કિર્તન કરતાં હતાં.લીલા દરરોજ લાલાને પોતાના હાથની ભોજન કરાવતી.પતિ-પત્નીનો નિશ્ચલ પ્રેમ જોઇએ કરૂણા નિધાન ભગવાન પ્રસન્ન થઇ અદ્રશ્ય રૂપમાં આવીને ભોજન આરોગતા.લીલા જ્યારે પ્રેમપૂર્વક ભોજન કરાવતી ત્યારે લીલાધારી ભગવાન શ્રીકૃષ્ણ ર્માં ની પ્રેમલીલાને વશ થઇ બાળકરૂપે આવી ભોજન ગ્રહણ કરતા હતા.

એક દિવસ કામ વધારે હોવાથી લીલા બાલગોપાલને ભોજન કરાવવાનું ભૂલી જાય છે.ગરમીનો સમય છે બંન્ને પતિ-પત્ની થાકેલા હોવાથી ભૂખ્યા જ સૂઇ જાય છે ત્યારે મધ્યરાત્રીએ તેઓને અવાજ સંભળાય છે ર્માં-બાબા મને ભૂખ લાગી છે..બંન્ને ગાઢ નિદ્રામાંથી જાગીને ચારે બાજુ જુએ છે કે અવાજ ક્યાંથી આવે છે? પરંતુ તેમને કશું દેખાતું નથી.તે સમયે લીલાને યાદ આવે છે કે આજે મારા લાલાને ભોજન નથી કરાવ્યું.લીલા દોડીને બાળગોપાલ પાસે જાય છે તો લાલાનું મુખ કરમાયેલું જોઇને બંન્ને ભગવાનના ચરણોમાં પડી ચોધાર આંસુઓથી રડે છે.

લીલા ભોજન લઇને આવે છે અને રડતાં રડતાં પ્રેમથી લાલાને ખોળામાં લઇ ભોજન કરાવે છે.આવો પ્રગાઢ પ્રેમ જોઇને ભગવાન દ્રવિત થાય છે અને અંતર્યામી ભગવાન શ્રીહરિ સાક્ષાતરૂપમાં પ્રગટ થાય છે અને પોતાના હાથોથી પોતાના માતાપિતાના આંસુ લુછીને કહે છે કે મારા પ્રિય ભક્ત..હું તમારી ભક્તિ અને પ્રેમથી અત્યંત પ્રસન્ન થયો છું,તમારી જે ઇચ્છા હોય તે વરદાન માંગો હું તમારી તમામ ઇચ્છા પુર્ણ કરીશ.

આટલું સાંભળતાં બંન્ને ભગવાનના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે કૃપાનિધાન..આપ અમારી ઉપર પ્રસન્ન થયા છો અને અમારી સન્મુખ પ્રગટ થયા છો તેથી અમારૂં જીવન ધન્ય બન્યું છે આનાથી વધુ શું જોઇએ? બસ આપની કૃપા અમારી ઉપર બનાવી રાખજો.

શ્રીહરિ કહે છે કે જો તમારી ઇચ્છા હોય તો તમારા જીવનમાં સંતાનનો અભાવ છે તે પ્રદાન કરૂં.આવું ભગવાનનું વચન સાંભળીને સુંદર અને લીલા વ્યાકુળ થઇને કહે છે કે પ્રભુ અમારે સંતાન નથી જોઇતું. ત્યારે ભગવાને પુછ્યું કે સંતાનની કમી દૂર કરવા માટે તો તમે મારા બાળસ્વરૂપને ઘરમાં લાવ્યા છો.ત્યારે બંન્નેએ કહ્યું કે પ્રભુ અમોને ડર લાગે છે કે અમોને સંતાન થશે તો અમારો મોહ તે સંતાન પ્રત્યે વધી જશે અને અમે આપની સેવા નહી કરી શકીએ.

ભક્ત દંપતિનો પ્રેમ અને ભક્તિ સભર જવાબ સાંભળીને કરૂણા નિધાન ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે હે મૈયા..હે બાબા..હું તમારૂં ઋણ ઉતારવા માટે આવ્યો હતો પરંતુ આપે તો મને હંમેશના માટે તમારો ઋણી બનાવી દીધો છે. હું તમારા પ્રેમનું ઋણ ક્યારેય નહી ઉતારી શકું.તમે તમારા નિર્મલ પ્રેમથી મને પણ બંધનમાં બાંધી લીધો છે.

હું તમોને વચન આપું છું કે આજથી હું તમારા પૂત્રના રૂપમાં તમારા તમામ કામો કરીશ,તમોને ક્યારેય સંતાનની ખોટ નહી પડવા દઉં.મારૂં વચન ક્યારેય અસત્ય હોતું નથી..આમ કહીને ભક્તવત્સલ ભગવાન બાલગોપાલની પ્રતિમામાં વિલીન થઇ ગયા.તે દિવસથી સુંદર અને લીલાનું જીવન બદલાઇ જાય છે.તેઓએ તમામ કામધંધો છોડીને સમગ્ર દિવસ બાલગોપાલના ભજન કિર્તન અને લાલાની સેવામાં પસાર કરે છે.તેમને ભૂખ તરસ લાગતી નથી.તમામ પ્રકારની ઇચ્છાઓનો ત્યાગ કર્યો છે.

સુંદર ક્યારેક કોઇ કામ કરે છે તો ફક્ત બાળગોપાલના સુંદર સુંદર વસ્ત્રો બનાવે છે અને જ્યારે તેમની સામે કોઇ તકલીફ આવે તો બાળગોપાલ તુરંત જ એક બાળકના રૂપમાં આવીને તેમના તમામ કાર્યો કરે છે.આ દંપતિ અને બાળક સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ ગામના કોઇને એ ખબર નથી પડતી કે આ બાળક કોન છે? ક્યાંથી આવે છે? અને ક્યાં ચાલ્યો જાય છે.

ધીરેધીરે સમય પસાર થાય છે.સુંદર અને લીલા વૃદ્ધ થાય છે તેમછતાં ભગવાનની કૃપા તેમની ઉપર બનેલી રહે છે.હવે બંન્નેનું આયુષ્ય પુરૂ થાય છે અને ભગવાનની પ્રેરણાથી તેમને ખબર પડે છે કે તેમનો મૃત્યુનો સમય નજીક છે.એક દિવસ બંને ભગવાનને પોકાર કરે છે તો ઠાકોરજી તુરંત પ્રગટ થાય છે અને તેમની અંતિમ ઇચ્છા પુછે છે ત્યારે બંન્ને ભક્ત દંપતિ ભગવાનના શ્રીચરણોમાં પ્રણામ કરીને કહે છે કે…

હે નાથ ! અમે અમારા સમગ્ર જીવન દરમ્યાન આપની પાસે કશું જ માંગ્યું નથી,હવે જીવનનો અંતિમ સમય આવ્યો છે એટલે અમે કંઇક માંગીએ છીએ ત્યારે ભગવાન કહે છે કે નિઃસંકોચ આપની જે કંઇ ઇચ્છા હશે તે પ્રત્યેક ઇચ્છા હું પુરી કરીશ.ત્યારે બાલગોપાલના અગાધ પ્રેમમાં ડુબેલા વૃદ્ધ દંપતિ કહે છે કે હે નાથ..અમે આપને અમારા પૂત્રના રૂપમાં જોયા છે અને આપની સેવા કરી છે અને આપે પણ પૂત્ર સમાન અમારી સેવા કરી છે હવે સમય આવી ગયો છે જેના માટે તમામ માતા-પિતા પૂત્રની કામના કરે છે. હે દિનબંધુ ! અમારી ઇચ્છા છે કે અમે બંન્ને પતિ-પત્નીના પ્રાણ એકસાથે નીકળે અને જેમ એક પૂત્ર પોતાના માતાપિતાની અંતિમ ક્રિયા કરે છે અને તેમની મુક્તિ પ્રદાન કરે છે તેમ હે પરમેશ્વર..અમારી અંતિમ ક્રિયા આપ આપના હાથથી કરજો અને અમોને મુક્તિ પ્રદાન કરજો.

શ્રીહરિએ બંન્નેની ઇચ્છા પૂર્ણ કરવા માટે વચન આપે છે અને બાલગોપાલના વિગ્રહમાં વિલીન થઇ જાય છે.અંતે એ દિવસ આવે છે જ્યારે પ્રત્યેક જીવને આ શરીર છોડવું પડે છે.બંન્ને વૃદ્ધ દંપતિ બિમાર પડે છે.આ દંપતિની ભક્તિની ચર્ચા આખા ગામમાં થતી હતી એટલે ગામના લોકો તેમના હાલચાલ જાણવા તેમના ઘેર આવે છે પરંતુ તે બંન્નેનું ધ્યાન તો શ્રીહરિમાં હતું તેથી કોન આવ્યું અને કોન ગયું તેની ખબર પડતી નથી.નિયત સમયે એક ચમત્કાર થાય છે તેમની ઝુંપડી એક તીવ્ર અલૌકિક પ્રકાશથી ભરાઇ જાય છે. ઉપસ્થિત તમામ લોકોની આંખો બંધ થઇ જાય છે,કોઇને કંઇ દેખાતું નથી.કેટલાક ઝુંપડીમાંથી બહાર નીકળી જાય છે તો કેટલાક જમીન ઉપર બેસી જાય છે.શ્રીહરિ દિવ્ય ચતુર્ભૂજરૂપમાં પ્રગટ થઇ દર્શન આપે છે અને પોતાના ખોળામાં તેમના માથા લઇ હાથ ફેરવી પોતાના હાથે જ બંન્નેના નેત્ર બંધ કરે છે.તત્કાળ જ બંન્નેના પ્રાણ નીકળીને શ્રીહરિમાં વિલીન થઇ જાય છે.પંચભૂતોથી બનેલું શરીર પંચભૂતોમાં વિલીન થાય છે.

કેટલાક સમય બાદ દિવ્ય પ્રકાશ લોપ થાય છે.તમામ ઉપસ્થિત ગામજનોની આંખ ખોલીને જોયું તો ત્યાં સુંદર-લીલા કે બાલગોપાલ જોવા મળતા નથી ફક્ત કેટલાક પુષ્પ ધરતી ઉપર પડેલા જોવા મળે છે અને વાતાવરણમાં દિવ્ય સુગંધ ફેલાઇ છે.નવાઇ પામેલ ગામલોકો એ ધરતીને નમન કરે છે અને પુષ્પોને લઇ સુંદર અને લીલાની ભક્તિ અને ગોવિંદના ગુણવાન કરતાં ત્યાંથી ચાલ્યા જઇ પુષ્પોને ગંગામાં વિસર્જીત કરે છે.ભક્ત એ છે જે એક ક્ષણના માટે પણ વિભક્ત થતો નથી.જેનું ચિત્ત ઇશ્વરમાં અખંડ બનેલું રહે છે તે ભક્ત છે.સરળ શબ્દોમાં કહીએ તો ભક્તિના અંતિમ ચરણનો અનુભવ કરનારને ભક્ત કહે છે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!