ઇફ્કોની 50 વર્ષની ગૌરવ યાત્રા

ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી: કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ
શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ ના પહેલુંઓ પણ જોડીને ખેડૂતો પ્રત્યેની સમર્પિતતા પર વધુ ભાર અપાશે: શ્રી અમિત શાહ
::કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી::
• ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી
• ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું
• ‘ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી’ આવતા ૫૦ વર્ષમાં સહકારિતા ક્ષેત્રે દેશની પ્રગતિની દિશા નક્કી કરશે
સહકારિતા ભારતીય સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્યથી ૫૭ સહકારી મંડળીઓથી શરૂ થયેલી ઇફ્કોની આ યાત્રામાં આજે ૩૬ હજારથી વધુ સહકારી મંડળીઓ જોડાઈ: મુખ્યમંત્રીશ્રી
ઇફકોના માતૃ એકમ સંકુલની સુવર્ણ જયંતી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે ઉજવણી સમારોહ યોજાયો
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઇફકોના નવા “બીજ સંશોધન કેન્દ્ર”નો શિલાન્યાસ
વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઇફકોના નવા “બીજ સંશોધન કેન્દ્ર”નો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઈફકો-કલોલની સ્વર્ણિમ જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ઈફકોની ૫૦ વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી છે.
આ ઉદ્દેશો ને જાળવી રાખીને હવે શતાબ્દી તરફની ઇફકોની સફળ કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ જેવા નવા ચાર પહેલુઓને જોડીને પ્રગતિ ગાથા આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા શ્રી અમિત શાહે વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડીને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક વિશેષ પહેલ કરી હતી. જેના પરિણામે આજે ખેતી સમૃદ્ધ અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.
વર્ષો પહેલા ઈફકોએ વિકસાવેલું ઘન યુરિયા અને ડીએપી એ ખેતી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ હતી, પરંતુ સમયને અનુરૂપ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકીને આજે ઈફકોએ નેનો યુરિયા અને નેનો ડીએપી વિકસાવ્યુ છે. જેણે સમગ્ર વિશ્વમાં ભારતના સહકારિતા ક્ષેત્રનો ડંકો વગાડ્યો છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું.
ઈફકોએ ખેડૂતોના ખેતરો સુધીની પહોંચ વધારીને લેબોરેટરીના પ્રયોગોને લેન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ઈફકોની ભાવના હરહંમેશથી જ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના કાર્ય થકી ખેડૂતોને મદદરૂપ થવાની રહી છે.
ઈફકો એક સહકારી ક્ષેત્ર હોવા છતાં, તેણે કોર્પોરેટ ક્ષેત્રની જેમ કુશળ પરિણામ મળે તે રીતે કાર્ય કર્યું છે. એટલા માટે જ, આજે પણ સહકારિતા ક્ષેત્રે ઈફકો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાજિક જીવનના દરેક ક્ષેત્ર માટે અનેકવિધ વિશેષ પહેલો કરીને રાષ્ટ્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારિતા ચળવળને વેગ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. સાથે જ, સહકારી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૬૫ જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
તે જ દિશામાં આગળ વધતાં ગુજરાતનાં સહકારી અગ્રણી શ્રી ત્રિભુવનદાસ પટેલે સહકારી ક્ષેત્ર માટે આપેલા અભૂતપૂર્વ યોગદાનને આવનારી પેઢી પણ યાદ રાખે તે ઉદ્દેશથી દેશની સૌ પ્રથમ સહકારી યુનિવર્સિટી તેમના જ નામે ‘ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી’ની સ્થાપનાનો નિર્ણય કર્યો છે.
આ યુનિવર્સિટી સહકારીતાના દરેક ક્ષેત્રનું શિક્ષણ અપાશે. સાથે જ, દેશની સહકારીતા પ્રગતિને AI જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અનેક વિશ્લેષણો અને તારણોના આધારે આવતા ૫૦ વર્ષમાં સહકારિતા ક્ષેત્રે પ્રગતિની દિશા નક્કી કરવાનું કામ પણ આ યુનિવર્સિટી કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશના ખેડૂતોની ઉપજને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે નેશનલ એક્સપોર્ટ કો-ઓપરેટિવ લિમિટેડ, પ્રાકૃતિક પેદાશોનું સર્ટિફીકેશન અને બ્રાન્ડિંગ કરીને તેમને સારા ભાવ પૂરા પાડવા માટે નેશનલ ઓર્ગેનિક કો-ઓપરેટિવ લિમિટેડ તેમજ ખેડૂતોને આધુનિક બીજ મળે અને જૂના હાઇબ્રીડ બીજોના સંવર્ધન અને સંરક્ષણ થઈ શકે તે માટે બીજ કો-ઓપરેટિવ લિમિટેડ મળીને રાષ્ટ્રીય સ્તરની ત્રણ કો-ઓપરેટિવની સ્થાપના કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આજે ઈફકો ત્રણ રાજ્યોમાં પાંચ સ્થળોએ કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૦,૦૦૦ કરોડ અને નફો રૂ. ૩,૨૦૦ કરોડનો છે. આ આંકડા ૫૦ વર્ષની સતત મહેનત અને પરિવર્તનના સાક્ષી છે. આગામી સમયમાં આ બીજ અનુસંધાન કેન્દ્ર ફળદ્રુપ બીજોનું સંવર્ધન કરશે અને ઉચ્ચ ગુણવત્તાના બીજોની રક્ષા કરશે. જે આવનારા સમયમાં ખેડૂતોની સમૃદ્ધિનું મોટું કારણ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સહકારી ક્ષેત્રે અગ્રેસર રહેવાના ગુજરાતીઓના ખમીરને બિરદાવતા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકારીતા એ ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી નાનામાં નાના માનવી, ખેડૂત, ગરીબ, વંચિત સૌના વિકાસને નવી દિશા સાથે સહકારિતાના વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે ઇફ્કોની શરૂઆત થઈ હતી અને ૧૯૭૫માં કલોલના પહેલા પ્લાંટ દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ હતી.
તેમણે કહ્યું કે, માત્ર 57 મંડળીઓ સાથે શરૂ થયેલી ઇફ્કોની આ યાત્રામાં આજે 36,000થી પણ વધુ સહકારી મંડળીઓ જોડાઇ છે અને ખેડૂતોને બીજ થી લઈ બજાર સુધી સરકારની અનેક યોજનાઓ સાથ આપે છે. ૧૯૬૭માં ૫૭ ખેડૂત સહકારી મંડળીઓ સાથે IFFCOની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે પોરબંદરના યુવરાજ ઉદયભાણ સિંહજી હતા તેનો ઉલ્લેખ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઇફ્કોમાં રિસર્ચને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંરક્ષણ યોજના અમલી બનાવાઇ છે.
ઇફ્કોના નેનો યુરિયા અને ડીએપી આજે વિશ્વભરમાં પહોંચ્યા છે. જેણે પાકની ક્ષમતા વધારી ખેતરની જમીન પણ સુધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નેનો લિક્વિડ ફર્ટિલાઇઝરના કારણે ભારત આત્મનિર્ભર તરફ ગતિ કરી રહ્યું છે. ભવિષ્યમાં બીજી હરિત ક્રાંતિમાં ઇફ્કોની સહભાગિતા સર્વોચ્ચ હશે તેવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે પણ શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશા અપનાવી છે. આજે રાજ્યમાં કુલ ૧.૭૧ કરોડ સભાસદો ધરાવતી સમગ્રતયા ૮૯ હજારથી વધુ મંડળીઓ કાર્યરત છે. એટલે કે, દર ચોથો ગુજરાતી કોઈ ને કોઈ સહકારી મંડળી સાથે જોડાયેલો છે.
રાજ્યમાં સફળ સહકારીતા પ્રબંધનનું આ એક મોટું ઉદાહરણ છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રાથમિક કૃષિવિષયક સહકારી મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા આ વર્ષે બજેટમાં ખાસ જોગવાઇ કરવામાં આવી છે તેનાથી રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળશે, તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ ઇફકોના ૫૦ પૂર્ણ થયાની ઉજવણી સમયે ઈફકોનું બીજ રોપનાર યુવરાજ ઉદયભાણસિંહને યાદ કરતાં જણાવ્યું હતું કે, નાની મંડળીની શરું થયેલી ઈફકોની વૈશ્વિક યાત્રા ખૂબ જ રોચક અને ખેડૂતોના હિતમાં રહી છે. ગુજરાતે શાંતિ, સમૃધ્ધિ અને સલામતી સાથે સહકારીતામાં પણ ખુબ મજબૂત પકડ બનાવી છે. સહકાર મંત્રાલયની સ્થાપના બાદ તેનું નેતૃત્વ શ્રી અમિતભાઈ શાહને સોંપી સહકાર ક્ષેત્રે ભારતે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે.
સમારોહના પ્રારંભે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ વેળાએ તેમણે ઇફકો-કલોલ એકમની સ્થાપનાથી લઈને આજે ૫૦ વર્ષ સુધીની ગૌરવપૂર્ણ યાત્રા, સફળતા અને સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે ઇફકો-કલોલ એકમના પ્રમુખ શ્રી સંદીપ ઘોષે આભારવિધિ કરી હતી.
ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી રીટાબેન પટેલ, ઈફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઇફકોના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300