ચરણ સ્પર્શ કરવા એ વૈજ્ઞાનિક રહસ્યમય પ્રક્રિયા છે

ચરણ સ્પર્શ કરવા એ વૈજ્ઞાનિક રહસ્યમય પ્રક્રિયા છે
Spread the love

ચરણ સ્પર્શ કરવા એ વૈજ્ઞાનિક રહસ્યમય પ્રક્રિયા છે.

ચરણ સ્પર્શ કરવાના વૈજ્ઞાનિક રહસ્યને જાણીશું તો પોતાના બાળકોને શિખવીશું કે હેલ્લો ! હાય ! બોલવામાં આધુનિક અને સ્માર્ટ હોવાનો ગર્વ ભલે લો પરંતુ પ્રણામ કરવાથી અદભૂત અલૌકિક ઉર્જાના સંચારનો ભાવ અને બોધને પણ જાણો.નમીને કે હાથ મિલાવીને કે આલિંગનથી અભિવાદન કરવાથી સબંધ પ્રગાઢ બને છે તથા સુસંસ્કૃત હોવાનો ભાવ બને છે પરંતુ ચરણસ્પર્શ કરવાનું મહત્વ અનેરૂં છે.

અમે જ્યારે વડીલો અને ગુરૂજનોના શ્રીચરણોમાં ચરણસ્પર્શ કરીએ છીએ તો તેમની પ્રાણ-ઉર્જા સાથે જોડાઇએ છીએ.ઘણીવાર જે ઉચ્ચકોટિના તપસ્વી કે સાધક પોતાના ચરણસ્પર્શ કરવા દેતા નથી કારણ કે તેમની સંચરિત પ્રાણ-ઉર્જા આપણામાં આવી જાય છે કે જે તેમને તપ અને સાધનાથી પ્રાપ્ત કરી હોય છે. જો તેઓ ઇચ્છે તો પોતાના શિષ્યને ફક્ત એક જ ક્ષણમાં શક્તિપાતથી પોતાના જેવા યોગ્ય બનાવી દે છે.

આપણાથી મોટાઓનું અભિવાદન કરવા માટે ચરણસ્પર્શની પરંપરા યુગોથી ચાલી આવી છે.સનાતન ધર્મમાં પોતાનાથી મોટાઓનો આદર કરવા માટે ચરણસ્પર્શ ઉત્તમ માનવામાં આવ્યો છે જેના અનેક લાભ છે.ચરણસ્પર્શનો અર્થ છે પુરી શ્રદ્ધાથી કોઇની આગળ નતમસ્તક થવું,જેનાથી વિનમ્રતા આવે છે અને મનને શાંતિ મળે છે, સાથે સાથે ચરણસ્પર્શ કરનાર પોતાના આચરણથી પ્રભાવિત કરે છે.દરરોજ પોતાનાથી મોટાઓનું ચરણસ્પર્શથી અભિવાદન કરવાથી આયુષ્ય વિદ્યા યશ અને બળમાં વૃદ્ધિ થાય છે.પગના અંગૂઠામાં ઉર્જા પ્રસારિત કરવાની શક્તિ હોય છે.વડીલોના નિયમિત ચરણસ્પર્શ કરવાથી પ્રતિકૂળ ગ્રહ પણ અનુકૂળ બની જાય છે,અમારો અહંકાર ઓછો થાય છે,સમર્પણનો ભાવ આવે છે અને આર્શિવાદ આપતો તેમનો હાથ અમારા માથા ઉપર ફરે છે તો તેમની હકારાત્મક શક્તિ અમારામાં પ્રવેશ કરે છે અને અમારામાંની નકારાત્મક તત્વ નષ્ટ થાય છે.શારીરિક કસરત પણ થાય છે.માથામાં લોહીનો પ્રવાહ વધે છે જે સ્વાસ્થ્ય અને આંખો માટે લાભપ્રદ છે.

દરરોજ સવારે કોઇપણ કાર્યની શરૂઆતમાં ઘરના વડીલો, માતા-પિતાના ચરણસ્પર્શ અવશ્ય કરવા જોઇએ જેનાથી કાર્યમાં સફળતા મળે છે,મનોબળ વધે છે અને સકારાત્મક શક્તિ મળે છે.

ભક્તિમાં અહંકારને કોઇ સ્થાન નથી કારણ કે ભક્તિમાં નમ્રભાવની મહત્તા હોય છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.સદગુરૂ આ૫ણને પોતાનાથી અધિક બીજાઓનો આદર સત્કાર કરવાનું શિખવે છે.

નમસ્કાર-ચરણસ્પર્શ એક સુંદર પ્રક્રિયા છે.અમે જ્યારે સંતોના ચરણોમાં નમસ્કાર કરીએ તે સમયે જો અમારૂં અંતઃકરણ વિરોધ કરે તો સમજી લેવું જોઇએ કે આ વાસ્તવમાં અહંકાર જ છે જે અમોને રોકી રહ્યો છે કારણ કે અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્રદયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.

એક બ્રહ્મને જાણીને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓમાં પ્રભુના તેજનો પ્રવાહ પ્રગટ હોય છે, તેમનામાં આધ્યાત્મિક શક્તિનો વાસ હોય છે.જ્યારે અમારૂં મન બ્રહ્મજ્ઞાનીઓના ચરણોમાં ઝુકે છે ત્યારે મનના વિકારો દૂર થાય છે,તે અમોને અનેક મુશ્કેલીઓમાંથી બચાવે છે.

ખરાબમાં ખરાબ વ્યક્તિ ૫ણ પોતાની સમક્ષ ઝુકેલા વ્યક્તિના પ્રત્યે કરૂણાશીલ બની જાય છે. બ્રહ્મજ્ઞાની મહાપુરૂષોના ચરણ સદગુરૂના ચરણ તુલ્ય જ છે. જેને પ્રભુના દર્શન કીધા એને તમે નમસ્કાર કરો,એમની અંદર પ્રભુ બોલે છે એમનો તમે સત્કાર કરો એટલે કે શરીરને નહી પરંતુ આ ૫રમ શક્તિને જ નમસ્કાર કરવામાં આવે છે ૫રંતુ અહંકાર દૂર થયો છે કે નહી તેની ખબર તો ત્યારે જ ૫ડે છે કે જ્યારે અમે અમારાથી નાની ઉંમરની વ્યક્તિ સમક્ષ ૫ણ નમ્ર ભાવથી શરીરની શ્રેષ્ઠતાનો ત્યાગ કરીને કણકણમાં વ્યા૫ક ૫રમ સત્તાનું રૂ૫ સમજીને નમસ્કાર કરીએ.

નમસ્કારમાં શરીરથી વધુ મનને નમાવવું ૫ડે છે.જ્યારે શરીરમાંથી આત્મા (જીવ) નીકળી જાય છે તો તે શરીરને નમસ્કાર કરવામાં આવતા નથી.સાથે સાથે એ તથ્ય ૫ણ ઉલ્લેખનીય છે કે નમસ્કાર તે જ કરે છે જેનામાં આત્મા છે. “ઝુકતે હૈ વો જિસમે જાન હોતી હૈ,અક્કડ રહેના મુર્દેકી ૫હેચાન હૈ.”

સંતવાણી કહે છે કે સબ ઘટ મેરા સાંઇયા સુની સેજ ના કોઇ,બલિહારી ઉસ ઘટકી જા ઘટ પ્રગટ હોઇ. આનો અર્થ એ છે કે દરેક ઘટમાં ૫રમાત્માનો વાસ છે તેથી દરેક ઘટમાં ૫રમાત્માનાં દર્શન કરીને નમસ્કાર કરવા જોઇએ કારણ કે નિરાકાર પ્રભુ ૫રમાત્માની પૂજા થઇ શકતી નથી,તેમની પૂજા અમે સાકાર રૂ૫માં જ કરી શકીએ છીએ. આત્મા અલગ છે,શરીર અલગ છે.શરીરનું મૃત્યુ થાય છે ૫રંતુ આત્માનું મૃત્યુ થતું નથી. જ્યારે અમે પ્રણામ કરીએ છીએ ત્યારે શરીરને નહી પરંતુ ઇશ્વરના અંશ આત્માને પ્રણામ કરીએ છીએ.

પુરાતન સમયમાં એક ગામડામાં નવા બંધાયેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો.પ્રતિષ્ઠા પહેલાં ભગવાનનો વરઘોડો કાઢવાનો નિયમ હોય છે તેથી અન્ય કોઇ સાધનની વ્યવસ્થા ના હોવાથી એક ગધેડાને શણગારીને તેના ઉપર સરસ આસન બનાવી ભગવાનની મૂર્તિ મૂકી ઉપર છત્ર લગાવવામાં આવે છે અને વાજતે ગાજતે આખા ગામમાં વરઘોડો કાઢવામાં આવે છે.ગામલોકો ફુલ-ચોખાથી ભગવાને પગે લાગે છે અને દક્ષિણા પણ મુકે છે.આ જોઇને ગધેડાને લાગે છે કે આખા ગામના લોકો ફુલ-ચોખા મુકી મને પગે લાગે છે,મારો આદર સત્કાર કરે છે પરંતુ જેવો વરઘોડો પુરો થાય છે કે તુરંત ભગવાનની મૂર્તિને મંદિરમાં પ્રતિષ્ઠા માટે લઇ જવામાં આવે છે અને ગધેડાને ડફણું મારીને મંદિરમાંથી કાઢી મુકવામાં આવે છે.

જેને ભક્તિમાર્ગમાં કે સમાજમાં પદ કે પ્રતિષ્ઠા મળી રહી છે તે મહાનુભાવોએ ચિંતન કરવાનું છે કે અમોને ઉંચા આસન ઉપર બેસાડવામાં આવે છે,લોકો પૂજા કરે છે,અમારો આદર સત્કાર કરે છે,અમારા વરઘોડા કાઢે છે તે પ્રભુ પરમાત્માની કૃપાનું પરીણામ છે.અમારી કોઇ વિશેષ લાયકાત કે યોગ્યતાના લીધે આમ થઇ રહ્યું છે તેમ માની લઇશું તો અમારી દશા પેલા ગધેડા જેવી થશે.

“હમ પૂજારી હૈ રોશની કે સમજતી હૈ દુનિયા દિયા પૂજતે હૈ” જો નમસ્કાર કરતી વખતે અમોને ભ્રમ થઇ જાય છે કે અમે કોઇને નમસ્કાર કેમ કરીએ છીએ? હું કેટલો મહાન છું કે લોકો મને નમસ્કાર (ચરણસ્પર્શ) કરી રહ્યા છે.આમ આ બંન્ને ભાવ અહંકારના સૂચક છે, તે અમોને અધઃ૫તન તરફ લઇ જનારા છે માટે આ ભાવથી બચવું શ્રેયસ્કર છે. ભૂલથી બચવા માટે પોતાની હસ્તીને સદગુરૂ ૫રમાત્માના શ્રીચરણોમાં ન્યોછાવર કરીને ભક્તિમય જીવન જીવવાનું છે અને આ જ ગુરૂ ભક્તનું લક્ષણ છે.કહ્યું છે કે મિટાદે અ૫ની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, કી દાના ખાકમેં મિલકર ગુલ એ ગુલઝાર હોતા હૈ.

શ્રીમદ ભગવદગીતા(૪/૩૪)માં નમસ્કાર(પ્રણામ) વિશે ભગવાન કહે છે કે તત્વજ્ઞાન પ્રાપ્તિના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી વેદશાસ્ત્રોના જ્ઞાતા મહાપુરૂષ પાસે જઇને જાણ.તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી અનુભવી જ્ઞાની શાસ્ત્રજ્ઞ મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.

આ પ્રાપ્તિ બહુ દુર્લભ છે.બનાવટી દંભી આડંબરી ઢોંગી લોકોથી બચી શકે તે જ તત્વદર્શન કરી શકે છે.જો આવા ગુરૂ મળે તો તેમની પાસે જઇને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા એટલે કે સદગુરૂની પાસે નીચ પુરૂષની જેમ જવું જેથી પોતાના શરીરથી સદગુરૂનો અનાદર કે તિરસ્કાર ના થઇ જાય.નમ્રતા-સરળતા અને જીજ્ઞાસુભાવથી તેમની પાસે રહેવું અને તેમની સેવા કરવી,પોતાની જાતને તેમને સમર્પિત કરી દેવી,તેમને આધિન થઇ જવું.તન મન ધન તેમને અર્પણ કરી દેવાં.

નમસ્કાર ચાર રીતે થાય છે.ફક્ત હાથ જોડીને,માથું નમાવીને હાથ જોડીને,માથાને જમીન સાથે અડાડીને ઝુકીને તથા આખા શરીરને દંડની માફક જમીન ઉપર લાંબુ કરીને જેને દંડવત નમસ્કાર કહે છે. શિષ્યભાવ બતાવવા નમસ્કાર જરૂરી છે.નમસ્કારમાં નમ્રતાના દર્શન થવાં જોઇએ.નમસ્કાર સમર્પણની નિશાની છે.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!