કનિકા ધિલ્લોન સાથે પતિના અફેરની ચર્ચાને દિયા મિર્ઝાએ નકારી

મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પતિ સાહિલ સાથેના પાંચ વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય જાહેર કરીને તમામને ચોંકાવી દીધાં હતાં. દિયાએ જાઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તે અને સાહિલ પરસ્પર સહમતિથી અલગ થયા છે પરંતુ એકબીજાના મિત્રો બનીને રહેશે. ત્યારબાદ ફિલ્મ રાઈટર કનિકા ધિલ્લોને પણ પતિ પ્રકાશ કોવેલામુદીથી અલગ થયાની જાહેરાત કરી હતી. જેને કારણે બંને કપલ્સના સંબંધો તૂટવા પાછળ કોઈ કનેક્શન હોવાની ચર્ચા થવા લાગી હતી. હવે, કનિકા તથા દિયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. સૂત્રોના મતે, દિયા તથા સાહિલના સંબંધોમાં છેલ્લાં એક મહિનાથી મનભેદ થવા લાગ્યો હતો. દિયા પોતાના વેબ શોના શૂટિંગ માટે કેટલોક સમય પતિથી દૂર હિમાચલ પ્રદેશમાં હતી. આ દરમિયાન સાહિલ તથા કનિકા વચ્ચેની નિકટતા વધી ગઈ હતી. તેથી જ દિયાના લગ્ન કનિકાને કારણે તૂટ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જાકે, કનિકાએ ટિવટર પર સ્પષ્ટતા કરતી ટ્વીટ કરી હતી, ‘હાસ્યાસ્પદ, બિનજવાબદાર, ફિક્શન લખવું મારું કામ છે. શું મીડિયા થોડું જવાબદાર ના બની શકે? એક સમય પર એક જેવા જ ન્યૂઝ આવે તો એનો અર્થ એ નથી કે તેને ઈન્ટરલિંક કરી દેવામાં આવે. હું દિયા કે સાહિલને મારા જીવનમાં ક્્યારેય મળી નથી. મહેરબાની કરીને આમાંથી બહાર આવો અને અમને અમારું કામ કરવા દો.’