વિવેક અગ્નિહોત્રી કાશ્મીરી પંડિતોની વ્યથાને રજૂ કરતી ફિલ્મ બનાવશે

મુંબઈ,
આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ રદ થયા બાદ ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હવે કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વ્યથાને રજૂ કરવામાં આવશે. વિવેકે આ પહેલાં ઈન્ડિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય નિધન પર આધારિત ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ બનાવી હતી. હવે તેઓ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નામની ફિલ્મ બનાવશે અને આ ફિલ્મની સ્ટોરીના કેન્દ્રસ્થાને કાશ્મીરી પંડિતો રહેશે. વિવેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું છેલ્લાં કેટલાંક વર્ષોથી કાશ્મીર વિષય પર ફિલ્મ બનાવવા ઇચ્છતો હતો અને રિસન્ટલી રિલીઝ થયેલી મારી ફિલ્મને લોકોએ પસંદ કરી છે. જેના પછી સંવેદનશીલ સબ્જેક્ટને હેન્ડલ કરવાની મારી ક્ષમતા વધી છે. નાનાં બાળકોને મારી નાંખવામાં આવ્યાં હતાં, મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. લોકોને રાતોરાત ઘર છોડવા માટે કહેવામાં આવ્યું.’ અત્યારે કાશ્મીરી પંડિતો જ્યાં રહે છે એવી જગ્યાઓ પર વિવેક જશે. તેઓ કહે છે કે, ‘હું છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં કામ કરી રહેલા સમાજસેવકોના સંપર્કમાં છું અને મેં કેટલાક નેતાઓ સાથે વાત કરી છે. શરૂઆતમાં હું પુસ્તક લખવાનો હતો, પરંતુ હવે હું ફિલ્મ બનાવવાનો છું.’