તાપસી અને વિદ્યાને સુષ્મા સ્વરાજની બાયોપિક કરવાના અભરખાં જાગ્યા

મુંબઈ,
ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે નિધન થયું હતું. બુધવારે સમગ્ર દેશે તેમને અંજલિ અર્પી હતી. સુષ્મા ન ફક્ત પોલિટિશિયન હતા, પરંતુ તેમનામાં મ્યુઝિક, કવિતા અને સિનેમાની પણ સારી સમજ હતી. આ જ કારણે બોલિવૂડના અનેક સ્ટાર્સ સાથે તેમનું સારું બોન્ડિંગ હતું. બોલિવૂડમાંથી અનેક સ્ટાર્સે તેમને અંજલિ અર્પી છે.અત્યારે ફિલ્મ ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં બિઝી તાપસી પન્ન્šએ પણ સુષ્માના નિધનના લીધે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું સ્કૂલમાં ભણતી હતી અને ટીવી પર સુષ્માજીનું ભાષણ સાંભળતી હતી ત્યારે રોકાઈ જતી હતી. તાપસીએ વધુ કહ્યું હતું કે, ‘પડદા પર સુષ્માજીનું જીવન રજૂ કરવાની તક મળશે તો હું એ ગુમાવીશ નહીં. આટલી મહાન અને શ્રેષ્ઠ નેતાની બાયોપિક કોણ કરવા ન ઇચ્છે.’ તાપસીની જેમ વિદ્યા બાલને પણ સુષ્મા સ્વરાજની બાયોપિક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યાએ કહ્યું હતું કે, ‘દેશના રાજકારણમાં સુષ્મા સ્વરાજનું ખૂબ જ યોગદાન રહ્યું છે. તેને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમે સુષ્મા સ્વરાજની બાયોપિકમાં કામ કરશો તો એના જવાબમાં આ એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘આટલી મહાન હસ્તીને પડદા પર જીવંત કરવાની તક મળશે અને તેમની બાયોપિકને સારી રીતે લખવામાં આવશે અને એ મને ગમશે તો હું ચોક્કસ કરીશ.’