સાવરકુંડલાના હાડીડા ગામે વૃધ્ધાનું ખૂન કરી લૂંટ કરનાર સિરિયલ કિલરની ધરપકડ

સાવરકુંડલાના હાડીડા ગામે વૃધ્ધાનું ખૂન કરી લૂંટ કરનાર સિરિયલ કિલરની ધરપકડ
Spread the love

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે વૃધ્ધાનું ખૂન કરી લૂંટ કરનાર સિરિયલ કિલરની અમરેલી એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી ઝડપાતા અમરેલી તથા ભાવનગર જીલ્લામાં બનેલા પાંચ વણશોધાયેલી હત્યાના ભેદ ઉકેલાયા છે. સિરિયલ કિલરે ભાવનગર તથા અમરેલી જિલ્લામાં હત્યા કરીને માનસિક સંતોષ લેવા માટે નિશાની રૂપે મૃતકની કોઈ વસ્તુ લઇ જતો હતો. તેને જોઈ અને માનસિક આનંદ મેળવતો હતો. તેને પૈસાની જરૂરિયાત પડતા એમાંથી કેટલીક વસ્તુઓ વેચી દીધી હતી. જેમાં બે સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમરેલી SOGએ છેલ્લા ત્રણ મહિનામાં લાઠીદડ ગેંગ અને સીરિયલ કિલર મળી જિલ્લાની 12 હત્યાના ભેદ ઉકેલ્યા છે.

હાડીડાના વૃદ્ધાની હત્યા કરી હતી

24 સપ્ટેમ્બરનાં રોજ હાડીડા ગામના જાનબાઇબેન નરશીભાઇ ઘોડાદ્રા, (ઉં.વ.આશરે 70) ઘરે એકલા હતાં ત્યારે કોઇ અજાણ્યા ઇસમે જાનબાઇબેનને દોરી વડે ગળે ટુંપો દઇ મોત નિપજાવી હતી. તેમણે પહેરેલી સોનાની ટોટો જોડી, સોનાની કડીઓ, સોનાની નખલી સોનાનો નાકનો દાણો, પ્લાસ્ટીકના પાટલા, સોનાની ચીપ્સ વાળાતથા પગના ચાંદીના છડાંની કિંમતના દાગીનાની લૂંટ થઈ હતી.
સિરિયલ કિલર મહુવાનો રહીશ, કપાસની દલાલી કરતો આરોપી મિલન ભકાભાઇ રાઠોડ (રાવળદેવ), (ઉ.વ.32, રહે.સેદરડા, બસ સ્ટેશન સામે, જોગી શેરી, તા.મહુવા, જિ.ભાવનગર)ની એસઓજીની ટીમે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી દેખીતી કપાસની દલાલીનો ધંધો કરે છે.

એકલતાનો લાભ લઈને વૃદ્ધને શિકાર બનાવતો

કપાસની દલાલી કરવા ગામો-ગામ ફરી, એકલ-દોકલ રહેતા વૃધ્ધ લોકોની રેકી કરી, તેઓની એકલતાનો લાભ લઇ, પાણી પીવાના બહાને ઘરમાં જઇ, હાથેથી અથવા સુતરની દોરી વડે ગળાટુંપો આપી હત્યા કરી નાખતો હતો. ત્યારબાદ મૃતકના શરીર પરથી ઘરેણા તથા રોકડ રકમની લૂંટ કરતો હતો. હત્યા કરી લાશને એવી રીતે ગોઠવીનો જતો કે જેનાથી પ્રથમ દ્રષ્ટીએ હત્યા થયેલાની શંકા ન જાય. લૂંટમાં લીધેલી વસ્તુ પૈકી કોઇ એક વસ્તુ આ લૂંટની નિશાની (ટ્રોફી) તરીકે પોતાની પાસે રાખતો હતો. અને તેને જોઇ જોઇને માનસિક આનંદ મેળવતો હતો.

આરોપીએ લૂંટ માટે કરેલી હત્યાઓની કબુલાત
  1. 24 સપ્ટેમ્બરે સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે એક વૃધ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોના ચાંદીના દાગીના મળી 62,800/- લૂંટી લીધા હતા.
  2. 26 ઓગસ્ટે ભાવનગરના મહુવા તાલુકાના લોયંગા ગામે એક વૃદ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોના ચાંદીના દાગીના મળી રૂ.45000 લૂંટી લીધા હતા.
  3. આશરે છ એક માસ પહેલા ભાવનગર જીલ્લાનામહુવા તાલુકાના દેગવડા ગામના લીલુબેન નામના આધેડ મહિલાનું ગળું દબાવી, મોત નિપજાવી,લૂંટ ચલાવી હતી.
  4. આશરે ચારેક વર્ષ પહેલા ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામના ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી પ્રથમ રૂ.60000 અને ત્યાર બાદ રૂ. 40000 વ્યાજે લીધેલા હતા. રૂપિયા પાછા આપવા ન પડે તે માટે ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પોતાના ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
  5. આશરે સતર-અઢાર વર્ષ પહેલા ભાવનગર જિલ્લાના સેંદરડા ગામના રહેવાસી અને પોતાના બાપુજીના કુટુંબી કાકી શાંતુબેન નાનજીભાઇ રાઠોડ ઘરે એકલા હોય, તે સમયે તેના ઘરે જઇ તેમનું ગળું હાથેથી દબાવી હત્યા કરી પાંચ-છ હજાર રૂપિયાની લૂંટ કરી હતી.
આરોપીએ આ સિવાય કરેલી ચોરીનાં બનાવોની વિગત
  1. પોતાના ગામના બાવાજીની દીકરી ધારડી તા.તળાજા મુકામે સાસરે હતા અને તે બહેન નહાવા માટે બાથરૂમમાં જતાં તેમની કાનની સોનાની બુટીની ચોરી કરી હતી.
  2. પોતાના ફઇ કાત્રોડી, તા.જેસર મુકામે સાસર લગ્ન પ્રસંગમાં ગયેલા ત્યારે તેમના સબંધીના દાગીનાની ચોરી કરેલી હતી.
આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ

સોના-ચાંદીના દાગીના, રોકડ 58000, બાઈક  તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂા. 1,12,200નો મુદ્દામાલ સિરિયલ કિલર મિલન પાસેથી પોલીસે કબ્જે કર્યો હતો. જયારે સોની આરોપીઓ પાસેથી 1,03,600 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આરોપીની પુછપરછ દરમિયાન તેણે હાડીડા ગામે કરેલી લૂંટ તથા લોંગીયા અને દેગવડા ગામે કરેલી લૂંટનો સોના-ચાંદીનો મુદ્દામાલ મહુવા સરાફ બજારમાં આવેલી નટવરલાલ વી.મથુરાદાસ નામની દુકાને વેચેલી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સોની વેપારીઓને લૂંટનો મુદ્દામાલ રાખવા બદલ ધરપકડ કરી છે.  તેઓની પાસેથી હાડીડા ગામે થયેલી લૂંટનો અસલ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

ધરપકડ કરાયેલા સોની આરોપીઓ
  1. પ્રણવ વિનોદરાય મહેતા, (ઉં.વ.39, રહે.મહુવા, હાઉસીંગ બોર્ડ પાછળ.)
  2. મિહીર નયનભાઇ મહેતા, (ઉં.વ.37, રહે.મહુવા, ગણપતિ મંદિર પાસે, કૃષ્ણ સોસાયટી)
અન્ય ન નોંધાયેલા ગુનાઓની તપાસ

પકડાયેલા સિરિયલ કિલરની પુછપરછ દરમિયાન હજુ પણ વધુ વણ શોધાયેલ ખૂનના ગુનાઓની હકીકત ખુલવા પામે તેવી શક્યતા રહેલી છે. આરોપીએ કબુલાત આપેલી તે પૈકી જે ગુનાઓ નોંધાયેલ નથી, તેવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે.

જાહેર જનતાને અપીલ
  1. ઘરમાં એકલા રહેતાં વૃધ્ધ દંપતિએ તથા સિનીયર સીટીઝનોએ અજાણ્યા ફેરીયા, રાહદારી ઇસમો કે શંકાસ્પદ ઇસમોને ઘરમાં પ્રવેશ ન આપવો.
  2. ઘરમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજા, ડેલી, ખડકી બંધ રાખવી.
  3. શક્ય હોય તો દરવાજામાં બહાર કોણ છે તે જોવા માટેના મેગ્નીફાઇંગ ગ્લાસ ફીટ કરાવવા.
  4. આવા ગુન્હા આચરતા આરોપીઓ પાણી પીવાના બહાને તથા સરનામું પુછવાના બહાને એકલ-દોકલ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતા હોય છે. જેથી આવી વ્યક્તિઓ પાણી માંગે કે સરનામું પુછે ત્યારે તેમનાથી એક ચોક્કસ અંતર બનાવી રાખવું.
  5. પોતાના રહેણાંક વિસ્તાર આજુ બાજુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ આંટા ફેરા મારતો દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન કે જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
  6. સતર્કતા એ જ સલામતી છે. સતર્ક રહો.
Avatar

Admin

Right Click Disabled!