રાજપીપળામાં અનાજ-કેરોસીનના કાળા બજાર ની બુમો….!
- અમુક દુકાનદારો ગ્રાહકને કુપન ન આપી અનાજનો જથ્થો સગેવગે કરતાં હોવાની બૂમો.
- શિયાળામાં બળતણ માટે કેરોસીનની તંગી વર્તાય છે અને પાછલે બારણેથી કેરોસીનના કાળા બજાર થતાં હોવાની બૂમો.
રાજપીપળા સહીદ નાંદોદ તાલુકામાં અનાજ-કેરોસીનના કાળાબજારની બૂમો ઉઠવા પામી છે. શિયાળામાં બળતણ માટે કેરોસીન ની તંગી વર્તાય છે, અને પાછલે બારણેથી કેરોસીનના કાળા બજાર થતાં હોવાની બૂમો ઉઠવા પામી છે. નાંદોદ તાલુકાના પુરવઠા વિભાગ દ્વારા લાયસન્સવાળા કેરોસીનના ફેરીયા દ્વારા ગ્રાહકોને કેરોસીન પહોચતું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર જે તે ગામના સરપંચ ને મળીને મિલીભગતથી કુપન ન આપી બારોબાર અનાજ પણ સગેવગે કરતાં હોવાની તાલુકામાં લોકચર્ચાએ જોર પકડયું છે.ગ્રાહકોને કુપન ન આપી જથ્થો ઓછો આપી પોતાની મનમાની કરતા હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. એ પૈકી કેટલાક ગ્રાહકો આ માટે રજૂઆત કરે છે, ત્યારે મળે ત્યાં અધિકારીઓ તપાસના નામે ફક્ત નાટક ભજવતા હોય છે. નિયમ મુજબ ફરિયાદ બાદ જે તે દુકાન પર સ્થળ તપાસ કરવાના બદલે અધિકારીઓ દુકાનદારને પોતાની કચેરીમાં બોલાવી તપાસના નામે નાટક કરે અથવા અમુક ને દમદાટી આપી અંગત ફાયદા કરતા હોય છે.
લોકોની ફરિયાદ આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી, કલેકટર કે વિજિલન્સ કેમ કોઈ પગલાં લેતું નથી. ? થોડા સમય પહેલા અમુક દુકાનદારોના પરવાના અમુક સમય સુધી રદ કરી હજારો રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો, છતાં પણ હજુ સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. ત્યારે ગાંધીનગર બેઠેલું વિજિલન્સ ખાતુ ઓચિંતુ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. જાગૃત નાગરિકો હવે આ માટે વિલિયન્સમા રજૂઆત કરશે અને ત્યાંથી પણ જો કોઈ નક્કર પગલા નહીં લેવાય તો પુરવઠા મંત્રીને પણ રજૂઆત કરશે એવો લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર મામલતદાર દ્વારા કેરોસીનના ફેરિયાઓ નું લાઇસન્સ વર્ષોથી આપવામાં આવે છે. જેમાં કેટલાક ફેરિયાઓના લાઇસન્સ વાળા મૃત્યુ પામ્યા છે, કેટલાક માંદગી અવસ્થામાં છે, આ અંગે જિલ્લા કલેકટર દરેક તાલુકાના ફેરિયાઓ લાઇસન્સ ચેક કરે અને આદિવાસી શિક્ષિત બેકાર લાભાર્થીઓને ફેરિયાઓને લાઈસન્સ આપી રોજગારી આપે જેથી કેરોસીન માં થતો ભ્રષ્ટાચાર અટકશે એવી પણ માગ ઊઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા