સરકારની ખેલ મહાકુંભ જેવી અનેકવિધ સ્પર્ધાઓ થકી આજે ગુજરાતને સારા ખેલાડીઓ મળ્યા છે – ઇશ્વરસિંહ પટેલ

સરકારની ખેલ મહાકુંભ જેવી અનેકવિધ સ્પર્ધાઓ થકી આજે ગુજરાતને સારા ખેલાડીઓ મળ્યા છે – ઇશ્વરસિંહ પટેલ
Spread the love

રાજપીપળા,
સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના અલમાવાડી ગામ ખાતે આલ્મેશ્વર યુવક મંડળ- અલમાવાડી તથા વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભની સાથે ૪૦૦ મીટર રનર ટ્રેકનું ખાતમુહુર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતિસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી મહેશભાઇ વસાવા, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.એ. બારીયા સહિતના વરિષ્ઠ પદાધિકારીશ્રી – અધિકારીશ્રીઓ, વિવિધ રમત-ગમતમાં રાજ્ય-રાષ્ટ્રિય કક્ષાએ નામના મેળવનાર ખેલાડીઓ, રમત પ્રેમીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા વિસ્તારના યુવાઓમાં અનેક શક્તિઓ રહેલી છે. ફક્ત તેને બહાર લાવવા માટે તકની જરૂર છે. સરકારની ખેલ મહાકુંભ જેવી અનેકવિધ સ્પર્ધાઓએ આજે સારા ખેલાડીઓ ગુજરાતને આપ્યા છે તેમજ શિક્ષણની સાથોસાથ રમત-ગમત ક્ષેત્રે પણ સિધ્ધિ હાંસલ કરીને રાષ્ટ્રના નિર્માણમાં સૌને યોગદાન આપવાની વાત તેમણે કરી હતી. રમત ગમતની સારી તકને કારણે ગુજરાતના છેવાડાના અંતરિયાળ વિસ્તારની આદિવાસી દિકરી સરીતા ગાયકવાડે આંતરરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ હતું કે, રમત ગમતથી વ્યક્તિના સારા સ્વાસ્થની સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે. આદિવાસી બાળકોમાં અનેક શક્તિઓ પડેલી છે, માત્ર તેને બહાર લાવવાની જરૂર છે. સરકારશ્રી દ્વારા ખેલમહાકુંભ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે તેના થકી રમતક્ષેત્રે સફળતાના અનેક સોપાનો સર કરવાં આપણે સક્ષમ છીએ તેમજ યોગાસન કરવાથી શરીરની તંદુરસ્તી જળવાઇ રહે છે અને અનેક બિમારીઓ દૂર થઇ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દરેક રમતમાં સૌએ ભાગ લેવો જોઇએ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપી હવે પછી પણ ભવિષ્યમાં સતત જે તે સ્પર્ધામાં ભાગ લઇને શ્રેષ્ડ દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેની સાથોસાથ સરકારશ્રીની કન્યાકેળવણી યોજના થકી આંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાની વાત તેમણે કરી હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભાંરભ કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુના વિસ્તારની ૪૫ જેટલી ટીમો ભાગ લેશે. આ પ્રસંગે અગ્રણી સર્વ શ્રી ધરમસિંહભાઇ, શ્રી પ્રતાપભાઇ વસાવા શ્રી અલમાવાડી ગામના સરપંચશ્રી શર્મિષ્ઠાબેન વસાવા, આલ્મેશ્વર યુવક મંડળ- અલમાવાડી તથા વિશ્વ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ, ખેલપ્રેમીઓ, ગ્રામજનો, શાળાના બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!