પાટણ ખાતે પક્ષી બચાવો કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ

પાટણ,
પાટણ ખાતે આજથી શરૂ થતાં કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ ઑફીસર્સ ક્લબ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષી બચાવવાનો સંદેશ આપવા યોજાયેલી રેલીમાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના જીવદયાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજથી કરૂણા અભિયાન-૨૦૨૦નો આરંભ કરવામાં આવ્યો છે. તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા કરૂણા અભિયાનના પ્રથમ દિવસેઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના પાકા દોરા અને ચાઈનીઝ દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત ન થાય તે માટે લોકોમાં જાગૃતિ કેળવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા પક્ષી બચાવો જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ‘અમારી કપાઈ છે પાંખ, તમારી ક્યારે ઉઘડશે આંખ’, ‘અબોલ પક્ષીઓ પર અત્યાચાર સૌથી મોટો દુરાચાર’ જેવા સુત્રો સાથે રેલી દ્વારા પક્ષી બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રેલીમાંજિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, નાયબ વન સંરક્ષકશ્રી જે.જે. રાજપુત,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલા, પાટણ જીવદયા પરિવાર, પાટણ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો, કલેકટર કચેરીના અધિકારીગણ, વન ખાતાના કર્મચારીઓ, સ્કુલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ચાઈનીઝ દોરી અને તુક્કલ ન વાપરવા, ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળે તે માટે સહયોગ આપવા અપીલ કરી હતી.