સુરતના તાપી કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉમંગભેર ઉજવણી

સૂરત,
સુરતની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે સૂરતના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશવિદેશના ૮૯ બાહોશ પતંગબાજોના વિવિધ કદ અને આકારના અવનવા રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે તાપીકિનારે અડાજણના સરિતા સાગર સંકુલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં પતંગબાજી નિહાળવા સુરતના પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા.
વહેલી સવારે ખુશનુમા પ્રભાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, અમેરિકા, નેધરલેન્ડઝ, ન્યુઝીલેન્ડ, રશિયા, સિંગાપોર, સ્લોવેકિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશીયા, તુર્કી, થાઈલેન્ડ, યુક્રેન, યુ.કે., અને વિયેતનામ એમ કુલ ૧૬ દેશોના ૫૦ અને ભારતના ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કેરલ, બિહાર, કર્ણાટક, પ.બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપ એમ કુલ ૮ રાજ્યોના ૩૯ પતંગબાજોએ ભાગ લીધો હતો. તેમણે પતંગબાજીના કલા કરતબો પ્રદર્શિત કરી સુરતીલાલાઓને અચંબિત કર્યા હતા. કાર્યક્રમ સ્થળે વિદેશી પતંગબાજોનું ભાતીગળ સાંસ્કૃતિક પરંપરાથી ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું. ભારતીય આતિથ્યભાવની પરંપરાથી વિદેશી પતંગબાજો પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે મેયરશ્રી ડો.જગદીશ પટેલે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓના ઉત્સવપ્રિય મિજાજની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, પતંગ એ માનવીની મહેચ્છા, તમન્નાઓ અને મનતરંગોનું પ્રતિક છે. પતંગને આકાશના સીમાડા નડતાં નથી. પતંગ આકાશને આંબવાની અને પ્રગતિની પ્રેરણા આપે છે. પતંગ ઉત્સવ થકી દેશ-વિદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તેમજ પ્રવાસનમાં બહોળો વધારો થાય તેવા શુભ આશયથી આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યની કળા અને સંસ્કૃતિએ આંતરરાષ્ટ્રીય સીમાઓ પાર કરી વિદેશોમાં પણ અલગ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે. મેયરશ્રીએ દેશના નાગરિકોના આશા, અરમાનો, સંકલ્પો અને સપનાઓરૂપી પતંગ વધુને વધુ ઉંચી ઉડાન ભરે એવી આકાંક્ષા વ્યક્ત કરી હતી.
પતંગ મહોત્સવમાં શાળાઓના બાળકો, દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશી પતંગબાજોએ ‘ઉડે ઉડે રે પતંગ ગુજરાતનો.., ઊડી ઊડી જાય દિલ કી પતંગ, એ કાઈપો છે..’ જેવા ગાયનોના તાલે ઝૂમ્યા હતા. ગરબાની સંગાથે નૃત્ય કરી રહેલા આ પતંગબાજોને સુરતીઓએ હર્ષભેર વધાવ્યા હતા.
પ્રારંભે ડે.મેયરશ્રી નીરવ શાહે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત તમામ પતંગબાજો અને શહેરીજનોને આવકાર્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શના જરદોશ, અધિક નિવાસી કલેકટરશ્રી સંજય વસાવા, સિટી પ્રાંત અધિકારીશ્રી, અગ્રણીશ્રી નીતિનભાઈ ભજીયાવાળા, તેમજ સુરત મ.ન.પા.ના પદાધિકારીઓ-અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.