ઝાલાવાડમાં માતૃભાષા ગુજરાતીના ગૌરવને ઉજાગર કરતી અનોખી શૈક્ષણિક શિબિર : ‘‘જ્ઞાનગોષ્ઠી’’

સુરેન્દ્રનગર,
લક્ષ્ય નહી મળે તો નહી હારી જવાના,
બધા જ ના મનમાં પણ જગ્યા કરી જવાના;
પાંચ દિવસ રહીને મિત્ર બની જવાના,
વિદાય લઈશું ત્યારે આંસુ આવી જવાના;
તમારી સાથે પણ અમે હળી મળી જવાના,
દિપકની જેમ અમે પણ અજવાળી જવાના;
જ્ઞાન ગોષ્ઠિના આ અવસરમાં ચમકી જવાના,
ગુરૂજનોના હ્રદયમાં અમે જગ્યા કરી જવાના…
આ સ્વરચિત રચના છે સુરેન્દ્રનગર જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી ગોખરવાડાની વિદ્યાર્થીની સરોજ વડીયાની.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સમાજમાં વધતા જતા અંગ્રેજીના પ્રભાવની સામે માતૃભાષા ગુજરાતીનું ગૌરવ પ્રસ્થાપિત થાય અને કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) માં ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સહઅભ્યાસની પ્રવૃત્તિઓની સાથે માતૃભાષા ગુજરાતીનું મહત્વ સમજી શકે અને તેના થકી ગુજરાતી ભાષા-સાહિત્યની વિશેષ સમજ વિદ્યાર્થીનીઓમાં આવે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મોડેલ સ્કુલ ખાતે પાંચ દિવસીય એક અનોખી જ્ઞાન શિબિર- શૈક્ષણિક શિબિર ‘‘જ્ઞાનગોષ્ઠી‘‘ યોજાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જેન્ડર યુનિટ દ્વારા આયોજીત આ ‘‘જ્ઞાન ગોષ્ઠી‘‘ શિબિરમાં જિલ્લામાં કાર્યરત ૨૦ પૈકી ૧૩ કે.જી.બી.વી.માં ધોરણ-૯માં અભ્યાસ કરતી ૨૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ પાંચ દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેમનામાં પડેલી સુશુપ્ત શકિતના દર્શન કરાવ્યા હતા.
બાળકોમાં પડેલી સુશુપ્ત શકિતઓ બહાર આવે અને બાળકોનો સર્વાંગિ વિકાસ થાય તે માટે તેમને જરૂર હોય છે સાચી દિશાના માર્ગદર્શનની. કે.જી.બી.વી.ની વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જેન્ડર યુનિટ દ્વારા યોજાયેલ આ પાંચ દિવસીય કાર્યક્રમ પણ આવો જ એક સાચી દિશા દર્શન કરાવતો કાર્યક્રમ બની રહયો હતો, જેના પરિણામે જિલ્લાના વિવિધ વિસ્તારોની કે.જી.બી.વી.માં રહીને અભ્યાસ કરતી ગરીબ પરિવારોની દિકરીઓમાં પડેલી સુશુપ્ત શકિત વિવિધ રચના-કૃતિઓ તેમજ ચિત્રોના માધ્યમ દ્વારા બહાર આવી હતી.
લખતર સ્થિત મોડેલ સ્કુલ ખાતે નવા વર્ષના પ્રારંભમાં જ એટલે કે તા.૫ મી જાન્યુઆરીથી તા.૯ મી જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ જ્ઞાન ગોષ્ઠીમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે વિદ્યાર્થીનીઓનો લગાવ વધે તે માટે ગુજરાતી ભાષાના છંદ, અલંકાર તેમજ સાહિત્યના પ્રકારો વિશે દરરોજ આ ક્ષેત્રના નિષ્ણાંતો – તજજ્ઞો દ્વારા માર્ગદર્શક વકતવ્ય આપી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી તેમનામાં પડેલી પ્રતિભાને બહાર લાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શિબિરના સ્થળે વિવિધ સ્ટોલ ઉભા કરી તેમાં ગુજરાતી ભાષા-સાહિત્યના શ્રેષ્ઠ લેખકોના ઉત્તમ પુસ્તકોની સાથે વિવિધ કેટેગરીના પુસ્તકો-સાહિત્ય વાંચન માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આ શિબિરમાં ભાગ લેવા આવેલ વિદ્યાર્થીનીઓ ગુજરાતી ભાષા સાહિત્યના વિવિધ પ્રકારો, કાવ્યો, લેખો-વ્યાકરણની બહોળી સમજ પ્રાપ્ત કરી શકી અને પોતાના મૌલીક વિચારો અભિવ્યકત કરતી થઈ. એટલું જ નહી, પરંતુ આના કારણે અધ્યયનની વિવિધ નિષ્પતીઓ ૫૦ ટકા કરતાં વધારે સિધ્ધ થઈ શકી છે.
આ જ્ઞાનગોષ્ઠીમાં ભાગ લેવા આવેલ મૂળી તાલુકાના ગઢાદ કે.જી.બી.વી.ની વિદ્યાર્થીની જયા સાંબળએ તેની લાગણી વ્યકત કરતાં ઉત્સાહભેર જણાવ્યું હતું કે, આ પાંચ દિવસ દરમિયાન અમે ઘણું શિખ્યા. શિબિરમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમોની સાથે માતૃભાષાના ગૌરવને સમજાવતા માર્ગદર્શક વકતવ્યોના કારણે અમને ગુજરાતી ભાષા-વ્યાકરણનું જ્ઞાન મળ્યું છે. સાથો-સાથ ગુજરાતી ભાષા-સાહિત્યના કવિ-લેખકો અને તેમની કૃતિઓ પણ અમને જાણવા-સમજવા મળી. આવી શિબિરોનું સમયાંતરે આયોજન થાય તો અમારા જેવી અનેક બહેનોને ગુજરાતી ભાષાની વિસ્તૃત સમજણ મળી શકે. આવો જ વિચાર ચોટીલા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ચિરોડા કે.જી.બી.વી.ની શિબિરાર્થી એવી મનીષાએ વ્યકત કર્યો હતો. આ શિબિરમાં વૈચારિક ભોજનની સાથે અપાતા સ્વાદિષ્ટ ભોજન અને નિવાસની વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરી મનિષાએ શિબિરના માધ્યમથી સમુહ જીવનના પાઠ શિખવા મળ્યા હોવાનું વધુમાં જણાવ્યું હતું.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલ આ શૈક્ષણિક શિબિરનો ઉદ્દેશ સમજાવતા જિલ્લા કો. ઓર્ડીનેટરશ્રી જાગૃતિ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કે.જી.બી.વી.માં રહીને અભ્યાસ કરતી ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓ માતૃભાષાનું મહત્વ સમજે, ગુજરાતી સાહિત્યનો પરિચય મેળવે અને ધોરણ-૯ની અધ્યયન નિષ્પતી સિધ્ધ થાય તેવા અનેકવિધ ઉદ્દેશ સાથે જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાનું વ્યાકરણ, સાહિત્ય, લેખક પરિચય અંગે સારૂ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ વ્યાકરણ વિષયક, લેખક-કવિ વિષયક, પુસ્તક પ્રદર્શન વિભાગ જેવા દરેક વિભાગની મુલાકાત લઈ જૂથ કાર્ય કરતી થઈ હતી અને બીજી દિવસે જૂથ કાર્યમાં કરેલ પ્રવૃતિઓનું નિદર્શન પણ કરતી હતી. આમ, આ શિબિરથી ધોરણ-૯ની અધ્યયન નિષ્પતી સિદ્ધ કરવામાં અમને ૫૦ ટકાથી વધારે સફળતા મળી છે.
અંતમાં આ જ્ઞાન શિબિરના માધ્યમથી ‘‘જ્ઞાન‘‘ મેળવેલ વિદ્યાર્થીનીની લેખના પ્રારંભમાં રજુ કરવામાં આવેલ ઉકત કૃતિની અંતિમ બે પંક્તિ જે શિબિરની સાર્થકતા દર્શાવે છે.
‘‘જ્ઞાનગોષ્ઠિના આ અવસરમાં ચમકી જવાના,
ગુરૂજનોના હ્રદયમાં અમે જગ્યા કરી જવાના’’
– હેતલ દવે
– શિવરામ આલ