અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Spread the love

કલેક્ટર કચેરી, મોડાસા ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. કલેકટરશ્રીએ ઉપસ્થિતિ અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. ફરિયાદ અને સંકલનની આજની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં ભિલોડાના ધારાસભ્યશ્રી ડો.અનિલ જોષીયારાએ  વાંસળી પંચાયતના જુના સર્વે નંબરમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા, પ્લાન નોન પ્લાનના રસ્તાઓ પૂર્ણ કરવા, મેશ્વો ડેમથી શામળાજી ગામને જોડતો રસ્તો બનાવવો, રસ્તા વિહોણા છૂટા છવાયા ગામોમાં રસ્તાઓનું નિર્માણ કરવા તેમજ બોર્ડર વિલેજમાં ક્યા ગામનો સમાવેશ કરવામા આવ્યો અને ક્યા ગામની દરખાસ્ત કરવામાં આવી છે અને મેઘરજ તાલુકામાં એકલવ્ય મોડલ સ્કૂલ શરૂ કરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જ્યારે બાયડના ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલે વિધ્યાર્થીઓ માટે બસની સુવિધા શરૂ કરવા, જ્યોતિગ્રામ યોજના અંતર્ગત કેટલા પરિવારોને કનેક્શન અપાયા, નડિયાદ- કપડવંજથી અરવલ્લીને જોડતા રસ્તાનું સમારકામ, અરવલ્લીના વાહનચાલકોને લાયસન્સ માટે સાબરકાંઠા જિલ્લા સુધી લાંબા ન થવુ પડે તે માટે ટેસ્ટ ટ્રેક બનાવવાની રજૂઆત આ ઉપરાંત માલપુરમાં  સામાન્ય પ્રવાહ કોલેજ તેમજ વિજ્ઞાન પ્રવાહની શાળાની મંજૂરી આપવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા અને મોડાસાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે નવિન બસ સ્ટેશનની કામગીરી તેમજ ગેરકાયદે ઈટવાળા બંધ કરવા અંગે રજૂઆત કરી  હતી જેને સત્વરે નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં સફાઈ કામદારોની સલામતી, વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, સિંચાઇ, આરોગ્ય, અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની કામગીરી, દબાણ-ટ્રાફિક  સહિત બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી અને આ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. સંકલન બેઠકમાં સરકારી લેણાની વસુલાત, પેન્શન કોલ નિકાલ, કર્મચારીઓનું નિરીક્ષણ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયૂર પાટીલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. જે. વલવી, આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભી, પ્રાંત અધિકારીશ્રી સહિતના સંકલન અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : મહેન્દ્ર પ્રસાદ (મોડાસા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!