નર્મદા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાઇ જિલ્લા સંકલન-હ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક

- જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સહિત લોકોની સુખાકારી માટે કરાતી રજૂઆતોના વાજબી, ઝડપી અને સમયસર ઉકેલ થકી જનસમુહને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવા કોઠારીનો અનુરોધ
નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સહિત લોકોની સુખાકારી માટે કરાતી અન્ય રજૂઆતોનો વાજબી, ઝડપી અને સમયસર ઉકેલ લાવવા અને પ્રજાજનોના જનસમુહને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવી પ્રજા કલ્યાણની બાબતો સંદર્ભે ઘનિષ્ડ અને અસરકારક અમલીકરણ થકી જે તે કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવા “ટીમ નર્મદા”ને ખાસ અનુરોધ કર્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૅા. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડીંડોર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર અને પ્રતિક પંડયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વિવિધ સરકારી વિભાગોની ૪૫ જેટલી કામગીરી સંદર્ભે CM- ડેશ બોર્ડના માધ્યમથી રોજબરોજ જે તે જિલ્લાની કામગીરીની કરાતી સમીક્ષા અને તેના દ્વારા જિલ્લાને અપાતી રેન્કીંગ પધ્ધતિની મહત્તા સમજાવતા જણાવ્યું હતુ કે, જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા થતી કામગીરીની રોજેરોજની નિયમિત અને સમયસરની ડેટા એન્ટ્રી કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે જિલ્લાની સંબંધિત તમામ કચેરીઓએ આ બાબતની રોજેરોજની નિયમિત મોનીટરીંગ પધ્ધતિ અપનાવાય તે જોવાની તેમણે ખાસ સુચના આપી હતી.
જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ વધુમાં જણાવ્યું હતુ કે, CM-ડેશબોર્ડના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયના તમામ જિલ્લાની કામગીરીની કરાતી સમીક્ષામાં જે તે બાબત કે રજુઆતોનો સમય મર્યાદામાં નિકાલ કરવો જરૂરી છે જ, પરંતુ જે તે કામની નિયત સમયમર્યાદા પહેલાં જેટલો વહેલો અને ઝડપથી નિકાલ થાય તે બાબત પણ જે તે જિલ્લાને અપાતા રેન્કીંગમાં લક્ષમાં લેવાતું હોય છે અને આ બાબતની પણ જે તે વિભાગ દ્વારા રાજયકક્ષાએ મોનીટરીંગ અને સમીક્ષા થતી હોય છે, ત્યારે જે તે કામગીરી સમયમર્યાદા પહેલાં શકય તેટલી વહેલી અને ઝડપી પૂર્ણ કરી તેમાં નર્મદા જિલ્લો દરેક ક્ષેત્રમાં બેન્ચમાર્ક હાંસીલ કરે તેવા પ્રયાસો આદરવા પણ તમેણે ખાસ અનુરોધ કર્યો હતો.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા દ્વારા રજૂ થયેલાં એસ.ટી. સેવાના પ્રશ્નના નિકાલ સંદર્ભે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માર્ગ અને મકાન વિભાગ અને એસ.ટી.ના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે જે તે સ્થળની રૂબરૂ મુલાકાત લઇને તેનો હકારાત્મક નિકાલ લાવવાની સંબંધિત અમલીકરણ અધિકારીઓને કોઠારીએ સુચના આપી હતી.
આ બેઠકમાં દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામો માટેની પાણી પુરવઠા યોજનાના અમલીકરણ બાબતની થયેલી રજૂઆત સંદર્ભે આ યોજનાનું સીવીલ કામ પૂર્ણ થયેલ છે અને હાલ ટ્રાયલ રનમાં પાણી પુરવઠો કેટલાંક ગામોમાં અપાઇ રહયો છે અને જાન્યુઆરી-૨૦૨૦ ના અંત સુધીમાં તમામ લક્ષીત ગામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ જશે તેવી જાણકારી અપાઇ હતી. બેઠકમાં જિલ્લાના જરૂરીયાતવાળા વિસ્તારના નરેગા યોજનાના લાભાર્થીઓને જરૂર જણાય ત્યાં રોજગારી ઉપલબ્ધ કરાવવા માટેના નરેગા હેઠળનાં કામો હાથ ધરવા પણ કોઠારીએ સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો વચ્ચેના જે તે પ્રશ્નો અંગે પણ ચર્ચા-વિચારણા કરીને તેના યોગ્ય ઉકેલના સંકલન માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડયુ હતું.
આ બેઠકમાં સરકારી બાકી લ્હેણાંની વસુલાત ઝુંબેશના રૂપમાં હાથ ધરવા, નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી,પ્રોવિડન્ટ ફંડ, સરકારી વિમાની રકમ, પ્રવરતા યાદી, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, નાગરિક અધિકાર હેઠળની કામગીરી, બાકી તુમારોનો નિકાલ વગેરે જેવી બાબતોની સમીક્ષા કરી તેનો સમયસર યોગ્ય નિકાલ થાય તે જોવાની પણ કોઠારીએ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા