મોરબીના રામ મહેલ મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી : મોરબીમાં દરબાર ગઢ ખાતે આવેલા રામ મહેલ મંદિરમાં આગામી તા. 25થી 27 જાન્યુઆરી સુધી પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આશરે 250 વર્ષ પૂર્વે મોરબીના રાજવી પરિવાર દ્વારા સ્થપાયેલ દરબાર ગઢ ખાતે આવેલા રામ મહેલ મંદિરનું ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ નિગમ બોર્ડ ગાંધીનગર દ્વારા જીર્ણોદ્ધાર પામેલા નૂતન મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રામ પરિવાર, રાધાકૃષ્ણ દેવ, મહાલક્ષ્મી માતાજી, શેષ શૈયા ભગવાન લક્ષમીનારાયણ, પંચમુખી મહાદેવ, હનુમાન મહારાજ તથા ગણેશજીની ભવ્ય મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે મોરબી નિવાસી વિપુલભાઈ શાસ્ત્રી બિરાજશે.
પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા. 25ના રોજ સવારે 8-15 કલાકે યજ્ઞ પ્રારંભ થશે તેમજ રાતે 8-30 કલાકે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા. 26ના રોજ સાંજે 4 કલાકે દેવશુદ્ધિ અને જળયાત્રાની વિધિ કરવામાં આવશે. સાંજે 6 કલાકે શોભાયાત્રાનું આગમન થશે. તેમજ રાત્રે 9-30 કલાકે 9-30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, તા. 27ના રોજ સવારે 7-30 કલાકેથી વિવિધ વિધિ શરુ થશે. બપોરે 12થી 12-45 કલાક સુધી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. બપોરે 3-15 કલાકે પ્રતિષ્ઠા મહાયજ્ઞમાં બીડું હોમી યજ્ઞની પુર્ણાહુતિ થશે. તેમજ સાંજે 4 કલાકે ધર્મસભા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રામ મહેલ મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરના મહંત હિરાદાસજી નિમાવત, છગનદાસજી નિમાવત, રાજેન્દ્રદાસજી નિમાવત તથા લઘુ મહંત ધર્મેન્દ્રજી મહારાજ (કથાકાર સુખરામ બાપુ)ના સાનિધ્યમાં ઉજવાશે. મહોત્સવના અતિથિ વિશેષ તરીકે મોરબી સ્ટેટના મહારાણી એચ. એચ. વિજય કુંવરબા રાજમાતા ઉપસ્થિત રહી શોભાવૃદ્ધિ કરશે. તેમજ કાંતિલાલ અમૃતિયા, રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓ તથા અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ અવસરે રામ મહેલ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી