ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો હજુ પણ સબસીડીથી વંચિત…!

ગુજરાત સરકાર દ્વારા બટાકા પર જાહેર કરવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સબસીડી ન મળતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. વર્ષ 2017માં બટાકાનું મબલખ ઉત્પાદન થતાં બટાકાનો સ્ટોક ખાલી કરવા માટે કિલોએ એક રૂપિયાની ટ્રાન્સપોર્ટ સબસીડી જાહેર કરી હતી જે હજુ સુધી ન મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો. ગુજરાતમાં બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને તેનું ઉત્પાદન પણ મબલખ હોય છે. ત્રણ વર્ષ અગાઉ રાજ્યમાં બટેટાનું મબલખ ઉત્પાદન થતાં ભાવ તળીયે આવી ગયા હતા અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારે જો ખેડૂતો બટાકા રોડ ટ્રાન્સપોર્ટથી કરશે તો ૭૫૦ પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે દ્વારા કરશે તો ૧૧૫૦ પ્રતિ મેટ્રીક ટન તથા દેશ બહાર નિકાસ કરવામાં આવે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને વધુમાં વધુ ૧૦ લાખની મર્યાદામાં પ્રતિ ખેડુત દીઠ સહાય આપવાની જાહેરાત કરી હતી. નવાઇ લાગશે કે હજુ ત્રીસ ટકા કરતાં વધારે ખેડૂતોને સહાય ચુકવાઇ નથી સરકારના કહેવા પ્રમાણે ફંડ ન હોવાથી સબસીડી ચુકવાઇ નથી. પહેલી વારની સબસીડી મળી ન હતી અને બીજી સીઝનમાં પણ બટાકાનું ઉત્પાદન વધારે થતાં સરકારે બટાકાનું સ્ટોરેજ કરવા માટે સબીસીડીની જાહેરાત કરી હતી.
બટાકાના પ્રતિ કટ્ટે ૫૦ રૃપિયાની સબસીડી જાહેર કરી હતી જે પ્રમાણે એક ખેડુત દીઠ ૬૦૦ કટૃાની મર્યાદા પ્રમાણે વધુમાં વધુ ૩૦ હજાર રૃપિયાની સબસીડી જાહેર કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સબસીડીની ચુકવણી કરવામાં ન આવતા ખેડુતોની હાલત કફોડી થઇ છે. રાજ્યના બનાસકાંઠા,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી ખેડા અને આણંદના લાખો ખેડૂતોએ સબસીડી માટે અરજી કરી હતી જેમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોને સબસીડી મળી હતી બાકીના ખેડૂતો આજે પણ ચાતક નજરે સબસીડીની રાહ જોઇ રહ્યા છે. કોલ઼્ડસ્ટોરેજ એસોશીએશનના ખજાનચીના કહેવા પ્રમાણે ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળીને કોલ્ડસ્ટોરેજના એસોશીએશનના હોદ્દેદારોએ સરકારમાં રજુઆત કરી હતી.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)