ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, તમામનો થયો આબાદ બચાવ

ગાંધીનગરમાં ભેખડ ધસી પડવાને કારણે પાંચ મજૂરો દટાઈ ગયા હતા. પણ જો કે તાત્કાલિક તેમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગાંધીનગરના કોબા વિસ્તારમાં કે. રહેજા સાઈટ પર ગુડાની ગટર લાઇન નાખવાની કામગીરી ચાલતી હતી. તે સમયે ભેખડ ધસી પડવાને કારણે પાંચ મજૂરો દટાયા હતાં. જેમાંથી પહેલાં ચાર મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. જ્યારે પાંચમા મજૂરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અને લગભગ એક કલાક બાદ તે મજૂરને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લે બહાર કઢાયેલ મજૂરને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આ દુર્ઘટનામાં ભરતભાઇ માજી રાણા (18 વર્ષ), રાજુભાઇ મેડા (20 વર્ષ), બહાદુર બાડીયા (21 વર્ષ), પુનીયાભાઇ મેઠા (20 વર્ષ), મુકેશભાઇ (20 વર્ષ) ભેખડ ધસી પડતા દટાયા હતાં.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરમાં 10 દિવસ પહેલાં જ ભેખડ ધસી પડવાને કારણે 4 મજૂરોનાં મોત નિપજ્યા હતા. ગાંધીનગર નજીક આવેલા કુડાસણની પ્રમુખ ઓર્બીટ બાંધકામ સાઇટમાં આજે ત્રણ સર્વેયર અને એક એન્જીનીયર ભોંયરાના પ્લાન અંગે સર્વે કરી રહ્યા હતા ત્યારે તેઓ જેના ઉપર ઉભા હતા તે ભેખડ એકાએક ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં તમામ ચારેય દટાઇ ગયા હતા.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)