વિખુટા પડી ગયેલાનું પોતાના પરિવાર સાથે મિલન કરાવતી જૂનાગઢ જિલ્લા પોલીસ
લીંબડી જી. સુરેન્દ્રનગર ખાતે રહેતા પ્રતિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા નામનો યુવાન મગજમાં ધાર્મિકતાની ધૂન લાગતા, સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા સાથે માનસિક અસરના કારણે પોતાનું ઘર છોડી, નીકળી ગયેલ હતો. તેના પરિવારજનો ખૂબ જ ચિંતામાં પડી ગયા હતા. વળી, પોતે એક બે દિવસમાં કોઈપણ સમયે પરિવારજનો સાથે મોબાઈલ ફોનથી વાત પણ કરતો હોય, સમયાંતરે પરિવારજનોને તે સુરત સ્વામિનારાયણ મંદિર, વિવિધ આશ્રમ ખાતે હોવાની વિગત જાણવા મળતી હતી. પરંતુ ત્યાં તપાસમાં જાય તો, યુવાન ત્યાંથી નીકળી જતો હતો. ગઈકાલે આ યુવાન ભવનાથ તળેટીમાં હોવાની માહિતી તેના પરિવારજનોને મળેલ હતી.
લીંબડી ખાતેથી ગુમ થયેલ યુવાનના પરિવારજનો જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ઓળખતા હોઈ, તેઓનો સંપર્ક કરી, વિગતો આપવામાં આવેલ હતી. ભવનાથ પોલીસ દ્વારા ગુમ થયેલ યુવાનની ફોટા સાથેની વિગત વોટ્સએપ દ્વારા વિવિધ ગ્રુપમાં મુકેલ હતી. તળેટીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફના હે.કો. ભીમાભાઇ, યુસુફભાઈ, જીતેન્દ્રસિંહ, રામદેભાઈ પો.કો. સાહિલભાઈ, સહિતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સ આધારે માહિતી મેળવી, પરિવારજનો સાથે મદદમાં રહી, ગૃહત્યાગ કરીને ગુમ થયેલ યુવાન પ્રતિપાલસિંહ ઝાલાને ભવનાથ તળેટીના લંબે હનુમાન મંદિર ખાતેથી શોધી કાઢવામાં આવેલ હતો. જે છલ્લા બે દિવસથી આ મંદિરમાં સેવાપૂજા કરવા આવેલ હોવાનું જાણવા મળેલ હતું.
મળી આવેલ યુવાન પરિવારજનોને મળી આવતા, તેઓને સોંપવામાં આવેલ હતો. માનસિક અસરગ્રસ્ત યુવાન પોતાના પરિવારના સભ્યોને મળતા, લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મળી આવેલ યુવાનના સ્વજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલાને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા