ખોવાયેલ દાગીના પરત કરી માણસાઈના દિવા પ્રગટ કરતો માંગરોળ તાલુકાનો બનાવ

ભારત દેશ સભ્યતા,સંસ્કૃતિ,સમાનતા,બંધુતા,સર્વધર્મ સમભાવ,કોમી એકતા અને ભાઈચારાનો દેશ છે. સાંપ્રત સમયમાં આજે આવા મુલ્યો કોઈને કોઈ કારણોને લીધે માણસમાંથી ઘટતા જાય છે,આ માટે રોજ બરોજ ઘણા નબળા કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે તેમ છતાં પણ આજે એવા પણ લોકો છે જે ઉપરોક્ત મૂલ્યોને ઉજાગર કરી અને માણસાઈના દિવા ભીતરમાં પ્રગટાવી રહ્યા છે.
વાત એમ છે કે માંગરોળ તાલુકાના આરેણા ગામમાં રહેતા અશ્વિનભાઈ કાનાભાઈ રામ સામાન્ય કુટુંબમાં રહે છે.તેના ઘરના બન્ને બહેનો કુટુંબમાં લગ્ન હોય આથી ખરીદી કરવા માંગરોળ ગયેલ જેઓએ તા.૦૬.૦૧.૨૦૨૦ના રોજ સોનાના દાગીના તેમજ જરુરી વસ્તુની ખરીદી કરેલ ઘરે પરત ફરતા જોયુ કે સોનાના દાગીનાની થેલી નથી આ માટે તેમણે માંગરોળ તપાસ કરી ઘણી મહેનત પછી પણ સફળતા ન મળી.આપણા નસીબમાં નહિ હોય તેમ માની કઠણ મને વાતને ભુલી ગયા.
આ વાત ઉપર ૧ મહિનાનો સમય પસાર થઈ ગયો કહેવાય છે કે નિતિની કમાઈ ક્યારેય વ્યર્થ જતી નથી એ મુજબ આ ખોવાયેલ બેગ શેખપુર ગામના મુસ્લિમ ભાઈ કાસમભાઈ જુણેજાને મળી તે ભાઈ કુવા ખોદવાનુ કામ કરે છે ઘરની પરિસ્થિતી ગરીબ છે.સ્વાભાવિક છે કે પૈસાની હાડમારી તો રહેતી જ હોય છે એમા આવી કિંમતી વસ્તુ મળે તો સોનામાં સુગંધ ભળી જાય.પરંતુ લાલચમાં પડે તેવા વ્યક્તિ ન હતા.ગરીબાઈ હતી પરંતુ સંસ્કાર ઉજળા હતા.આથી તેમણે આ દાગીના પરત કરવાનો નિર્ણય કર્યો.મુળ માલિક સુધી પહોંચવા માટે તેમણે પણ ઘણી મહેનત કરી.
દાગીનામાં આપેલ સરનામા મુજબ સોનીની દુકાને જઈ તેમને પણ વાત કરી અંતે એક રબારી ભાઈના સહકારથી એક મહિના પછી અશ્વિનભાઈને તેમના દાગીન પરત મળ્યા.રબારી ભાઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં ગુજરાન ચલાવે છે.બન્ને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો.
સારઃ-
(૧) નિતિથી કમાયેલુ ફોગટ જતુ નથી.
(૨) હિંદુ-મુસ્લિમ જેવા કોમવાદને દુર કરી એકતાનો કિસ્સો.
(૩) વ્યક્તિ પૈસાથી ગરીબ હોય છે,સંસ્કારથી નહિ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)