રાજકોટ શહેર નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા ત્રિરંગા યાત્રા રેલી

૧૧ રાષ્ટ્રીય એકતા સમિતિ રાજકોટના ઉપક્રમે આગામી તારીખ.૧૩ ફેબ્રુઆરીના રોજ નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા ત્રિરંગા યાત્રા રેલી સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંબોધન કરતા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રીજયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રમોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહે દેશ હિતમાં નાગરિકતા સંશોધનનો કાયદો લોકસભામાં બહુમતીથી પસાર કરાવ્યો છે. ગુજરાત વિધાનસભામાં પણ આ કાયદાને સમર્થન આપવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં આ કાયદાને વ્યાપક સમર્થન મળી રહેલ છે. ત્યારે કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો દેશની એકતા તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. દેશ હિત અને રાષ્ટ્ર ભાવના માટે નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપવું જોઈએ. તારીખ ૧૩ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર ત્રિરંગા યાત્રામાં રાજકોટ શહેર-જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ભાગ લેવા આવનાર છે. લોકોમાં આ રેલીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રિરંગા રેલી રાજકોટ શહેરના ઇતિહાસમાં એક ભવ્ય રેલી બની રહેનાર છે. રાષ્ટ્રહિત અને રાષ્ટ્રભાવનાની વાત આવે ત્યારે રાજકોટ હંમેશા અગ્રેસર રહ્યું છે.
ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ત્રિરંગા યાત્રા રેલીમાં ૩૫ હજાર કરતા વધુ લોકો સ્વયંભૂ જોડાવવાના છે. જો કે જે રીતે નાગરિકો આ રેલીને લઈને ઉત્સાહ દર્શાવી રહ્યા છે. એ જોતાં આ આંકડો ૫૦ હજાર સુધી પહોંચી શકે છે. દેશહિત માટે અને રાષ્ટ્ર પ્રતિ સમર્પણભાવ વ્યક્ત કરવા માટે યોજાઈ રહેલી આ રેલી બિન રાજકીય છે. આ રેલીને સમર્થન આપવા માટે રાજકોટ શહેર જિલ્લાના તમામ વેપારી મંડળો, સ્વૈચ્છીક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર-વેરાવળ, મેટોડા, આજી જીઆઇડીસીના ઉધોગપતિઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ધૂન મંડળો, સાર્વજનિક ગણેશ મંડળના સંચાલકો સહિત તમામ જ્ઞાતિગત મંડળોએ આ ત્રિરંગા યાત્રામાં જોડાવવા અતિ ઉત્સાહ દર્શાવ્યો છે.
તારીખ ૧૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને તેઓના વરદ હસ્તે ફ્લેગઓફ કરીને આ યાત્રાનો પ્રારંભ થશે. આ પહેલા મુખ્યમંત્રી ઉપસ્થિત નાગરિકોને ટૂંકું સંબોધન કરશે. યાત્રાની શરૂઆત સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવનના ચોક ખાતેથી શરૂ થશે. જે શહેરના જિલ્લા પંચાયત ચોંક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, માલવીયા ચોંક, ત્રિકોણબાગ થઈ જ્યુબિલી ચોક સ્થિત ગાંધી પ્રતિમાએ આ રેલીનું સમાપન થશે. સમગ્ર રૂટ દરમ્યાન 40 સ્થળોએ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર છે. રેલીના પ્રારંભે ઘોડેસવારો રહેશે.
ત્યાર બાદ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા દેશ ભક્તિના ગીતોની સુરાવલી વહાવતું બેન્ડ રહેશે. ત્યાર બાદ ક્રમશઃ બહેનો-યુવતીઓ, વિવિધ વેપારી એસોશિએશનો, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, યુનિ.ના તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો ઉપસ્થિત રહેશે. ઠેર ઠેર આઈ સ્પોર્ટ સીએએના નારાઓથી સમગ્ર રૂટ ગુંજતો રહેશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોમાંથી રાજકોટ આવીને વસેલા આશરે ૪૦૦ શરણાર્થી લોકો આ રેલીમાં ખાસ જોડાનાર છે. જેઓને ટૂંક સમયમાં સીએએના કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, વેરાવળ, શાપર ઔધોગિક એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડૉ.વિજયભાઈ દેશાણી, ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સના ધનસુખભાઈ વોરા, ડૉ.ચેતન લાલસેતા, હસુભાઈ ચંદરાણા, અજયભાઈ પટેલ, હરેશભાઇ જોશી, તેજશભાઈ ગોરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)