સતલાસણાના નવા ફતેહપુરા (ગઢ) પ્રા. શાળાના બે શિક્ષકો સસ્પેન્ડ કરાયા

મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકા ગણાતા સતલાસણામાં આવેલા નવા ફતેહપુરા (ગઢ) ગામમાં મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા કાર્યરત છે. આ શાળામાં બે શિક્ષકો ખેંગારજી ઠાકોર અને ભરત પટેલ ફરજ બજાવે છે. જોકે નવા ફતેહપુરાની પ્રાથમિક શાળામાં ભણતા ગામના બાળકોના ભવિષ્ય સાથે છેલ્લા ઘણા વર્ષોતી જાણે ચેડાં કરવામાં આવી રહ્યા હોય તેવો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલે નવા ફતેહપુરા (ગઢ) પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારે ચોંકાવનારી
હકીકત સામે આવી હતી. આ શાળામાં કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવનાર ખેંગારજી ઠાકોર પોતાની જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવાના કામ માટે એક સ્થાનિક બેરોજગાર યુવાનને માસિક રૃ.૫૦૦૦નો પગાર આપીને શાળામાં મોકલતો હોવાનું ખુલ્યું છે. જ્યારે બીજો શિક્ષક ભરત પટેલ પણ છેલ્લા ત્રણેક વર્ષથી ખૂબ જ અનિયમિત હતો. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ નવા ફતેહપુરા (ગઢ)ની પ્રાથમિક શાળાના બન્ને શિક્ષકોને ફરજ પ્રત્યેની બેદરકારી તેમજ અનિયમિતતાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે.