ટ્રુથ ડેર ગેમમાં યુવતીઓએ બે અજાણી યુવતીને ફોન નંબર આપવાનો ટાસ્ક લીધો અને માથાકૂટ થઇ

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર બાલભવનના ગેટ પાસે શુક્રવારે સાંજે ૪ વાગ્યે ૧૫ અને ૧૮ વર્ષની બે સહેલીઓ બેઠી હતી. તે વખતે ૨૦ વર્ષની બે અજાણી યુવતી તેની પાસે આવી હતી અને બંને યુવતીઓએ એ બંને સહેલીઓને એક ચીઠ્ઠી આપી હતી. જેમાં બે યુવકોના મોબાઇલ નંબર અને ઇન્સ્ટાગ્રામના એડ્રેસ લખ્યા હતા. બંને યુવતીઓએ એ બંને સહેલીઓને કહ્યું હતું. આ ચીઠ્ઠીમાં અમારા બોયફ્રેન્ડના નંબર છે. તમે બંને એ નંબર પર ફોન કરો અને તેની સાથે તમારે ફ્રેન્ડશિપ કરવાની રહેશે. બંને સહેલીઓએ એ વાતનો ઇનકાર કર્યો હતો. તે વખતે જ ત્રણથી ચાર યુવકો ત્યાં નજીક આવ્યા હતા અને ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા હતા.
મોબાઇલ નંબર અને ઇન્સ્ટાગ્રામના એડ્રેસ સહિતની ચિઠ્ઠી લઇને આવેલી બંને યુવતીઓ યુવકો સાથે ફ્રેન્ડશિપ કરવા દબાણ કરી રહી હતી. અને તેના બોયફ્રેન્ડ તેને આ માટે ઉશ્કેરી રહ્યા હતા. આ સ્થિતિ જોઇ ૧૫ અને ૧૮ વર્ષની ઉંમરની બંને સહેલીઓની હાલત કફોડી બની હતી. અને બંને ગભરાઇ ગઇ હતી. તે વખતે એક જાગૃત નાગરિક ત્યાંથી પસાર થયા હતા. અને સ્થિતિ પામી ગયા હતા. તેમણે કોઇને કહ્યા વગર ૧૮૧ અભયમને ફોન કરી દીધો હતો. પાંચ જ મિનિટમાં ૧૮૧ના કાઉન્સેલર કોમલબેન પરમાર પાઇલટ સુનિલ સેઠિયા અને મહિલા કોન્સ્ટેબલ કીંજલબેન ચૌહાણ ત્યાં પહોંચી ગયા હતા.
૧૮૧નું પોલીસવાન જોતા જ યુવકો બાઇક પર નાસી ગયા હતા. પરંતુ એ બંને યુવતીઓ ઝડપાઇ ગઇ હતી. ૧૮૧ના સ્ટાફે બંને યુવતીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ તેના બોયફ્રેન્ડ સાથે ફરવા આવી હતી. અને ટ્રુથ ઓર ડેર ગેમ રમતી હતી. જેના ભાગરૂપે તેના મિત્રોએ ઉપરોક્ત બંને સહેલીઓને મોબાઇલ નંબર આપવા તેમજ ફ્રેન્ડશિપ કરાવવાનો ટાસ્ક આપતા પોતે ચિઠ્ઠી આપવા આવી હતી. પોલીસે યુવતીઓ પાસેથી મોબાઇલ નંબર મેળવી નાસી છુટેલા યુવકોને ફોન કરીને બોલાવ્યા હતા. અને એ તમામની જાહેરમાં સરભરા કરતા સ્થિતિનું ભાન થયું હતું. એ તમામ લોકોએ અંતે બંને સહેલીઓની માફી માગી આવું ક્યારેય નહી કરવાની ખાતરી આપતા પોલીસે તેને જવા દીધા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)