દારૂબંધીના વિવાદથી સમગ્ર ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવના આદેશ છૂટતા બુટલેગરોમાં ડરનો માહોલ…!

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની પાર્ટીઓ સહિતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેના કારણે ગુજરાત દારૂબંધીના વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીને લઈને હવે દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. તેના કારણે રાજ્યમાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. રાજ્યના તમામ જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપ્યો છે. જેના કારણે દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ડરનો માહોલ ઉભો થયો છે.
રાજ્યમાં દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કરતા અફડા તફડીનો માહોલ બનેલો છે. રાજ્યના પોલીસ વડાએ દારૂ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ કર્યો છે. જેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 2 માર્ચથી 17 માર્ચ સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવાની સૂચના પોલીસને મળી છે. તેના માટે તમામ જીલ્લા વડા અને રેન્જ આઈજીએ આદેશ જાહેર કરી દીધા છે. એટલું જ નહીં, પોલીસ કમિશનર અને સ્ટેટ મોનિટરીંગ સેલને પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દારૂબંધીની ધજ્જીયા ઉડાવતા વીડિયો જોઈને લોકોના મનમાં એક સવાલ ઉદ્દભવતો હતો કે, ગુજરાતમાં એવી તો કેવી દારુબંધી? રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહીં પીવાય છે, વેચાય છે. શું આ ઘટના પાછળ જવાબદાર કોણ? શું બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર? કે પછી મોટા માથાઓની રહેમ નજરે બુટલેગરોનો દારૂનો ધંધો જબરદસ્ત વિકસિત થયો છે? આ તમામ સવાલોના કારણે રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદ થયો છે અને તેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડાએ દારૂ અંગે સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ આપી દીધા છે.
સોમવારે પણ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં દારૂની રેલમછેલને લઈને સવાલો થયા હતા. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ રેલમછેલ હોવાની વાત સામે આવી હતી. કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં 64932 લીટર દેશી દારૂ ઝડપાયો હોવાની વાત સામે આવી હતી, જ્યારે 446335 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હોવાનો ખુલાસો થયો હતો. તેમાં 27569 બિયરની બોટલો પણ જપ્ત કરાઈ છે. વિધાનસભા ગૃહમાં સરકારે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં અધધ કહી શકાય એટલો દારૂનો જથ્થો ઠલવાયો છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)