મહેસાણા ખેતીવાડી સમિતિ તેમજ ખેત વેપાર સાથે સંલ્ગન ભારે વાહનોને મુક્તિ અપાઇ
- શહેરમાં ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું
મહેસાણા શહેરનો દિન-પ્રતિદિન વિકાસ થઇ રહેલ છે અને શહેરની અંદરનો વિસ્તાર જુની બાંધણીનો છે,વાહન પાર્કિંગની જગ્યાઓનો અભાવ છે.દિન પ્રતિદિન ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને એલ.એમ.વી વાહનોની સંખ્યામાં વધારો થઇ રહેલ છે. શહેરમાં વિવિધ શાળા-કોલેજો, મોટી હોસ્પિટલો,સરકારી કચેરીઓ,માર્કેટયાર્ડ,મોલ શોપિંગ સેન્ટર અને બજારો આવેલા છે. જેના કારણે શહેરી વિસ્તારમાં માણસોની કાયમી મોટી સંખ્યામાં અવર જવર તથા ભીડ રહે છે. તેમજ મોટા વાહનો શહેરી વિસ્તારમાંથી પસાર થવાના કારણે વાહનોના ઘોંઘાટથી અવાજનું પ્રદુષણ તથા વાહનોમાંથી નીકળતા ધુમાડા હવાનું પ્રદુષણ થાય છે. તે શેહરીજનોના આરોગ્યને નુંકશાનકર્તા છે.
શહેરી વિસ્તારમાંથી પસાર થતા હાઇવેની બંન્ને સાઇડે કોર્મશિયલ બિલ્ડીંગો તથા નજીકમાં રહેણાંક સોસાયટીઓ આવેલ છે. જેના કારણે શહેરની ટ્રાફિક સમસ્યામાં વધારો થયેલ છે. જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાના આરોગ્યને થાય છે. જે ધ્યાને લેતાં ટ્રાફિકની સરળતા સારૂ તેમજ પ્રજાના આરોગ્યને લક્ષમાં લઇને વ્યવસ્થા સારૂ જાહેરનામું બહાર પાડેલ છે.જેમાં મહેસાણા શહેરમાં પસાર થતા ભારે વાહનો જેવા કે ટ્રક,ટ્રર્બો,ડમ્પર,ટ્રેલર વિગેરે પસાર ન થાય તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ડાયવર્ઝન આપેલે હતુ જે અમલમા છે.
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણાએ ખેડુતોના હિત માટે કામ કરતી સ્વાયત સંસ્થા છે.જે દ્વારા ખેડુતોએ ઉત્પન કરેલ ખેત પેદાશોના વ્યાજબી ભાવ મળી રહે તે માટે વેચાણ અર્થે માર્કેટયાર્ડમાં લાવવા જરૂરી છે તથા એ.પી.એમ.સીમાં હરાજી થયેલી અને વ્યપારીઓ દ્વારા ખરીદ કરાયેલ ખેતપેદાશો અનાજ,શાકભાજી અને ફળ ફળાદીનો માલ સમયસર નિકાસ કરવો જરૂરી જણાય છે. જે માટે ટ્રાફિકની અવર-જવરમાં મુશ્કેલી પડે નહિ તે હેતુસર ગુજરાત પોલીસ (સને ૧૯૫૧ના ૨૨ મા) અધિનિયમ કલમ ૩૩ (૧)(બી) થી મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પા઼ડેલ છે.
આ જાહેરનામામાં સુધારો કરીને જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.પટેલે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણામાં ખેતપેદાશો લઇ, અનાજ, શાકભાજી અને ફળ ફળાદી માર્કેટમાં વેચાણ અર્થે આવતા ખેડુતોના ભારે વાહનો તેમજ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણાના વ્યપારીઓ તરફથી ખરીદાયેલ ખેતપેદાશો અનાજ,શાકભાજી અને ફળ ફળાદીના માલના નિકાસ સારૂ શહેરની બહાર જતા ભારે વાહનોને મહેસાણા શહેરમાં પ્રવેશવા તથા શહેર જવાની પરવાનગી આપેલ છે.જે અંગેની જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સંબધિત વિભાગોને જાણ કરી દેવાઇ છે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.