સોદાગર વાયરસની સામે કોરોનાની શી વિસાત….? કલમકારો ખડે પગે…..!!

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. વિશ્વના 116 દેશોમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6 હજાર ઉપરાંત લોકોના મૃત્યુ થયા છે ચીનમાં દોઢ લાખ ઉપરાંત લોકો કોરોનાની ઝપટમાં છે. અત્યાર સુધીમાં 3192 ના મોત થયા છે. જ્યારે ભારતમાં કુલ ૧૧૨ કોરોનાના નોંધાયા છે અને 3 મૃત્યુ નોંધાયા છે. ભારત સરકારે કોરોના વાઈરસને લઈને દેશની તમામ સરહદો સીલ કરી દીધી છે, તો હવાઈ પ્રવાસ પર પાબંદી ફરમાવી દીધી છે. દેશભરમાં શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશો આપવા સાથે ભીડ થાય તેવા તમામ કાર્યક્રમો ઉપરાત મોલ વગેરે બંધ રાખવા આદેશો આપી દીધા છે.
સરકારે પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્ કરી રહ્યા છે. કોરાના વાઇરસનો ગંભીર ખતરો હોવાથી મોદી સરકારે દેશભરમાં વિવિધ પગલાં લેવા સાથે વિવિધ રાજ્યોની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટેના તમામ મેડિકલ સુવિધા સાથેના વોર્ડો ઉભા કરાવી દીધા છે… ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ડિરેક્ટર જનરલ ભાર્ગવે કોરોના વાયરસ બાબતે ગંભીર ચેતવણી પણ આપી છે. તેમના કહ્યા અનુસાર આ વાયરસનો ખતરો દેશભરમાં બીજા સ્ટેજમાં પહોંચી ગયો છે. ત્યારે ઠોસ પગલાં લેવા અતિ જરૂરી છે… નહીં તો ત્રીજા સ્ટેજમાં પહોચતા વ્યાપક રીતે અનેક વિસ્તારોમાં ફરી વળે અને ચોથા સ્ટેજમાં પહોંચી જાય તો કાબૂમાં લેવામાં ભારે તકલીફ પડે છે.
પરિણામે ચીન, ઈટાલી, ઈરાન જેવી સ્થિતિ બની શકે છે. ભારતમાં આજની સ્થિતિએ મોટાપાયે કોરાના ફેલાયો નથી. પરંતુ બહારના દેશોમાંથી આવનારા ઉપર નજર રાખવી પડશે. ત્યારે કોરોના વાઇરસ વિશ્વવ્યાપી હોય આપણા વડાપ્રધાનશ્રી મોદીજીએ પણ આ વાઇરસ થી બચવા માટે સાર્ક દેશોની જાગૃતિ માટે ઝંપલાવી દીધું છે અને સાર્ક દેશોના વડાઓને વીડિયો કોન્ફરન્સથી એક થવા સાથે કોરોનાનો સામનો કરવા તથા ઇમરજન્સી ફંડની પણ રચના શરૂ કરાવી તેની પ્રશંસા થઈ રહી છે. આ કારણે મોદીજી કદાચ વિશ્વ વ્યાપી પથ દર્શક બની શકે…..!!
આ સાથે એ નોંધવું જરૂરી છે કે દેશભરમાં કલમબાજો એટલેકે પત્રકારોનું એકમાત્ર જગત એવું છે કે જેઓ કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત આપત્તિ હોય કે ગમ્મે તેવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે અને દુનિયાને તેની જાણ આપતા રહ્યા છે. તો દેશભરમાં અને વિશ્વભરમાં આજે પણ પત્રકારો કોરોના વાયરસનો વ્યાપ હોવા પોતાની જીદગી હોડમા મુકીને દર્દીઓની મુલાકાત લે છે, હોસ્પિટલની મુલાકાત લે છે અને પ્રજા સુધી તેની વિગતો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેની નોંધ લેવી રહી.
દેશના વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના આદેશોનો અમલ મોટાભાગના રાજયોએ વહેલો મોડો શરૂ કરી દીધો છે…. ત્યારે રાજકીય ક્ષેત્રે ખાસ કરીને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સોદાગર અને તોડોના વાયરસ ફરી રહ્યો છે. જેનો મોટા પ્રમાણમાં ભોગ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો બન્યા છે. મધ્યપ્રદેશમાં 24 ધારાસભ્યો અને ગુજરાતમાં5 ધારાસભ્યો તેનો ભોગ બન્યા છે…. તો મધ્યપ્રદેશમાં ભાજપાના 2 ધારાસભ્યો સોદાગર વાઇરસનો ભોગ બન્યા છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો આ રાજકીય સોદાગર વાઇરસમાંથી બચવાની તૈયારી માં છે….! એટલે કદાચ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર રાજકીય સોદાગર-તોડોના વાયરસમાંથી બચી જવાની શક્યતાઓ ઊભી થઈ છે…..! છતાં આ તો રાજકીય વાયરસ છે….!
જો કે શિવરાજ તો આ રાજકીય વાયરસ નાથવા મોટા પ્રમાણમાં ધમપછાડા કરી રહ્યા છે…. પરંતુ તેઓને ગોપાલ ભાર્ગવ લડી રહ્યા છે….! કારણ કે બહુમત ધારાસભ્યો તેમની તરફેણમાં છે. જેથી શિવરાજ સિંહના ધમપછાડા એળે જાય તેવું પણ બની શકે……!! ત્યારે ભાજપાના 2 ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલ શિવરાજ પાસેથી છટકી ગયા છે અને કમલનાથના બંગલે પહોંચી ગયા છે. જેના કારણે ભાજપા જે કોંગ્રેસી બળવાખોરોને લઈ ગયા છે તેમાંથી કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતા ઊભી થઈ જવા પામી છે….!
તો મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પાસે ભાજપા કરતાં બે ધારાસભ્યો વધુ છે. ત્યારે બે અન્ય ભાજપાના ધારાસભ્યો પણ કોંગ્રેસમાં આવવા તૈયાર હોવાનું કહેવાય છે…..! જોકે સ્પીકરે 6 કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા મંજુર કરી દુધા છે…..આવુ બધું બનવા છતાં મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને રાજકીય સોદાગર-તોડોના વાઇરસની અસર થવાની શક્યતા નહિવત્ બની ગઈ છે……!?
ગુજરાતમા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાગૃહમાં કોરોના વાયરસને કારણે વિધાનસભા ગૃહ 25 માર્ચ સુધી મુલતવી રાખવા માંગ કરી હતી પરંતુ ગૃહમાં તેમની માગણી સ્વીકારવામાં ન આવી પરિણામે આજે સમગ્ર કોંગ્રેસ પૈકી એક પણ ધારાસભ્ય ગૃહમાં આવ્યા ન હતા. તમામ જયપુર ઉપડી ગયા હોવાનું કોંગ્રેસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે…. તો કોગ્રેસમાથી પક્ષપલટો કરનારા અંગે જે તે નેતાઓનું કોંગ્રેસના નાના ગણાતા કર્મચારીઓએ દશેક દિવસ પહેલા ધ્યાન દોર્યું હતું….. પણ નેતાઓની ખાસિયત અનુસાર નાના કર્મચારીઓની વાત કાને લીધી ન હતી….. અને પરિણામ સામે જ છે…. પાંચ ધારાસભ્યો ગયા..
સરકારી આદેશો છતાં અમદાવાદ પાસે કોબા પાટિયા નજીક આવેલ મહાપ્રજ્ઞા શાળાની વાત છે આજે પણ યથાવત ચાલુ રાખવામાં આવી છે. તો અમદાવાદના ચાંદલોડીયામાં રણછોડ નગરમાં આવેલ એક વિદ્યાલય સંચાલકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશોને ઘોળીને પી ગયા છે… અને વિદ્યાલય ચાલુ રાખ્યા છે….આને શું કહીશું….? બાળકોના જીવન સાથેનો ખેલ….? કે પછી સરકાર ની ઐસી તૈસી….?
(જીએનએસ : હર્ષદ કામદાર)