જૂનાગઢની દિપાંજલી સોસાયટીનાં રહીશોએ કરીયાણુ ખરીદવા સ્વયંભુ વ્યવસ્થા ગોઠવી
જૂનાગઢ જિલ્લામાં તા.૨૫ માર્ચ સુધી કોરોનાં વાયરસની મહામારીનો એક પણ કેસ નોંધાયો નથી. જેમાં તંત્રની મહેનત સાથે લોકોની સ્વયં સમજદારીનો મોટો હિસ્સો છે.જૂનાગઢની મોતીબાગ સામે આવેલી દિપાંજલી સોસાયટીની વાત કરીએ તો અહીંના કરીયાણાના દુકાનદારો સાથે સોસાયટીનાં રહીશોએ જીવનજરૂરી કરીયાણુ ખરીદવા સ્વયંભુ વ્યવસ્થા ગોઠવી છે. કરીયાણાનાં દુકાનદારોએ તેમનાં ગ્રાહકોની થેલી સાથે જે સામગ્રી જોઇએ તેનું લીસ્ટ અને મોબાઇલ નંબર દુકાનદારને આપી દેવાનો.
દુકાનદાર એક પછી એક ગ્રાહકની વસ્તુ તૈયાર કરે બીલ તૈયાર કરી અને તૈયાર થઇ જાય એટલે મોબાઇલથી ગ્રાહકને બોલાવી તેમની સામગ્રી આપી દે. દુકાનદારો અને દિપાંજલી સોસાયટીના રહીશોની આ સ્વયં વ્યવસ્થાથી દુકાન પર ખોટી ભીડ થતી નથી.ગ્રાહકોને જરૂરી વસ્તુ મળી રહે અને કોરોનાને હંફાવવા માણસ-માણસ વચ્ચે અંતર રાખવાની સુચનાનું પણ પાલન થાય છે.આ વ્યવસ્થા અંગે સોસાયટીનાં રહીશ વ્યવસાયે શિક્ષક કીશન રાવલીયાએ કહ્યુ કે દરેક વ્યક્તિ આ સમજદારી અપનાવશે તો કોરોના જૂનાગઢમાં નહીં પ્રવેશે.ગોકુલ પ્રોવીઝન સ્ટોર ધરાવતા રાજુભાઇ વાછાણીએ કહ્યુ કે આપણે સૈાએ સતર્ક રહેવાનું છે. તેમા સૈાએ યોગદાન આપવુ એ ફરજ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ