ગાંધીનગર જિલ્લાના શ્રમિકો માટે ત્રણ કેમ્પોની સુવિધા જિલ્લા તંત્ર દ્વારા ઉભી કરાઇ
ગાંધીનગર,
નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાના કારણે શ્રમિકો એક સ્થળે થી બીજા સ્થળે ન જાય તે માટેની સુચારું વ્યવસ્થા ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, ગાંધીનગરમાં બાંધકામના સ્થળો સહિત અનેક નાના – મોટા કારખાના લોકડાઉનના કારણે બંધ છે. ત્યાં કામ કરતાં શ્રમિકોને પોતાના વતન ન જવું પડે અને તેઓ એક સ્થળે નિરાંતે રોકણ કરી શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ શ્રમિકોને આસરો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પેથાપુર ની શાંતિ નિકેતન સ્કુલ, મોટા ચિલોડા માર્કેટ યાર્ડની બાજુમાં આવેલી ઓમ એજ્યુકેશન કેમ્પઅને ગાંધીનગરમાં સેકટર-૨૩માં આવેલી કડી સર્વ વિધાલય ખાતે શ્રમિકોને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું છે કે શ્રમિકોના રોકણની જગ્યાઓ પર ભોજન, સુવાની પથારી,પીવાના પાણી, શૌચાલય અને સફાઇ સાથે સાથે મેડિકલ સુવિધા મળી રહે તે માટે જિલ્લાના ત્રણ અધિકારીઓને આ અંગે જુદા જુદા સ્થળોની જવાબદારી સોપવામાં આવી છે. જેમાં શાંતિનિકેતન ખાતે આઇ.ટી.આઇ. દહેગામના આચાર્ય શ્રી જે.એમ.ત્રિવેદીને, ઓમ એજ્યુકેશન કેમ્પસ ખાતે શ્રમ અધિકારી શ્રી એ.એમ.મોદી અને કડી સર્વ વિધાલય ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.પી.જાદવને આ તમામ સુવિધા ઉપલબ્ઘ કરાવવાની જવાબાદારી સોંપવામાં આવી છે. આ કામગીરી માટે તેઓ પોતાની કચેરીના સ્ટાફનો ઉપયોગ કરી શકશે. તેમના સ્વાસ્થ્યની સુવિધાઓ માટે માસ્ક, સેનીટેશન જેવી બાબતોની કાળજી પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.