ઇડર તાલુકા ફળ શાકભાજી સહકારી સંધની પહેલ
- ઇડર તાલુકાના ગામોમાં લોકોને ટોકન ભાવે જુદી-જુદી ત્રણ કિલો લીલી શાકભાજી ઘેર બેઠા અપાશે
હિંમતનગર,
નોવેલ કોરોનાને પગલે દેશમાં ૨૧ દિવસનુ લોકડાઉન છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબધ્ધ છે. આ સમયમાં વહિવટી તંત્ર સાથે મળીને લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી કરીયાણુ પુરુ પાડવા કેટલીક સંસ્થાઓ સામે આવી છે. જેમાં ઇડર તાલુકા ફળ અને શાકભાજી સંધ દ્રારા ઇડરના ગામોને સસ્તા ભાવે ઘરે બેઠા શાકભાજી મળી રહે તેવો સંકલ્પ કરી કાર્ય આરંભ્યું છે.
દેશમાં રાજ્યમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્ર્મણ નાથવાનો એક જ ઉપાય છે ઘરે રહેવુ, સામાજીક અંતર જાળવવુ તેમજ ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવુ. આ સમયમાં જિલ્લા વહિવટી તંત્ર દ્રારા લોકોને ઘરે બેઠા જ જીવન જરૂરી વસ્તુઓ મળે તે માટે હોમ ડિલિવરીની વ્યવસ્થા ઉભી કરી છે. ઇડર તાલુકા ફળ અને શાકભાજી સંધના ચેરમેનશ્રી સતીષભાઇ પટેલ જણાવે છે કે, ગામડાના લોકોને એક અઠવાડીયુ ચાલે તેટલી જુદી-જુદી લીલી શાકભાજી ઘેર બેઠા સસ્તા ભાવે મળી રહે તે માટે ત્રણ કિલો અને સો ગ્રામની કીટ બનાવી છે. જે ૫૦ રૂપિયાના ટોકન ભાવે ઘેર-ઘેર પહોંચાડવામાં આવશે. રોજની જરૂરીયાત મુજબ લગભગ ૧૦૦૦ જેટલી કીટો બનાવી શકે તે રીતે આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવશે. આ માટે તેમણે ઇડર તાલુકાના ગામોના સરપંચો સાથે વાત કરી વ્યવસ્થા ગોઠવી છે. વધુમાં તેમણે કહ્યું જે ખેડૂતોને પોતાની શાકભાજીનુ વેચાણ કરવાનુ હોય તેવા તાલુકાના ખેડૂતો સાથે પણ વાત કરી છે જેથી વેચાણ માટે ખેડૂતોને પણ ઘર આંગણે વ્યવસ્થા કરી પુરતુ વળતર મળી રહે તે માટે કટીબધ્ધતા દર્શાવી હતી.