લોકડાઉન દરમ્યાન પોલીસ ચોપડે નામ નોંધાયું તો તેને ભવિષ્યમાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે
જિલ્લામાં ડ્રોન કેમેરાથી લોકો પર પોલીસની બાજ નજર, દવા લેવાના ખોટા બહાને ઘર બહાર ફરતા લોકો સામે ફરીયાદ નોંધાશે
જિલ્લામાં કલમ-૧૪૪ના જાહેરનામાના ભંગ બદલ કલમ-૧૮૮ હેઠળ ૧૨૭ લોકોની અટકાયત લોકડાઉનના પગલે ૭૨ વાહનો ડીટેઇન કરાયા
હિંમતનગર,
લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. જુદા જુદા કામના બહાના બતાવી લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે ફરીયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લોકો હળવાશથી લઈ રહ્યા છે પરંતુ આ ગંભીર બાબત છે જો લોકડાઉન દરમ્યાન પોલીસ ચોપડે નામ નોંધાયું તો તેને ભવિષ્યમાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે. જેમાં યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી, નોકરીયાત સામે તપાસ અને વિદેશમાં રહેતા લોકોની પાસપોર્ટ જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને રાજકીય કારકિર્દીમાં પણ નુકશાન થઈ શકે છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કલમ-૧૪૪ના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કલમ-૧૮૮ મુજબ ૧૨૭ ફરીયાદો દાખલ કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ સાથે જ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી અને સી.સી.ટી.વી. સર્વેલન્સ દ્વારા પણ ગુના નોંધવામાં આવશે. પોલીસ દ્વારા જિલ્લાના ૭૨ જેટલા બાઈક અને કાર ડિટેઈન કરવામાં આવ્યા છે. આર.ટી.ઓ. દ્વારા દંડ વસુલી લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ વાહનમાલિકને તેનું વાહન પરત કરવામાં આવશે. વધુમાં દવા લેવાના બહાને બહાર ફરતાં લોકોના પ્રિસ્ક્રિપ્શન ચેક કરી ડૉક્ટર સાથે વાત કર્યા બાદ જ મુક્તિ આપવામાં આવશે. પરંતુ જે કિસ્સામાં જુના પ્રિસ્ક્રિપ્શન કે ખોટા બહાને બહાર નિકળ્યાનું સાબિત થશે તો તે વ્યક્તિ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવશે.
પોલીસ દ્વારા ફોટોગ્રાફી અને વિડિયો સર્વેલન્સના પુરાવા સાથે ફરિયાદ નોંધાવાના કિસ્સામાં ગુનો સાબિત થતાં લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિઓને ૬ માસ સુધીની કેદની સજા થઈ શકે છે. સાથે સાથે જે યુવાનો સરકારી નોકરીમાં જોડાવા માંગતા હોય તેમને તથા નવો પાસપોર્ટ ઈસ્યુ કરાવવા ઈચ્છુક તેમની સામે ફરીયાદ થાય તો એવા લોકોને પોલીસ દ્વારા એન.ઓ.સી. ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિદેશમાં રહેતા અને હાલ વતન પરત ફરેલા લોકો જો લોકડાઉનનો ભંગ કરે તો ફરી વિદેશ ગયા બાદ કોર્ટ કેસમાં હાજરી આપવા વારંવાર સ્વદેશ આવવું પડે છે અને પાસપોર્ટ જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકે છે. સરકારી કર્મચારી દ્વારા લોકડાઉનનો ભંગ કરવાના કિસ્સામાં તેની સામે તપાસ થઈ શકે છે અને ગુનો સાબિત થતાં સજા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે કાર્યરત લોકોને તેમની રાજકીય કારકિર્દીમાં નુકશાન થઈ શકે છે.
સલામત સામાજીક અંતર એ જ કોરોના વાયરસના ચેપથી બચવાનો એક માત્ર ઉપાય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી દરેક નાગરિકની પોતાની છે. તેનું યોગ્ય પાલન નહીં કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ પણ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે. માટે લોકડાઉનનું સ્વયંભુ પાલન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.ઘરે રહો સુરક્ષિત રહોનુ વારંવાર સુચન આપવામાં આવી રહ્યું છે.