કોરોના વાયરસના સંક્રમણની રોક માટે સૈનિક બન્યા ઇડર તાલુકાના સખીમંડળો તેમજ દરજીઓ

- તાલુકાના સંચા રાખના બહેનો ભાઇઓ સખી મંડળો દ્રારા મફત માસ્ક બનાવી આપવામાં આવ્યા.
- ઇડર તાલુકાના ગામોમાં ચાર લાખથી વધુ માસ્ક બનાવી વિનામૂલ્ય વિતરણ કરાઇ રહ્યું છે.
હિંમતનગર,
કોરોના વાયરસની મહામારી વૈશ્વિક સ્તરે ગંભીરરૂપ ધારણ કરી ચૂકી છે. ગુજરાત પણ હાલમાં કોરોનાનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા આ સંક્રમણને અટકાવવા માટે ૨૧ દિવસનુ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આ મહામારીના સંક્રમણને રોક માટે માસ્ક એક જરૂરી વસ્તુ બની રહી છે. તેવા સમયમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક ઉમદા પગલુ લેવાયુ છે.ઇડર તાલુકાના ગામોમાં માસ્કનુ નિર્માણ કરી સમગ્ર તાલુકામાં વિના મૂલ્ય માસ્કનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઇડર તાલુકાના સેવાભાવી કિર્તીભાઇ પટેલે ઇડર તાલુકાના ગામડાના લોકોને માસ્ક મળી રહે તે માટે ઇડર તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરીને કાપડ માટે એક લાખ રૂપિયાનુ દાન આપવાની ઇચ્છા દર્શાવી હતી. શ્રી ચૌધરીએ માસ્કની જરૂરીયાત અને હાલની પરીસ્થિતિમાં માસ્કની ઘટને ધ્યાને લેતા તુરંત ઇડર તાલુકામાં આવેલ સખી મંડળો સાથે વાત કરી સાથે ગામના સરપંચોને વાત કરતા દાનની સરવાણી વહી. અનેક લોકોને પોત-પોતાની યથાશક્તિ મદદ કરી તો સખી મંડળ પણ તમામ માસ્ક મફતમાં બનાવી આપવા તૈયારી બતાવી હતી. જ્યારે તાલુકાના લોકોને વાતની જાણ થતા ગામના દરજીઓ અને ઘર કામ પુરતા સંચા રાખનારી બહેનો બધા જ આ સેવાના કામમાં જોતરાયા હતા.
ઇડર તાલુકામાં ચાર લાખ ઉપરાંત માસ્કનુ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનુ મફતમાં દરેક ઘેર-ઘેર જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની મહામારીના સમયમાં મોં દ્વારા તેના વાઇરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોચ્છવાસ દ્વારા વાયરસ ફેલાય નહીં તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જો કે સ્વસ્થ વ્યક્તિને માસ્કની આવશ્યકતા નથી પણ જેમને શરદી-ખાંસી કે તાવ જેવી બીમારી છે તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે.