દાહોદ જિલ્લામાં ૪૦૯ પરપ્રાંતિયોને શેલ્ટર હોમમાં રખાયાં
દાહોદ : ગુજરાત રાજ્યના વિવિધ શહેરમાંથી પોતાના વતન જવા માટે આવેલા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકોને દાહોદ જિલ્લામાં જ રોકી લેવામાં આવ્યા છે. આ માટે વિવિધ સ્થળે શેલ્ટર હોમ બનાવીને આવા ૪૦૯ લોકોને અહીં આશરો આપવામાં આવ્યો છે. આ સાથે તંત્ર દ્વારા તેમના બંને સમયના ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સરકાર દ્વારા સ્થળાંતર રોકવાની સુચના આપી છે. ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી પોતાના વતન જવા માટે દાહોદ આવેલા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના શ્રમિકોને દાહોદ જિલ્લામાં જ રોકી લેવામાં આવ્યા છે.
દાહોદ શહેરમાં ખરેડી Âસ્થત જવાહર નવોદય વિદ્યાલયમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ૨૭૦ લોકોને રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે દેવગઢ બારિયાની મોડેલ સ્કુલમાં ૯૯, ઝાલોદના ટીટોડી આશ્રમમાં ૪૦ લોકોને રાખવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે અન્યત્રથી આવેલ નિરાશ્રિતોને કે મજૂરી કામ કરતા જે તે લોકોને વહીવટી તંત્ર તરફથી જે તે તાલુકાના જે તે સ્થળોએ આશરો આપી ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.