જૂનાગઢ જિલ્લામાં તા. ૧૫ એપ્રીલ સુધી ૧૪૪ની કલમનુ જાહેરનામુ લાગુ
- ખાનગી હોસ્પિટલોમાં કોરોના લક્ષણો ધરાવતો કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય કે કોરોના સંબંધિત રિપોર્ટ પોઝિટિવ આવે તો સત્તાવાળાઓને જાણ કરવી ફરજીયાત
કોરોનાં કોવીડ-૧૯ નાં ઝડપી સંક્રમણને ધ્યાને લઇ અગમચેતીનાં પગલા રૂપે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ અન્વયે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ કરેલ છે. આ સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ તેમને મળેલ સત્તાની રૂઇએ કલમ ૧૪૪ હેઠળ સમગ્ર જિલ્લામાં તા. ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધી નીચે મુજબનાં પ્રતીબંધો ફરમાવ્યા છે.
સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર/દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેઓએ તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ મેડિકલ, હોમિયોપેથીક, આયુર્વેદિક દવાખાના, ખાનગી હોસ્પિટલોમાં કોરોના લક્ષણો ધરાવતો કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય કે કોરોના સંબંધિત રિપોર્ટ પોઝિટિવ આવે તો તેઓ હેલ્પલાઇન નંબર ૧૦૪ અને કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૫ ૨૬૩૩૧૩૧ ઉપર નજીકની સરકારી હોસ્પિટલના તબીબને ફરજિયાત પણે તુરત જ જાણ કરવાની રહેશે.
સમગ્ર જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં સમુહ લગ્નો, મેળાવડા તથા લોકમેળા કે જે પ્રસંગે મોટી/વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં. સમગ્ર જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પાન-માવા ગલ્લાઓ, ચાની લારીઓ બંધ રાખવાના રહેશે. ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો ઉપર ડાઇનિંગ સુવિધા સુવિધા બંધ રાખવાની છે, પરંતુ પાર્સલ સુવિધા માટે સક્ષમ સત્તાધિકારીની પરવાનગી મેળવી હોમ ડિલિવરી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં આવેલું ઓડિટોરિયમ, ટાઉન હોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રી ક્રિએશન ક્લબ, સ્વીમીંગપુલ, વોટરપાર્ક, શોપિંગ મોલ(અતિ આવશ્યક ચીજવસ્તુઓ અનાજ કરિયાણાના સિવાય) ડાન્સ ક્લાસીસ, મેરેજ હોલ, મલ્ટિપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કલબ હાઉસ, તેમજ ભવનાથ વિસ્તાર,વિલીગ્ડન ડેમ, સકરબાગ સહિતના જિલ્લામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો કે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે તેમ જ સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલ સૂચનાઓને અનુસરવાનું રહેશે
કોઈપણ વ્યક્તિ/સંસ્થા/કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોસીયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામુ સરકારી ફરજ અથવા રોજગારમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવી ગ્રામ ગૃહ રક્ષક દળ કે અર્ધ સરકારી એજન્સીઓ, કાયદેસરની ફરજ પર હોય તથા સ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તથા સક્ષમ સત્તાધિકારીશ્રી ની પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓને/સંસ્થાને લાગુ પડશે નહીં.
આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતાં સ્થળો જેવા કે દવાની આયુર્વેદિક- એલોપેથીક અને હોમિયોપેથીક દવાઓનું વેચાણ કરતા મેડિકલ/સર્જીકલ સ્ટોર, અનાજ કરીયાણાની દુકાનો, દૂધની ડેરીઓ તથા શાકભાજીના વેપારી ઓને દરરોજ નિયમિત સમય દરમ્યાન દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવેલ છે, તેને લાગુ પડશે નહીં પરંતુ સરકારશ્રીની પ્રવર્તમાન અને વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે. જાહેરનામું ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ