જૂનાગઢ : લોકડાઉનમાં ફસાયેલા કેરાલાના ટ્રક ડ્રાઇવર અબ્દુલભાઇની કહાની

- મારી જાતને ખુશ નસીબ માનું છું કે હું જૂનાગઢ જિલ્લાના હાઈવે ઉપર ગાદોઈ ટોલનાકા પાસે ફસાયો હતો.
- ગુજરાતના લોકોનો થયેલો સુખદ અનુભવ હું જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું
જૂનાગઢ : જીવનના ઘણા પ્રસંગોએ સુપ્રસિદ્ધ પાશ્વગાયક સ્વર્ગસ્થ મુકેશજી દ્વારા ગાયેલું પહેચાન ફિલ્મનું ગીત “બસ યહી અપરાધ મેં હર બાર કરતા હું આદમી હું આદમી સે પ્યાર કરતા હું” યાદ આવી જાય છે. આ ઘટના છે જૂનાગઢ સોમનાથ હાઇવે ઉપર આવેલા ગાદોઈ ટોલનાકે ફસાયેલા કેરાલાના ટ્રક ડ્રાઇવર અબ્દુલ સલામ સાથે ઘટેલી. અબ્દુલ સલામ પોતાનો સુખદ અનુભવ વર્ણવતા કહે છે કે કોરોનાની મહામારીના કારણે દેશભરના મારા જેવા લોકો ક્યાંકને ક્યાંક ફસાયેલા છે. પરંતુ હું મારી જાતને ખુશ નસીબ માનું છું કે હું ગુજરાતના જૂનાગઢ જિલ્લાના હાઈવે ઉપર ગાદોઈ ટોલનાકા પાસે ફસાયો હતો. આજથી ૨૦ દિવસ પહેલા અબ્દુલ સલામ સાથે થયેલી ઘટના ટુટીફુટી હિન્દીમાં વર્ણવતા તેણે જણાવ્યું કે હું વેરાવળ મચ્છી ભરવા માટે ગયો હતો. મચ્છી ભરીને પરત આવતા ૩૦ માર્ચ ના રોજ મારો ટ્રક ગાદોઈ ટોલનાકા પાસે બંધ પડી જતા અન્ય ટ્રકની વ્યવસ્થા કરીને માલ ફેરવીને મોકલી દીધો હતો. અને હું લોકડાઉન હોવાથી ગાદોઇ ટોલનાકા પાસે ફસાઈ ગયો હતો.
આજુબાજુના ગ્રામવાસીઓને મારી હાલત ની ખબર પડી તેમ તેમ સામેથી મારી પાસે આવવા લાગ્યા અને મને બંને ટાઇમ જમવા રહેવા સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવી આપી. હું ખાસ કરીને ટીનમસ ના રહેવાસી રહીમભાઈ, અહેમદ ભાઈ તથા યુસુફભાઈ નો જીવનભર આભારી રહીશ કે તેમણે મને પરિવારના સભ્યની જેમ આટલા બધા દિવસ સુધી સાચવ્યો. લોકડાઉન હોવાથી મારો ટ્રક રિપેર કરવા માટે કોઇ કારીગર આવતો ન હતો આખરે મને જૂનાગઢના કેસરી દૈનિકના તંત્રી સુનિલભાઈ નાવાણીનો સંપર્ક થતા તેમણે જૂનાગઢના ડીવાયએસપી શ્રી જાડેજા ની ખાસ પરવાનગી મેળવી જૂનાગઢ થી યુસુફભાઈ ને મારો ટ્રક રિપેર કરવા મોકલેલ અને અંદાજે ૨૧ દિવસ પછી હું ગાદોઈ ટોલનાકાની બહાર નીકળી શક્યો છુ.
૩૫ વર્ષીય અબ્દુલ સલામ કેરાલાના મલપ્પુરમ ગામના રહેવાસી છે. પરિવારમાં માતા પત્ની અને બે બાળકો ધરાવતા અબ્દુલ સલામ કહે છે કે મારું નસીબ એટલું સારું છે કે હું ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ફસાયો હતો મારા ઘણા જાણીતા ટ્રક ડ્રાઈવરો દેશના અન્ય ભાગોમાં ફસાયા છે પરંતુ એમને મારી જેટલી સગવડતાઓ પ્રાપ્ત થઇ નથી ભલુ થાય ગુજરાતના રહેવાસીઓનું કે તેઓએ એક અજાણ્યા માણસને આટલો સપોર્ટ કર્યો. અબ્દુલ સલામે પોલીસ ના વ્યવહારની પણ ખૂબ જ સરાહના કરી કે હંમેશા પોલીસ દ્વારા પણ મદદની ઓફર કરાતી હતી આજે પોતાના વતન ભણી સુખદ યાદો સાથે રવાના થયેલા અબ્દુલ કલામ પોતાની ૧૫ વર્ષ બાદ ની ગુજરાતની આ યાત્રાને હંમેશા એક સુખદ સંભારણા તરીકે યાદ રાખશે તેવું ગદગદ સ્વરોમાં તેમણે જણાવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ