કોરોના મહામારીમાં રકતદાનમાં સહભાગી થઇ માનવતાના યજ્ઞમાં જોડાતા જૂનાગઢવાસીઓ

- લોકડાઉનના સમયમાં સિંધી સમાજની અનોખી પહેલ
- થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એરીયા વાઇઝ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
જૂનાગઢ : કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો માટે સીવીલ હોસ્પીટલ જૂનાગઢ ધ્વારા બ્લડ એકત્રીત કરવુ જરૂરી છે. થલેસેમીયાગ્રસ્ત કે અન્ય જરૂરીયાવાળા લોકોને બ્લડ મળતું રહે તે અત્યંત આવશ્યક છે. આ બાબતને ધ્યાને લઇ જૂનાગઢવાસીઓ કોરોના મહામારીમાં રકતદાનમાં સહભાગી થઇ માનવતાનુ કાર્ય નિભાવી રહયા છે. લોકોની સમસ્યાઓ તથા તેમની બીમારીઓ લોકડાઉન થતી નથી આવા સમયે માનવીય સંવેદનાઓ જાગૃત રાખી ને સામાજિક સ્તરે થતી કામગીરીઓ ના કારણે લોકોની સમસ્યામાં ઘણી રાહત મળતી હોય છે. રકતદાન પણ એક માનવતાનું એક એવું જ કાર્ય છે.
થેલેસેમિયા ગ્રસ્ત બાળકો ની મુશ્કેલીઓ ઘણી વધુ છે. થેલેસેમિયા ગ્રસ્ત બાળકો ને અઠવાડિયામાં બે થી ત્રણ વખત લોહી ચડાવવું પડતું હોય છે. જે આ લોકડાઉન ની સ્થિતિમાં ઘણુ અઘરૂ થઈ જવા પામ્યું છે. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની આ મુશ્કેલીને હલ કરવા જૂનાગઢના સિંધી સમાજે કમર કસી છે જે અંતર્ગત ગત રવિવારે સ્વામી લીલાશાહ નગર સિંધી સોસાયટી માં શ્રી ઈચ્છા પૂર્ણ ઝુલેલાલ મંદિર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ૩૬ થી વધુ લોકોએ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેટ કર્યું હતું.
એ જ રીતે તા. ૧૯ ના રોજ શ્રી અંબિકા નગર સિંધી જનરલ પંચાયત તથા ઝુલેલાલ યુવક મંડળ દ્વારા સિંધી જનરલ પંચાયત ની વાડી ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના ૭૦ થી વધુ લોકોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેટ કર્યું હતું. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ ના સર્વોદય દવા ફંડ ટ્રસ્ટ તથા સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન ના સહયોગથી યોજાયેલા આ બંને કેમ્પોમાં પ્રમુખ સુનિલભાઈ નાવાણી, કોર્પોરેટર કિશોરભાઇ અજવાણી, રાજુભાઇ નંદવાણી, ઝુલેલાલ યુવક મંડળના પ્રમુખ અંકિતભાઈ મદનાણી અને તેમની ટીમે જહેમત ઊઠાવી હતી
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ