ખાનગી નર્સિંગ હોમ ચાલુ કરો, નહીં તો લાઈસન્સ રદ થશે

મુંબઈ: કોરોનાના દર્દી વધી રહ્યા હોઈ પાલિકાની મોટાભાગની હોસ્પિટલમાં કોરોનાના દર્દી પર સારવાર ચાલી રહી છે, તેને કારણે અન્ય દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમાં પાછું ઓછું હોય તેમ ખાનગી ડોકટરોએ પણ તેમના દવાખાના બંધ રાખ્યા હોવાને કારણે લોકોને વધુ તકલીફ થઈ રહી છે. તેથી તમામ ખાનગી નર્સિંગ હોમ અને પૉલિક્લિનિકને ચાલુ કરવાનો આદેશ પાલિકાએ આપ્યો છે, અન્યથા તેમના લાઈસન્સ રદ કરવામાં આવશે. તેમ જ તેમની સામે એપિડેમિક એક્ટ ૧૮૯૭ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ પાલિકાએ આપી છે.
પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ પાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતાને બંધ રહેલા નર્સિંગ હોમ અને ખાનગી દવાખાના સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, તેમ જ જે સોસાયાટી અને ચાલીના પરિસરમાં નર્સિંગ હોમ અથવા ખાનગી દવાખાના ચાલુ કરવા માટે સોસાયટી અને ચાલીના રહેવાસીઓ, ઘરના માલિક અથવા પડોશીઓ મંજૂરી નહીં આપતા હોય તેમની સામે એપિડેમિક એક્ટ ૧૮૯૭ અનુસાર કાર્યવાહી કરીને તેમની વિરુધમાં ગુનો દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. દવાખાના અને નર્સિંગ હોમને પાલિકાએ અમુક સૂચના પણ આપી છે, જેમાં દવાખાનામાં આવનારી વ્યકિતના શરીરનું તાપમાન સ્પર્શ કર્યા વગર તપાસવાનું રહેશે.
શરીરનું તાપમાન ૯૮.૬ ફેરેનહાઈટ અથવા તેમનાથી વધુ હશે તેવી વ્યકિતને પાલિકાના દવાખાનામાં અથવા ફીવર ક્લિનિકમાં તાત્કાલિક મોકલવામાં આવશે. કોરોનાના લક્ષણ જણાય તેવી વ્યકિતને પાલિકાની કેન્દ્ર પર મોકલવાનું રહેશે. દરમિયાન મુંબઈમાં પ્રસરેલા કોરોના વાઈરસ સામે મુંબઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એકલા હાથે જંગ લડી રહ્યો છે ત્યારે ખાનગી નર્સિંગ હૉમને તાળા દઈને ઘરે બેસી ગયેલા ડૉક્ટરો સામે રાજ્ય સરકારે ફરી લાલા આંખ કરી હતી. અગાઉ સરકારે તેમને અપીલ કરી હતી, પરંતુ શનિવારે આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ તેમની સામે સખત પગલાં લેવાનો ઈશારો કર્યો હતો.