‘ગુજરાતના કોરોના વોરીયર્સ’ પર નિબંધ-કાવ્ય-ચિત્ર સ્પર્ધાનું આયોજન
- શાળા કોલેજના વિધાર્થીઓ ભાગ લઇ શકશે
મોરબી,
હાલમાં જ્યારે રાજ્યની શાળા-કોલેજો બંધ છે, ત્યારે ગુજરાતના સ્થાપના દિને સાંપ્રત સ્થિતિમાં કોરોના વોરીયર્સ પર નિબંધ, કાવ્ય અને ચિત્ર સ્પર્ધાનું આયોજન તા.૧૦ મે સુધી કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે જેમાં પ્રાથમિક કેટેગરી, માધ્યમિક કેટેગરી અને કોલેજની કેટેગરી રહેશે.
તૈયાર કરેલ કૃતિ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાનાજિલ્લા શિક્ષણાધિકારીને તેમજ જે-તે કોલેજના પ્રિન્સિપાલને તા. ૧૦મે સુધીમાં ઇમેલ કે ટપાલથી મોકલી આપવાની રહેશે. તેમજ સ્પર્ધક વધુમાં વધુ બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને એટલે કે જિલ્લા દીઠ ૨૭ જેટલા પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાકક્ષાએ ત્રણ કેટેગરીમાંથી પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની ચકાસણી બાદ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓને વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.